ભારતીય શેરબજારમાં ઘટાડાનો સિલસિલો અટક્યો નથી. ગુરુવારે સતત પાંચમા દિવસે બજારમાં નકારાત્મક ટ્રેન્ડ જોવા મળ્યો.
દિવસની શરૂઆતમાં થોડી તેજી જોવા મળી હતી, જ્યાં સેન્સેક્સ લગભગ 100 પોઈન્ટ ઉછળ્યો અને નિફ્ટી 25,100ની સપાટી પાર ગયો. પરંતુ બપોરે 1 વાગ્યા સુધીમાં બજારમાં ફરી વેચવાલી હાવી થઈ. પરિણામે, સેન્સેક્સ 254 પોઈન્ટ ઘટ્યો અને નિફ્ટી 25,000 ની આસપાસ લપસ્યો.
રોકાણકારોનું મોટું નુકસાન
18 સપ્ટેમ્બરે BSEનું માર્કેટ કેપ : ₹4,65,73,486.22 કરોડ
24 સપ્ટેમ્બરે ઘટીને : ₹4,60,56,946.88 કરોડ
એટલે કે, માત્ર ચાર દિવસમાં રોકાણકારોએ ₹5,16,539.34 કરોડ ગુમાવ્યા.
ઘટાડાનાં મુખ્ય કારણો
નફો-બુકિંગ અને વિદેશી રોકાણકારોની વેચવાલી
અમેરિકાના ઊંચા ટેરિફ અને H-1B વિઝા ફી વધારાથી અનિશ્ચિતતા વધી છે. મંગળવારે FIIએ જ ₹3,551.19 કરોડના શેર વેચ્યા.
નિફ્ટીનો નબળો દેખાવ
છેલ્લા વર્ષમાં નિફ્ટી 50 ત્રણ ટકા કરતાં વધુ ઘટ્યો છે. રોકાણકારોમાં વિશ્વાસ ડગમગાવાની અસર દેખાઈ રહી છે.
H-1B ફી વધારાનો સીધો આઘાત IT શેર પર
જિયોજિત ઇન્વેસ્ટમેન્ટ્સના રિસર્ચ હેડ વિનોદ મુજબ, IT કંપનીઓના શેર દબાણમાં આવ્યા છે, સાથે જ બીજા ક્વાર્ટરના પરિણામો અંગે ચિંતા વધી છે.
રૂપિયામાં ઐતિહાસિક ઘટાડો
ભારતીય રૂપિયો હાલ 88.75 સુધી ઘટ્યો છે, જે ડોલર સામેના ઐતિહાસિક સ્તરોમાંથી એક છે.
ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો
મધ્યપૂર્વના તણાવને કારણે બ્રેન્ટ ક્રૂડ ફરી $70 પ્રતિ બેરલની નજીક પહોંચી ગયું છે, જે થોડા અઠવાડિયા પહેલાં $66થી નીચે હતું.