Stock Market Closing Bell: ભારતીય શેરબજારમાં છેલ્લા બે દિવસથી જોવા મળી રહેલી તેજી પર આજે બ્રેક વાગી છે અને બજારમાં જોરદાર કડાકો બોલાયો છે. સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જેના કારણે રોકાણકારોમાં ફફડાટ ફેલાયો છે. સેન્સેક્સ 1,690 પોઈન્ટ્સ અથવા 2.25% ઘટીને 73,583 પર બંધ થયો છે, જ્યારે નિફ્ટી 486 પોઈન્ટ્સના ઘટાડા સાથે 22,819 પર સ્થિર થયો છે. બજારમાં આવેલી આ સુનામી પાછળ નબળો રૂપિયો, ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને પશ્ચિમ એશિયામાં વધી રહેલો ભૌગોલિક તણાવ મુખ્ય કારણો માનવામાં આવે છે. આજના ઘટાડામાં બેન્કિંગ, ઓટો અને રિયલ્ટી સેક્ટરના શેરોમાં સૌથી વધુ ગાબડાં પડ્યા છે.
ચારેબાજુ વેચવાલી: તમામ સેક્ટર લાલ નિશાનમાં
આજના કારોબારમાં બજારનો મૂડ શરૂઆતથી જ ખરાબ હતો. પીએસયુ બેન્ક અને રિયલ્ટી ઇન્ડેક્સમાં સૌથી વધુ 3%નો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત મીડિયા, ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને પ્રાઇવેટ બેન્કો પણ 2% જેટલી તૂટી છે. માત્ર સેન્સેક્સ જ નહીં, પરંતુ મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ અનુક્રમે 2.2% અને 1.7%નો ઘટાડો જોવા મળ્યો છે. બજારની નબળી સ્થિતિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે નિફ્ટી 500 ના 440 જેટલા શેરો લાલ નિશાનમાં બંધ થયા છે.
રૂપિયો રેકોર્ડ સપાટીએ ગગડ્યો અને ક્રૂડ ઓઈલનો ભડકો
બજારમાં કડાકા માટે કેટલાક મેક્રો ઇકોનોમિક પરિબળો જવાબદાર છે. ભારતીય રૂપિયો ડોલર સામે અત્યાર સુધીની સૌથી નીચલી સપાટીએ પહોંચી ગયો છે, જેની નકારાત્મક અસર બજાર પર પડી છે. બીજી તરફ, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ઉછાળો અને અમેરિકી બોન્ડ યીલ્ડમાં થયેલા વધારાએ રોકાણકારોની ચિંતામાં વધારો કર્યો છે. પશ્ચિમ એશિયામાં વધતી જતી અશાંતિને કારણે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) સતત નાણાં પાછા ખેંચી રહ્યા છે, જે બજારને નીચે ધકેલી રહ્યું છે.
નફાખોરી અને ટેકનિકલ નબળાઈ
નિષ્ણાતોના મતે, બજારમાં છેલ્લા બે દિવસની તેજી બાદ પ્રોફિટ બુકિંગ (નફાખોરી) જોવા મળી છે. ટેકનિકલ ચાર્ટ પર નિફ્ટી હવે તેના મહત્વના સપોર્ટ લેવલની નીચે ટ્રેડ કરી રહ્યો છે. જો આગામી સમયમાં નિફ્ટી 22,800 ની સપાટી તોડશે તો બજારમાં હજુ વધુ ઘટાડો જોવા મળી શકે છે. બેન્ક નિફ્ટીમાં પણ નબળાઈ જોવા મળી રહી છે અને તે તેના રેઝિસ્ટન્સ ઝોનને પાર કરવામાં નિષ્ફળ રહ્યો છે, જે સૂચવે છે કે ટૂંકા ગાળામાં બજારમાં હજુ પણ વેચવાલીનું દબાણ રહી શકે છે.
આજના ટોપ ગેઈનર્સ અને લુઝર્સ
બજારના આ મહાકડાકામાં પણ કેટલાક શેરોએ ટકી રહેવાનો પ્રયાસ કર્યો હતો.
ટોપ ગેઈનર્સ: ONGC, TCS, વિપ્રો, ભારતી એરટેલ અને કોલ ઈન્ડિયા.
ટોપ લુઝર્સ: શ્રીરામ ફાયનાન્સ, ટાટા મોટર્સ (PV), ઇન્ટરગ્લોબ એવિએશન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને બજાજ ફાયનાન્સ.





