Home Business Stock Market Black Tuesday For Investors Nsensex Falls 980 Points Nifty Below 25 500 Breaks Investors Lose Crores In It Stocks

રોકાણકારો માટે આજેે 'બ્લેક ટ્યુઝડે' : નિફ્ટી 25,500 ની સપાટી તોડી નીચે સરક્યો, IT શેરોમાં રોકાણકારોના કરોડો ધોવાયા

રોકાણકારો માટે આજેે 'બ્લેક ટ્યુઝડે'
Published by: OBS Bureau
Last Updated: Feb 24, 2026, 10:15 AM IST

ભારતીય શેરબજાર માટે મંગળવારનો દિવસ ભારે ઉથલપાથલભર્યો રહ્યો હતો. વૈશ્વિક બજારમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સેક્ટરને લગતા નકારાત્મક સમાચારોની અસર દલાલ સ્ટ્રીટ પર સ્પષ્ટપણે જોવા મળી હતી. આઈટી (IT) શેરોમાં આવેલા જોરદાર વેચાણને કારણે ભારતીય બેન્ચમાર્ક ઈન્ડેક્સમાં મોટો ઘટાડો નોંધાયો છે. F&O એક્સપાયરીના દિવસે રોકાણકારોના સેન્ટિમેન્ટ ખરડાતા સેન્સેક્સમાં લગભગ 980 પોઈન્ટનો ગાબડો પડ્યો હતો, જ્યારે નિફ્ટીએ પણ 25,500 ની મહત્વની સપાટી ગુમાવી દીધી હતી. બજારમાં સર્વત્ર વેચવાલીના માહોલ વચ્ચે રોકાણકારોની સંપત્તિમાં મોટું ધોવાણ થયું છે.

બજારની અંતિમ સ્થિતિ: સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો

24 ફેબ્રુઆરીના રોજ ટ્રેડિંગ સેશનના અંતે, સેન્સેક્સ 980 પોઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. નિફ્ટી ઈન્ડેક્સ પણ ભારે દબાણ હેઠળ જોવા મળ્યો અને તે 25,450 ના સ્તરે બંધ આવ્યો હતો. ખાસ કરીને આઈટી સેક્ટરમાં આવેલી સુનામીએ બજારને નીચે ખેંચવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. બ્રોડર માર્કેટમાં પણ સ્થિતિ નબળી રહી હતી, જેમાં નિફ્ટી મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ પણ અડધાથી એક ટકા જેટલા ઘટીને બંધ થયા હતા.

સેક્ટર મુજબની સ્થિતિ: IT અને રિયલ્ટીમાં ધોવાણ

આજના કારોબારમાં આઈટી ઈન્ડેક્સ સૌથી વધુ પ્રભાવિત થયો હતો, જેમાં 4 ટકાથી વધુનો ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત રિયલ્ટી ઈન્ડેક્સ પણ 2 ટકા જેટલો ઘટ્યો હતો. જોકે, આ ઘટાડા વચ્ચે પણ કેટલાક સેક્ટર્સે બજારને ટેકો આપવાનો પ્રયત્ન કર્યો હતો:

  • સૌથી વધુ ઘટ્યા: IT સેક્ટર (-4%), રિયલ્ટી સેક્ટર (-2%).

  • વધારો નોંધાવનાર સેક્ટર્સ: મેટલ, ફાર્મા, પીએસયુ બેંક, ઓઈલ એન્ડ ગેસ અને એનર્જી સેક્ટરમાં 0.5 થી 1 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

આજના ટોપ ગેઈનર્સ અને લૂઝર્સ

  • નફામાં રહેલા શેર: HUL, સન ફાર્મા, પાવર ગ્રીડ કોર્પોરેશન, NTPC અને JSW સ્ટીલના શેરો તેજી સાથે બંધ થયા હતા.

  • નુકસાનમાં રહેલા શેર: ટેક મહિન્દ્રા, ઇટર્નલ (Eternal), ઇન્ફોસિસ, TCS અને HCL ટેક્નોલોજીસ જેવા દિગ્ગજ આઈટી શેરોમાં મોટું ગાબડું પડ્યું હતું.

રૂપિયાની સ્થિતિ: ડૉલર સામે રૂપિયો નબળો પડ્યો

શેરબજારમાં નરમાશની અસર ચલણ બજાર પર પણ જોવા મળી હતી. મંગળવારે અમેરિકન ડૉલર સામે ભારતીય રૂપિયો સામાન્ય નબળાઈ સાથે 90.95 પર બંધ રહ્યો હતો. અગાઉના સત્રમાં રૂપિયો 90.88 ના સ્તરે બંધ થયો હતો. ડૉલરની મજબૂતી અને શેરબજારમાંથી વિદેશી રોકાણકારોની પીછેહઠને કારણે રૂપિયા પર દબાણ જોવા મળી રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now