Home Business Stock Market Closing Bell Sensex Jumps 633 Nifty Closes At 23778 Analysis And Sector Performance

છેલ્લી 15 મિનિટમાં બજારમાં દેખાઈ 'રોલર-કોસ્ટર' રાઈડ : સેન્સેક્સ 633 પોઈન્ટ ઉછળ્યો, 197 પોઈન્ટ ઉપર બંધ થયો નિફ્ટી

છેલ્લી 15 મિનિટમાં બજારમાં દેખાઈ 'રોલર-કોસ્ટર' રાઈડ
Published by: OBS Bureau
Last Updated: Mar 18, 2026, 10:47 AM IST

Stock Market, Sensex, Nifty Today Update: ભારતીય શેરબજારમાં બુધવારે સતત ત્રીજા દિવસે તેજીનો દબદબો જોવા મળ્યો હતો. મુંબઈ શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટી બંને મજબૂત વધારા સાથે બંધ રહ્યા હતા. જોકે, ટ્રેડિંગના છેલ્લા અડધા કલાકમાં બજારે રોકાણકારોના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. એક સમયે નિફ્ટી 23,800 ની સપાટી વટાવી ગયો હતો, પરંતુ છેલ્લા 15 મિનિટમાં અચાનક આવેલી વેચવાલીએ બજારને નીચે ધકેલ્યું હતું. આમ છતાં, આખરી પળોમાં ફરી આવેલી ખરીદીને કારણે બજાર રિકવર થઈને લીલા નિશાનમાં બંધ થવામાં સફળ રહ્યું હતું. દિવસના અંતે સેન્સેક્સ 633 પોઈન્ટના ઉછાળા સાથે 76,704 પર અને નિફ્ટી 197 પોઈન્ટ વધીને 23,778 ની સપાટીએ બંધ રહ્યો હતો.

બજારની આ તેજીમાં મુખ્યત્વે આઈટી (IT) અને ઓટો સેક્ટરના શેરોએ ટેકો આપ્યો હતો. જ્યારે બીજી તરફ ભારતીય રૂપિયામાં જોવા મળેલી ઐતિહાસિક નબળાઈએ ચિંતા પણ જગાવી છે. અમેરિકી ડોલર સામે રૂપિયો પ્રથમ વખત 92.63 ના રેકોર્ડ નીચલા સ્તરે બંધ થયો હતો. બજારમાં આજે ખાસ કરીને મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં જોરદાર લેવાલી જોવા મળી હતી, જેના કારણે રોકાણકારોની સંપત્તિમાં પણ વધારો થયો છે. જોકે, મેટલ અને FMCG સેક્ટરમાં સામાન્ય નરમાઈ જોવા મળી હતી.

3:15 વાગ્યે અચાનક બદલાયો મિજાજ: પ્રોફિટ બુકિંગનો ઝટકો

બપોરના સમયે એવું લાગતું હતું કે નિફ્ટી આજે 23,850 ના સ્તરને આરામથી પાર કરી લેશે. રોકાણકારો ખૂબ જ ઉત્સાહમાં હતા, પરંતુ 3:15 વાગ્યા પછી અચાનક 'દલાલ સ્ટ્રીટ' પર ગભરાટ ફેલાયો હતો. મોટા ટ્રેડર્સ અને ફંડ્સ દ્વારા દિવસભરનો નફો બુક કરવા માટે અચાનક વેચવાલી શરૂ કરવામાં આવી હતી. આ જ કારણ હતું કે 23,800 ની ઉપર ટ્રેડ કરી રહેલો નિફ્ટી ગણતરીની મિનિટોમાં સરકીને 23,735 ના સ્તરે આવી ગયો હતો. આ અચાનક આવેલા ઘટાડાથી નાના રોકાણકારો એક ક્ષણ માટે ફફડી ગયા હતા.

આખરી પળોમાં ખરીદીની એન્ટ્રી અને શાનદાર ક્લોઝિંગ

બજારની ખાસિયત એ રહી કે તે નીચલા સ્તરે લાંબો સમય ટક્યું નહીં. જેવો નિફ્ટી 23,730-23,740 ની રેન્જમાં પહોંચ્યો, ત્યાંથી ફરી એકવાર મજબૂત ખરીદી (Buying) જોવા મળી હતી. મોટા સંસ્થાકીય રોકાણકારોના ઓર્ડર આવતાની સાથે જ ઇન્ડેક્સ ફરી ઉપર તરફ દોડવા લાગ્યો હતો. અંતે નિફ્ટી 23,777.80 પર સ્થિર થયો હતો. બજારની ચાલ જોતા કહી શકાય કે બુલ (તેજીવાળા) હજુ પણ માર્કેટ પર પકડ જમાવી રહ્યા છે.

રૂપિયો રેકોર્ડ નીચલા સ્તરે: નિકાસકારો માટે ફાયદો, આયાતકારો માટે મુશ્કેલી

શેરબજારની તેજી વચ્ચે ચલણ બજારમાંથી માઠા સમાચાર આવ્યા છે. ભારતીય રૂપિયો ડોલર સામે સતત નબળો પડી રહ્યો છે. બુધવારે રૂપિયો 92.63 ના સ્તર પર બંધ રહ્યો હતો, જે અત્યાર સુધીનું સૌથી નબળું ક્લોઝિંગ છે. મંગળવારે રૂપિયો 92.37 પર હતો. રૂપિયાના આ ઘટાડાને કારણે આયાત થતી વસ્તુઓ મોંઘી થઈ શકે છે, જોકે આઈટી કંપનીઓ જેવી નિકાસ કરતી કંપનીઓને આનાથી ફાયદો થવાની અપેક્ષા છે.

સેક્ટર મુજબ બજારની સ્થિતિ

બુધવારના ટ્રેડિંગ સત્રમાં ભારતીય શેરબજારમાં સેક્ટર મુજબ મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો, જેમાં IT અને ઓટો સેક્ટરમાં સૌથી વધુ આકર્ષણ જોવા મળ્યું હતું અને આ બંને સેક્ટર્સ 'ટોપ ગેનર્સ' તરીકે ઉભરી આવ્યા હતા. રિયાલ્ટી સેક્ટરમાં પણ રોકાણકારોની મજબૂત લેવાલી જોવા મળી હતી, જેના કારણે આ ઇન્ડેક્સમાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો હતો. ખાસ કરીને મિડકેપ શેરોએ બજારમાં અન્ય સેક્ટર્સની સરખામણીએ શાનદાર દેખાવ કરીને 'આઉટપરફોર્મ' કર્યું હતું, જે રોકાણકારોના આત્મવિશ્વાસને દર્શાવે છે. જોકે, બીજી તરફ મેટલ અને FMCG સેક્ટરના શેરો પર વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું, જેના પરિણામે આ બંને સેક્ટર્સ સામાન્ય ઘટાડા સાથે 'અંડર પ્રેશર' જોવા મળ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now