Sensex Today: ભારતીય શેરબજારમાં આજે એટલે કે 10 માર્ચ, 2026ના રોજ જોરદાર રિકવરી જોવા મળી રહી છે. વૈશ્વિક સ્તરે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના 'યુદ્ધ જલ્દી સમાપ્ત થશે' તેવા સકારાત્મક નિવેદન બાદ બજારમાં રોકાણકારોનો ઉત્સાહ વધ્યો છે. સેન્સેક્સ 500થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે 78,000ના મનોવૈજ્ઞાનિક સ્તરને પાર કરી ગયો છે, જ્યારે નિફ્ટી પણ 150 પોઈન્ટ વધીને 24,200ની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. ખાસ કરીને ઓટો, ફાર્મા અને પીએસયુ બેંકિંગ શેરોમાં ખરીદીનું જોર જોવા મળી રહ્યું છે, જેના કારણે બજારને મજબૂત ટેકો મળ્યો છે.
બજારમાં તેજીનું સૌથી મોટું કારણ ક્રૂડ ઓઈલના ભાવમાં આવેલો મોટો કડાકો છે. ટ્રમ્પના શાંતિના સંકેતો બાદ બ્રેન્ટ ક્રૂડ 8.5% ઘટીને 92 ડોલરની આસપાસ આવી ગયું છે, જ્યારે અમેરિકી તેલ (WTI) પણ 88 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે. ઓઈલના ભાવ ઘટવાથી ભારતીય અર્થતંત્ર પરનો બોજ ઘટશે તેવી આશાએ બજારમાં તેજી જોવા મળી છે. જોકે, આ તેજી વચ્ચે આઈટી અને ઓઈલ-ગેસ સેક્ટરમાં થોડો દબાણ જોવા મળી રહ્યો છે.
ક્રૂડ ઓઈલ 9% સસ્તું થતા ભારતીય બજારમાં ઉછાળો
ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવમાં મંગળવારે સવારે મોટો ઘટાડો નોંધાયો છે. ગઈકાલે જે તેલ 115 ડોલરની નજીક હતું, તે આજે ઘટીને 92 ડોલરની નીચે આવી ગયું છે. નિષ્ણાતોના મતે, યુદ્ધ સમાપ્ત થવાની ટ્રમ્પની વાતોથી સપ્લાય ચેઈન ખોરવવાનો ડર ઓછો થયો છે. ભારતમાં જે કંપનીઓ કાચા તેલનો વધુ ઉપયોગ કરે છે (જેમ કે પેઈન્ટ્સ અને એવિએશન), તેમના શેરોમાં આજે વિશેષ તેજી જોવા મળી રહી છે.
કોર્પોરેટ અપડેટ્સ: આ કંપનીઓના શેરોમાં હલચલ
ભારતીય શેરબજારમાં આજે અનેક કોર્પોરેટ જાહેરાતોને કારણે રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે, જેની સીધી અસર સંબંધિત કંપનીઓના શેરના ભાવ પર પડી રહી છે. સૌ પ્રથમ એનર્જી સેક્ટરની વાત કરીએ તો, KPI Green Energy એ ગુજરાતમાં તેની ક્ષમતામાં વધારો કરતા ૨૪.૨ મેગાવોટનો સોલર આઈપીપી (IPP) પ્રોજેક્ટ સફળતાપૂર્વક કાર્યરત કર્યો છે, જેનાથી ગ્રીન એનર્જી ક્ષેત્રે કંપનીની સ્થિતિ વધુ મજબૂત બની છે. તેવી જ રીતે, HEC Infra Projects ને પણ મોટી સફળતા સાંપડી છે; કંપનીને એમજેએસ સીમેન્સ ફાયનાન્શિયલ સર્વિસીસ તરફથી ૩૬.૫૦ કરોડ રૂપિયાનો સોલર પાવર પ્લાન્ટ સ્થાપવાનો ઈપીસી (EPC) ઓર્ડર પ્રાપ્ત થયો છે, જેના પરિણામે તેના શેરમાં એક ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો.
ડિફેન્સ અને એરોસ્પેસ ક્ષેત્રે કાર્યરત PTC Industries એ વૈશ્વિક સ્તરે પોતાની ઓળખ વધારતા ફિનલેન્ડની ટેકનોલોજી કંપની 'કુલબ્રુક' સાથે મલ્ટી-યર સમજૂતી (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ ભાગીદારી હેઠળ કંપની અત્યાધુનિક ઘટકોનું મેન્યુફેક્ચરિંગ કરશે, જેનાથી તેના શેરમાં તેજી જોવા મળી છે. બીજી તરફ, સરકારી ક્ષેત્રની જાયન્ટ કંપની Power Grid Corporation ના બોર્ડે રૂપિયા ૫,૦૦૦ કરોડનું ફંડ ઊભું કરવાની મહત્વની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. આ સાથે કંપનીએ યુગાન્ડામાં ટ્રાન્સમિશન પ્રોજેક્ટ માટે ગ્લોબલ એલાયન્સની જાહેરાત કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાના બિઝનેસનો વિસ્તાર કરવાના સંકેત આપ્યા છે.
બજારના 'વિજેતા' અને 'નબળા' શેરો
આજે ફાર્મા સેક્ટરમાં Wockhardt ના શેરમાં પાછલા 14 અઠવાડિયાનો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે. બીજી તરફ, Innovision IPO માટે એક્સપર્ટ્સ દ્વારા 'એવોઈડ' એટલે કે દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે કારણ કે તેની વેલ્યુએશન મોંઘી જણાય છે. જોકે, હજુ પણ કેટલાક લાર્જ-કેપ શેરો જેમ કે Gujarat Gas, Amara Raja અને Bata India તેમના 52-અઠવાડિયાના સૌથી નીચલા સ્તરે (52-week low) ટ્રેડ થઈ રહ્યા છે.
એશિયન બજારોમાં ગ્રીન સિગ્નલ, અમેરિકામાં સુસ્તી
ભારતીય બજારની સાથે એશિયાના અન્ય બજારોમાં પણ તેજીનો માહોલ છે. જાપાનનો નિકેઈ 3.20% અને સાઉથ કોરિયાનો કોસ્પી 5% થી વધુ ઉછળ્યો છે. જોકે, ગઈકાલે રાત્રે અમેરિકી બજારમાં નાસ્ડેક અને એસએન્ડપી 500 ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ ટ્રમ્પના નિવેદન બાદ ગ્લોબલ સેન્ટિમેન્ટ બદલાયું છે જેની અસર આજે સવારે ભારતીય માર્કેટ પર સ્પષ્ટ દેખાય છે.




















