Home Business Stock Market Crash 2026 Black Thursday Sensex Falls 2000 Points As Soon As Market Opens

Stock Market Crash : શેરબજારમાં બ્લૅક થર્સ ડે! માર્કેટ ખૂલતા જ સેન્સેક્સ 2,000 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના કરોડો સ્વાહા

Stock Market Crash
Published by: OBS Bureau
Last Updated: Mar 19, 2026, 04:45 AM IST

Stock Market Updates: ભારતીય શેરબજાર માટે ગુરુવારનો દિવસ અમંગળ સાબિત થયો છે. આજે સવારે બજાર ખૂલતાની સાથે જ દલાલ સ્ટ્રીટમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને સેન્સેક્સ-નિફ્ટીમાં મોટું ગાબડું જોવા મળ્યું હતું. સેન્સેક્સ આશરે 1,953 પોઈન્ટ (2.55%) ના કડાકા સાથે 74,750 ના સ્તરે ખૂલ્યો હતો, જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ પણ 580 પોઈન્ટ (2.44%) ગગડીને 23,200 ની મહત્વની સપાટી તોડી 23,197 પર ખૂલ્યો હતો.

બજારમાં આવેલી આ સુનામીને કારણે ટ્રેડિંગની શરૂઆતની મિનિટોમાં જ રોકાણકારોની સંપત્તિમાં રૂ. 7 લાખ કરોડથી વધુનું ધોવાણ થઈ ગયું છે. માર્કેટમાં ભયનું વાતાવરણ એટલું પ્રબળ છે કે ઈન્ડિયા VIX (ફિયર ઈન્ડેક્સ) માં 15% નો ઉછાળો જોવા મળ્યો છે, જે બજારમાં અનિશ્ચિતતા અને ગભરાટનો સંકેત આપે છે. નિફ્ટીના 50 માંથી 49 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા, જે દર્શાવે છે કે બજારમાં ચોમેર વેચવાલીનું દબાણ છે.

HDFC બેંકના ચેરમેનનું રાજીનામું અને બેંકિંગ સેક્ટરમાં ભૂકંપ

બજારમાં આટલા મોટા કડાકા પાછળનું એક મુખ્ય કારણ દેશની સૌથી મોટી ખાનગી બેંક HDFC બેંકના સમાચાર માનવામાં આવે છે. બેંકના પાર્ટ-ટાઈમ ચેરમેન અતનુ ચક્રવર્તીએ અચાનક રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાના રાજીનામામાં બેંકની અમુક પદ્ધતિઓ (Practices) તેમના નૈતિક મૂલ્યો સાથે સુસંગત ન હોવાનો ગંભીર ઉલ્લેખ કર્યો છે. આ સમાચારને પગલે HDFC બેંકના ADR (અમેરિકન ડિપોઝિટરી રિસીપ્ટ) માં 7% થી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. હાલ RBI એ કેકી મિસ્ત્રીને 3 મહિના માટે વચગાળાના ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે, પરંતુ બેંકના શેર પર વેચવાલીનું ભારે દબાણ છે જે આખા બેંકિંગ ઇન્ડેક્સને નીચે ખેંચી રહ્યું છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો અને વૈશ્વિક તણાવ

વૈશ્વિક પરિબળો પણ ભારતીય બજારની પડતીમાં મોટો ભાગ ભજવી રહ્યા છે. મધ્ય પૂર્વ (Middle East) માં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ વકરતા એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા થયા છે. આ તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ ઉછળીને બેરલ દીઠ $112 ની નજીક પહોંચી ગયા છે. ક્રૂડ ઓઈલ મોંઘું થવાને કારણે મોંઘવારી વધવાની ચિંતા વધી છે, જેના કારણે વૈશ્વિક બજારોમાંથી પણ નબળા સંકેતો મળી રહ્યા છે.

રોકાણકારોમાં ગભરાટ: ઈન્ડિયા VIX 15% ઉછળ્યો

બજારમાં વોલેટિલિટી માપતો ઈન્ડિયા VIX ઇન્ડેક્સ આજે 15% જેટલો વધ્યો છે. જ્યારે પણ આ ઇન્ડેક્સ વધે છે, ત્યારે તેનો અર્થ એ થાય છે કે રોકાણકારોમાં બજારને લઈને ભારે ડર છે. સેન્સેક્સના તમામ 30 શેર લાલ નિશાનમાં ખૂલ્યા હતા, જે છેલ્લા ઘણા સમયની સૌથી ખરાબ શરૂઆત માનવામાં આવે છે. આઈટી, બેંકિંગ અને ઓટો સેક્ટરના શેરોમાં સૌથી વધુ ગાબડા જોવા મળી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now