Stock Market Holiday Ram Navami 2026: ભારતીય શેરબજારમાં આજે એટલે કે 26 માર્ચ 2026, ગુરુવારના રોજ રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે રજા જાહેર કરવામાં આવી છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના જન્મોત્સવના અવસરે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) બંનેમાં કામકાજ સંપૂર્ણપણે બંધ રહેશે. રોકાણકારો માટે હવે સીધું ટ્રેડિંગ આવતીકાલે એટલે કે 27 માર્ચ, શુક્રવારના રોજ ફરી શરૂ થશે. આ રજા દરમિયાન ઇક્વિટી, ઇક્વિટી ડેરિવેટિવ્ઝ, કરન્સી ડેરિવેટિવ્ઝ અને ઇન્ટરેસ્ટ રેટ ડેરિવેટિવ્ઝ સહિતના તમામ સેગમેન્ટમાં સોદાઓ થશે નહીં. જોકે, કોમોડિટી માર્કેટમાં સવારના સત્રમાં રજા રહેશે, પરંતુ સાંજના સત્રમાં ટ્રેડિંગ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. ગઈકાલના તેજીના જુવાળ બાદ આજે બજારમાં આરામનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગઈકાલે બજારમાં જોવા મળી હતી જોરદાર તેજી
શેરબજારમાં રજા પહેલા એટલે કે 25 માર્ચના રોજ રોકાણકારો માટે 'સુપર વેડનેસડે' રહ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટીમાં સતત બીજા દિવસે રિકવરી જોવા મળી હતી. સેન્સેક્સ 1,205 પોઈન્ટના ઉછાળા સાથે 75,273.45 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 394 પોઈન્ટ વધીને 23,306.45 ની સપાટીએ પહોંચ્યો હતો. ખાસ કરીને મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં 2.5% થી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો, જે દર્શાવે છે કે, રોકાણકારોમાં ફરી એકવાર વિશ્વાસ વધ્યો છે.
સેક્ટર મુજબ પ્રદર્શન: રિયલ્ટી અને ફાર્મામાં તેજી
બજારના તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા. કન્ઝ્યુમર ડ્યુરેબલ ઈન્ડેક્સમાં 3.5% નો મોટો ઉછાળો જોવા મળ્યો હતો. આ ઉપરાંત રિયલ્ટી, ફાર્મા, પીએસયુ બેંક, મેટલ અને ઓટો સેક્ટરમાં પણ 2-2% નો વધારો નોંધાયો હતો. શ્રીરામ ફાઈનાન્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને અદાણી એન્ટરપ્રાઈઝ જેવા શેરો નિફ્ટીના ટોપ ગેનર્સ રહ્યા હતા, જ્યારે ટેક મહિન્દ્રા અને ટીસીએસ જેવા આઈટી શેરોમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો.
રૂપિયો રેકોર્ડબ્રેક નીચી સપાટીએ, ક્રૂડમાં રાહત
એક તરફ શેરબજારમાં તેજી જોવા મળી રહી છે, તો બીજી તરફ ભારતીય રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. બુધવારે રૂપિયો ડોલર સામે 93.97 ની રેકોર્ડ નીચી સપાટીએ બંધ રહ્યો હતો. નિષ્ણાતોના મતે, અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટોની શક્યતાને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો છે અને તે $100 ની નીચે પહોંચી ગયો છે, જે ભારતીય બજાર માટે હકારાત્મક સંકેત છે.





