Stock Market Crash: ભારતીય શેરબજારમાં આજે ભારે વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. મંગળવારના શાનદાર ઉછાળા બાદ આજે બજાર સાવચેતીભર્યા વલણ સાથે ખુલ્યું હતું, પરંતુ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાન અંગેના નિવેદને બજારનું સેન્ટિમેન્ટ બગાડ્યું છે. નિફ્ટી 50 ઈન્ડેક્સ 200 પોઈન્ટના ઘટાડા સાથે 23,800ની સપાટી નીચે સરકી ગયો છે, જ્યારે સેન્સેક્સમાં પણ 700 પોઈન્ટનો મોટો ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને આઈટી (IT) અને બેંકિંગ શેરોમાં સૌથી વધુ દબાણ જોવા મળી રહ્યું છે. નિષ્ણાતોના મતે, ડોનાલ્ડ ટ્રમ્પે જે રીતે ઈરાન આસપાસ અમેરિકી સૈન્ય અને હથિયારો તૈનાત રાખવાની વાત કરી છે, તેનાથી પશ્ચિમ એશિયામાં ફરી તણાવ વધવાની આશંકા છે. આ અનિશ્ચિતતાને કારણે રોકાણકારોમાં ગભરાટ ફેલાયો છે. વધુમાં, આજે બજાર બંધ થયા બાદ દેશની સૌથી મોટી આઈટી કંપની TCSના ચોથા ક્વાર્ટરના પરિણામો આવવાના છે, જેની રાહમાં પણ બજાર સાવધ જોવા મળી રહ્યું છે.
શેરબજારના મુખ્ય આંકડા અને ઘટાડાનું કારણ
નિફ્ટી અને સેન્સેક્સની સ્થિતિ: આજના કારોબારમાં નિફ્ટી 23,800ની મહત્વની સપાટી તોડી ચૂક્યો છે. બેંક નિફ્ટી પણ 400 પોઈન્ટના ઘટાડા સાથે 55,000ના સ્તરનું પરીક્ષણ કરી રહ્યો છે. સેન્સેક્સ 77,000ની સપાટી તરફ ગગડી રહ્યો છે. ઇન્ફોસિસ, એચડીએફસી બેંક અને શ્રીરામ ફાઇનાન્સ જેવા મોટા શેરોમાં આજે ગાબડાં જોવા મળ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણીની અસર: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે જ્યાં સુધી કોઈ વાસ્તવિક સમજૂતી (Real Pact) ન થાય ત્યાં સુધી અમેરિકાના હથિયારો અને સૈન્ય ઈરાનની આસપાસ તૈનાત રહેશે. તેમણે ઉમેર્યું કે 'અમેરિકા પાછું આવ્યું છે' અને જો શરતોનું પાલન નહીં થાય તો યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આ નિવેદને વૈશ્વિક બજારોની સાથે ભારતીય બજારને પણ ધ્રુજાવી દીધું છે.
આજના ટોપ લુઝર્સ અને ગેઈનર્સ
લુઝર્સ (ઘટાડાવાળા શેરો): ઈન્ટરગ્લોબ એવિએશન (IndiGo), ઇન્ફોસિસ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, L&T અને એક્સિસ બેંક.
ગેઈનર્સ (વધારાવાળા શેરો): બજાજ ઓટો (2% ઉછાળો), બોશ (Bosch), હોનાસા (Mamaearth - 9% ઉછાળો) અને KEC ઇન્ટરનેશનલ.
દુનિયા પર તેની અસર શું પડી શકે?
મધ્ય પૂર્વમાં વધતા તણાવની સીધી અને ગંભીર અસર ઊર્જા બજાર પર પડી છે. ઈઝરાયેલના લેબનોન પરના હુમલા અને ઈરાન પર અમેરિકાના વધતા દબાણ વચ્ચે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' જેવો મહત્વનો દરિયાઈ માર્ગ અવરોધાયો છે. પરિણામે બ્રેન્ટ ક્રૂડ 2.5% વધીને 97૯૭ ડોલરની સપાટીએ પહોંચી ગયું છે. 2026માં ક્રૂડ ઓઇલના જે આંકડા સામે આવ્યા છે તે ખરેખર હચમચાવી દે તેવા છે. નાયમેક્સ ક્રૂડ 70% અને બ્રેન્ટ 60% ઉછળ્યા છે, જ્યારે રશિયન ઉરલમાં તો 140% જેટલો તોતિંગ વધારો ઝીંકાયો છે. મધ્ય પૂર્વમાંથી તેલના પુરવઠામાં દૈનિક 13 મિલિયન બેરલનો ઘટાડો નોંધાયો છે, જે વિશ્વના ગેસ પુરવઠાના ૨૦% હિસ્સાને અસર કરી શકે છે. જોકે, આ અંધાધૂંધી વચ્ચે એક મહત્વની વ્યાપારી ઘટના એ છે કે રશિયા એશિયન ખરીદદારોને યુએસ-પ્રતિબંધિત એલએનજી (LNG) પર 40% જેવું મોટું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે.
આ પણ વાંચો: શું યુદ્ધ વિરામ બાદ સસ્તું થયું પેટ્રોલ-ડિઝલ? : જાણો આજે તમારા શહેરમાં શું છે ઈંધણના લેટેસ્ટ રેટ
સેક્ટરલ ધોવાણ અને બજારની ચાલ
વિશ્લેષણ કરીએ તો, બજારના આ કડાકાનો સૌથી વધુ માર બેન્ક અને આઈટી સેક્ટરને પડ્યો છે. બેન્ક નિફ્ટી 400 પોઈન્ટથી વધુ તૂટીને 55,000ની સપાટીનું પરીક્ષણ કરી રહ્યો છે. આઘાતજનક વાત એ છે કે બેન્ક નિફ્ટીના તમામ 12 ઘટક શેરો અત્યારે લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. આઈટી ક્ષેત્રે પણ સ્થિતિ કઈં સારી નથી, ઇન્ફોસિસ અને એચડીએફસી બેન્ક જેવા દિગ્ગજ શેરો ટોપ લૂઝર્સની યાદીમાં મોખરે છે. રોકાણકારોની નજર હવે આજે બજાર બંધ થયા પછી આવનારા ટીસીએસના ચોથા ક્વાર્ટરના પરિણામો પર છે. ટીસીએસના મેનેજમેન્ટની કોમેન્ટ્રી આગામી સમયમાં આઈટી સેક્ટરની દિશા નક્કી કરશે.
કેટલીક કંપનીઓમાં વળતી તેજી
બજારમાં સર્વત્ર વેચવાલી હોવા છતાં, કેટલીક કંપનીઓમાં હકારાત્મક સમાચારને કારણે લેવાલી જોવા મળી હતી. કેઈસી ઇન્ટરનેશનલને 2,518 કરોડના મલ્ટીપલ ઓર્ડર મળતા શેર 9% ઉછળ્યો છે. ફાર્મામાં ગ્લેનમાર્કને મહિલાઓના સ્વાસ્થ્ય સંબંધિત પ્રોડક્ટ માટે યુએસ એફડીએની મંજૂરી મળતા તેમાં ચમકારો દેખાયો છે. ઓટો સેક્ટરમાં પણ બજાજ ઓટો અને બોશ જેવા શેરોમાં ખરીદીની હલચલ જોવા મળી હતી. ટાટા સન્સના લિસ્ટિંગ અંગેની ચર્ચાઓએ ટાટા કેમિકલ્સને પણ લાઈમલાઈટમાં રાખ્યું છે.
નિષ્ણાતોનો મત: શું હવે સાવધ રહેવાનો સમય છે?
અહીં પ્રશ્ન ઊભો થાય છે કે, સામાન્ય રોકાણકારોએ આ સ્થિતિમાં શું કરવું જોઈએ? મીડિયા સાથેની વાતચીતમાં ફર્સ્ટ ગ્લોબલના દેવિના મેહરાએ જણાવ્યું હતું કે, મધ્ય પૂર્વમાં કયા દેશો સામેલ છે. તેના પર નજર રાખવી જરૂરી છે. તેમણે ફાર્મા, ઓટો અને બેન્કોમાં 'ઓવરવેઇટ' રહેવાની સલાહ આપી છે. જોકે, એચએસબીસીના હેરાલ્ડ વાન ડેર લિન્ડેનું વલણ થોડું અલગ છે. તેમણે ભારત અંગે 'ન્યુટ્રલ' વલણ અપનાવતી વખતે ચીન પર વધુ પસંદગી ઉતારી છે, કારણ કે યુદ્ધની સ્થિતિ વિકાસની ગાડીને થોડી ધીમી પાડી શકે છે. એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના શ્રેયશ દેવલકરે રોકાણકારોને ધીરજ રાખવા અને બજારના આ ઘટાડાને લાંબા ગાળા માટે રોકાણ કરવાની તક તરીકે જોવાની સલાહ આપી છે.





