Home Business Stock Market Booms At Rocket Speed Sensex Jumps 900 Points To Cross Eighty Thousand Know Why It Suddenly Created Stir

શેરબજારમાં રોકેટ ગતિએ તેજી : સેન્સેક્સ 900 પોઈન્ટ ઉછળી 80,000ને પાર, જાણો કેમ અચાનક ધૂમ મચી

શેરબજારમાં રોકેટ ગતિએ તેજી
Published by: OBS Bureau
Last Updated: Mar 05, 2026, 10:43 AM IST

Stock Market Update: ભારતીય શેરબજાર માટે ગુરુવારનો દિવસ મંગળકારી સાબિત થયો છે. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ઘટાડા અને અનિશ્ચિતતા બાદ આજે બજારમાં જોરદાર રિકવરી જોવા મળી હતી. ટ્રેડિંગ સેશનના અંતિમ કલાકોમાં આવેલી 'બુલ્સ'ની એન્ટ્રીએ સેન્સેક્સને 900 પોઈન્ટથી વધુ ઉછાળીને 80,015ની સપાટીએ પહોંચાડી દીધો હતો, જ્યારે નિફ્ટી પણ 285 પોઈન્ટના વધારા સાથે 24,765 પર બંધ રહ્યો હતો. બજારમાં આ ઉછાળાનું મુખ્ય કારણ વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના સમાધાનની આશા હોવાનું માનવામાં આવે છે.

ગુરુવારે બજારમાં સર્વગ્રાહી તેજી જોવા મળી હતી, જેમાં મેટલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી અને ઓટો સેક્ટરના શેરોમાં ભારે ખરીદી નીકળી હતી. શેરબજારમાં અચાનક આવેલા આ ઉછાળા પાછળ એક આંતરરાષ્ટ્રીય ન્યૂઝ રિપોર્ટ જવાબદાર હતો, જેમાં જણાવાયું હતું કે, ઈરાન તેના પરમાણુ કાર્યક્રમને પડતો મૂકવા તૈયાર છે જો અમેરિકા સંતોષકારક વિકલ્પ આપે. આ સમાચારને પગલે માત્ર 20 મિનિટમાં જ સેન્સેક્સમાં 900 પોઈન્ટનો તોતિંગ ઉછાળો જોવા મળ્યો હતો અને વોલેટિલિટી ઇન્ડેક્સ (VIX) માં પણ 15% થી વધુનો ઘટાડો નોંધાયો હતો, જે રોકાણકારો માટે રાહતના સમાચાર છે.

અંતિમ 20 મિનિટમાં ‘બુલ એટેક’: કેમ વધી તેજી?

બજાર બંધ થવાના છેલ્લા કલાકમાં સેન્સેક્સમાં જે તેજી જોવા મળી તે અભૂતપૂર્વ હતી. 'સ્કાય ન્યૂઝ અરેબિયા'ના રિપોર્ટ મુજબ, ઈરાનના નાયબ વિદેશ મંત્રીએ સંકેત આપ્યો કે ઈરાન યુદ્ધ અટકાવવા અને પરમાણુ મુદ્દે સમજૂતી કરવા તૈયાર છે. આ સમાચાર આવતા જ શેરબજારમાં રોકાણકારોનો આત્મવિશ્વાસ વધ્યો અને માર્કેટ કેપમાં મોટો વધારો થયો. આ તેજી એટલી પ્રચંડ હતી કે, તેણે આખા દિવસની સુસ્તીને માત્ર ગણતરીની મિનિટોમાં તેજીમાં ફેરવી નાખી હતી.

Adani Ports અને L&T ના શેરોમાં ધૂમ કમાણી

આજના કારોબારમાં અદાણી પોર્ટ્સ (Adani Ports) 4.52% ના વધારા સાથે નિફ્ટીનો ટોપ ગેઈનર રહ્યો હતો. લાર્સન એન્ડ ટુબ્રો (L&T) માં પણ 4 % થી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. આ ઉપરાંત હિન્દાલ્કો, એનટીપીસી (NTPC) અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) ના શેરોમાં ૩% થી વધુની તેજી નોંધાઈ હતી. મેટલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડેક્સ ૨% થી વધુ વધ્યા હતા, જેના કારણે બજારની એકંદર સ્થિતિ મજબૂત રહી હતી.

રૂપિયો પણ મજબૂત થયો, IT સેક્ટરમાં નરમ વલણ

ભૌગોલિક તણાવ ઘટવાની આશાએ ભારતીય રૂપિયામાં પણ રિકવરી જોવા મળી હતી. રૂપિયો ૫૫ પૈસા મજબૂત થઈને પ્રતિ ડોલર 91.60 પર બંધ રહ્યો હતો. બીજી તરફ, માર્કેટમાં આટલી મોટી તેજી હોવા છતાં આઈટી (IT) સેક્ટરમાં વેચવાલી જોવા મળી હતી. ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક (HCL Tech) અને ટીસીએસ (TCS) જેવા શેરો લાલ નિશાનમાં બંધ રહ્યા હતા. બેન્કિંગ ક્ષેત્રે આઈસીઆઈસીઆઈ (ICICI) અને એસબીઆઈ (SBI) માં પણ મામૂલી ઘટાડો નોંધાયો હતો.

રોકાણકારોની સંપત્તિમાં વધારો

બજારમાં વધનારા શેરોની સંખ્યા 1,426 ની સામે 2,645 રહી હતી, જે દર્શાવે છે કે નાના અને મધ્યમ કદના શેરોમાં (Midcap & Smallcap) પણ સારી ખરીદી થઈ હતી. નિફ્ટી મિડકેપ ૧૦૦ ઇન્ડેક્સ ૧.૫૨% વધ્યો હતો. વોલેટિલિટી ઇન્ડેક્સ (India VIX) 17.85 ના સ્તરે આવી જતાં આગામી દિવસોમાં બજાર સ્થિર રહે તેવી શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now