Home Business Stock Market Crashes Sensex Falls 931 Points Nifty Know Which Stocks Sectors Crashed

5 દિવસની તેજી બાદ શેરબજારમાં કડાકો : જાણો કયા શેર વધ્યા અને કયા સેક્ટરમાં કડાકો બોલાયો

Stock Market Today 09 April 2026
Published by: Nirali Gohil
Last Updated: Apr 09, 2026, 10:49 AM IST

Stock Market Crash: શેરબજારમાં છેલ્લા પાંચ દિવસથી જોવા મળી રહેલી શાનદાર તેજીનો આજે અંત આવ્યો છે. 9 એપ્રિલના રોજ ટ્રેડિંગ સત્રના અંતે બજાર લાલ નિશાનમાં બંધ થયું હતું. વૈશ્વિક સ્તરે યુદ્ધવિરામ (Ceasefire) ને લઈને સર્જાયેલી અનિશ્ચિતતા અને વિદેશી રોકાણકારોની સતત વેચવાલીને કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો નોંધાયો છે. આજના કડાકા બાદ સેન્સેક્સ 931 પોઈન્ટ તૂટીને 76,631 ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 222 પોઈન્ટના ઘટાડા સાથે 23,775 ના સ્તર પર આવી ગયો છે.

બજારના નિષ્ણાતોના મતે, આ ઘટાડો એક રીતે 'પ્રોફિટ બુકિંગ' પણ હોઈ શકે છે, કારણ કે ગઈકાલે બજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. જોકે, ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને ફોરેન ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (FII) દ્વારા સતત 23મા દિવસે કરવામાં આવેલી નેટ સેલિંગને કારણે બજાર પર દબાણ વધ્યું છે. ખાસ કરીને બેંકિંગ અને ઓઈલ-ગેસ સેક્ટરના શેરોમાં આજે ભારે વેચવાલી જોવા મળી હતી.

સેક્ટર મુજબની સ્થિતિ: ક્યાં તેજી અને ક્યાં મંદી?

આજના ટ્રેડિંગ સત્રમાં સેક્ટરલ ઈન્ડેક્સમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. ઓઈલ એન્ડ ગેસ, પીએસયુ બેંક, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને પ્રાઈવેટ બેંક સેક્ટરમાં 0.4% થી 2% સુધીનો ઘટાડો નોંધાયો હતો. બીજી તરફ, મેટલ, પાવર અને ફાર્મા સેક્ટરમાં 0.5% થી 1% સુધીનો સુધારો જોવા મળ્યો હતો. મિડકેપ ઈન્ડેક્સમાં 0.3% નો નજીવો વધારો થયો હતો, જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ ફ્લેટ રહ્યો હતો.

આ પણ વાંચો: ટ્રમ્પે ઈરાન મુદ્દે નિવેદન આપતા જ સેન્સેક્સ 700 પોઈન્ટ ગગડ્યો : નિફ્ટી 23,800ની નીચે સરક્યો, રોકાણકારોના કરોડો સ્વાહા

કયા શેર વધ્યા અને કયા ઘટ્યા?

  • સૌથી વધુ ઘટ્યા: L&T, ઈન્ટરગ્લોબ એવિએશન, એચડીએફસી બેંક, શ્રીરામ ફાઈનાન્સ અને જિયો ફાઈનાન્સ નિફ્ટીના ટોપ લૂઝર્સમાં રહ્યા હતા.

  • સૌથી વધુ વધ્યા: ડો. રેડ્ડીઝ લેબ્સ, હિન્ડાલ્કો, બજાજ ઓટો, ભારત ઈલેક્ટ્રોનિક્સ અને ઓએનજીસી (ONGC) જેવા શેરોમાં તેજી જોવા મળી હતી.

રૂપિયો પણ નબળો પડ્યો: 92.66 ના સ્તરે બંધ

શેરબજારની સાથે ભારતીય રૂપિયામાં પણ આજે ઘટાડો જોવા મળ્યો છે. વિદેશી રોકાણકારોની સતત વેચવાલી અને ક્રૂડ ઓઈલના વધતા જોખમોને કારણે રૂપિયો ડોલર સામે 8 પૈસા નબળો પડીને 92.66 પર બંધ થયો છે. બજારના વિશ્લેષકોના મતે, USDINR ની રેન્જ આગામી દિવસોમાં 92.50 થી 93.40 ની વચ્ચે રહી શકે છે.

નિષ્ણાતોનું શું કહેવું છે?

માર્કેટ એક્સપર્ટ્સના મતે, નિફ્ટી માટે 23,700 નું લેવલ અત્યંત મહત્વનું છે. જ્યાં સુધી નિફ્ટી આ સ્તરની ઉપર ટકી રહેશે ત્યાં સુધી બજારમાં ફરી તેજી આવવાની શક્યતા છે. રોકાણકારોએ આ ઘટાડાથી ગભરાવાને બદલે 'બાય ઓન ડિપ્સ' (ઘટાડે ખરીદી) ની વ્યૂહરચના અપનાવવી જોઈએ. જો નિફ્ટી 23,700 ની સપાટી તોડશે, તો ટૂંકા ગાળા માટે બજારનું આઉટલુક નબળું પડી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now