Home Gujarat Steps To Regularize Unauthorized Possession Of Prize Lands Approved In Cabinet

મુખ્યમંત્રીના નેતૃત્વમાં મહેસૂલી ક્ષેત્રે ઐતિહાસિક નિર્ણય : કેબિનેટમાં બિરદાવાયા ઇનામી જમીનોના અનઅધિકૃત કબજાને નિયમબદ્ધ કરવાના પગલાં

મુખ્યમંત્રીના નેતૃત્વમાં મહેસૂલી ક્ષેત્રે ઐતિહાસિક નિર્ણય
Published by: OBS Bureau
Last Updated: Feb 04, 2026, 11:47 AM IST

Gujarat Cabinet Decision: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટ બેઠકમાં મહેસૂલી ક્ષેત્રે લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયોને તમામ મંત્રીઓએ બિરદાવ્યા હતા. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ મીડિયા સાથે વાતચીતમાં આ માહિતી આપી હતી. આ નિર્ણય અનુસાર રાજ્યમાં વિવિધ ઇનામી જમીનોના અનઅધિકૃત કબજાહક્કને નિયમબદ્ધ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેનાથી ખેડૂતો અને નાગરિકોને મોટો લાભ મળશે.

ઇનામી જમીનોના કબજા માટે માત્ર 20 ટકા જંત્રી રકમ

પ્રવક્તા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, જે જમીનો રિગ્રાન્ટ કરેલી હોય કે રિગ્રાન્ટ થવાને પાત્ર હોય પરંતુ રિગ્રાન્ટ ન થઈ હોય, તેવી જમીનોને સરળતાથી નિયમબદ્ધ કરી શકાશે. આ માટે જમીનની પ્રવર્તમાન જંત્રી કિંમતના માત્ર 20 ટકા કબજાહક્કની રકમ ભરવાની રહેશે. આ નિર્ણયથી વર્ષોથી અટવાયેલા જમીન વિવાદોનો ઉકેલ આવશે અને લોકોને કાયદેસર માલિકી હક્ક મળશે.

લાભાર્થીઓમાં વારસદારો અને વર્તમાન કબજેદારો સામેલ

આ યોજનાનો લાભ રિગ્રાન્ટ કરેલી જમીનો પર કબજો ધરાવતા પરંતુ કબજા કિંમત ન ભરી હોય તેવા વ્યક્તિઓને મળશે. એવી જમીનો જે રિગ્રાન્ટ થવાને પાત્ર હતી પરંતુ કોઈ કારણસર રિગ્રાન્ટ ન થઈ, તેમજ મૂળ ધારકના વારસદારો જો અનધિકૃત કબજેદાર હોય તો તેમને પણ રાહત મળશે. વધુમાં, જમીનોની તબદીલી થઈ ગઈ હોય અને હાલ અન્ય વ્યક્તિના કબજામાં હોય તેવા કિસ્સાઓમાં પણ વર્તમાન કબજેદારોને આ લાભ અપાશે. આનાથી રાજ્યના અનેક નાગરિકો પોતાની જમીન પર કાયદેસર હક્ક મેળવી શકશે.

ખેડૂતો અને નાગરિકો માટે મોટી રાહત

વધુમાં પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ભાર મૂક્યો કે મુખ્યમંત્રીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ લેવાયેલા આ નિર્ણયથી મહેસૂલી વ્યવસ્થામાં સરળતા આવશે અને લોકોના જમીન સંબંધિત પ્રશ્નોનો સ્થાયી ઉકેલ મળશે. આ પગલું રાજ્યના વિકાસ અને નાગરિકોના હિતમાં મહત્વનું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now