Home Gujarat Statement Of Spokesperson Minister Jitu Vaghani Regarding The Gas Situation In Gujara

ગુજરાતની જનતાને હવે ચિંતા કરવાની જરૂર નથી! : જાણો ગેસની સ્થિતિ અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન

ગુજરાતની જનતાને હવે ચિંતા કરવાની જરૂર નથી!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 11, 2026, 03:32 PM IST

Gandhinagar News: મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે રાજ્ય કેબિનેટની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદ સંબોધીને ખેડૂત કલ્યાણ, પાણી પુરવઠો અને ઈંધણની સ્થિતિ અંગે સરકારના મહત્વના નિર્ણયોની વિગતો આપી હતી.

LPG અને ઇંધણ: અફવાઓથી દૂર રહેવા અપીલ

વૈશ્વિક સ્તરે ગેસના ભાવો અને અછતની જે સ્થિતિ છે તેના પર સરકારની સીધી નજર છે. ઘરેલુ ગેસ (LPG) ના પુરવઠામાં કોઈ કાપ મુકવામાં આવશે નહીં. કેન્દ્ર સરકારે ભાવ ન વધારવાની જાહેરાત કરી છે તે રાહતની વાત છે. રાજ્યમાં ગેસની અછત ન સર્જાય તે માટે ચીફ સેક્રેટરીની અધ્યક્ષતામાં એક વિશેષ કમિટીની રચના કરવામાં આવી છે. રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પુરતો જથ્થો છે. મંત્રીએ કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે કાળાબજારી કે સંગ્રહખોરી કરનારા તત્વો સામે સરકાર સખ્ત પગલાં લેશે.

ખેડૂતો માટે 'સન્માન' અને 'સહાય'નો સમન્વય

બેઠકમાં લેવાયેલા સૌથી મોટા નિર્ણય મુજબ, આગામી 13 માર્ચના રોજ 'કિસાન સન્માન નિધિ' અંતર્ગત 22મો હપ્તો રિલીઝ કરવામાં આવશે. દેશના 9 કરોડ 32 લાખ ખેડૂતોને કુલ 18 હજાર કરોડની સહાય સીધી બેંક ખાતામાં જમા થશે. રાજ્યના ખેડૂતોને આશરે 1 હજાર કરોડ રૂપિયાનો લાભ મળશે. 13 માર્ચે ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત ગ્રામ પંચાયતથી લઈને જિલ્લા મથક સુધી ખેડૂતોના સન્માન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે.

ટેકાના ભાવે ખરીદી અને નોંધણીના આંકડા

મંત્રીએ ખેતીવાડી ક્ષેત્રે થયેલી પ્રગતિની વિગતો આપતા જણાવ્યું કે અત્યાર સુધી 12 હજારથી વધુ ખેડૂતો પાસેથી 22 હજાર મેટ્રિક ટન તુવેરની ટેકાના ભાવે ખરીદી પૂર્ણ થઈ છે. ચણાના પાક માટે અત્યાર સુધીમાં 2.60 લાખ ખેડૂતોએ નોંધણી કરાવી છે. રાયડાના પાક માટે પણ 37 હજાર ખેડૂતો નોંધણી કરાવી ચૂક્યા છે. બટાકા પકવતા ખેડૂતો માટે સરકાર મૂલ્યાંકન કરી રહી છે અને ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

ઉનાળામાં પાણીની ચિંતા નહી: 72% જથ્થો ઉપલબ્ધ

રાજ્યમાં ઉનાળાની શરૂઆત થતા જ પીવાના અને સિંચાઈના પાણી અંગે કેબિનેટમાં ઉંડાણપૂર્વક રિવ્યૂ કરવામાં આવ્યો છે. જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં પાણીનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. ગત વર્ષની સરખામણીએ આ વખતે 4.15% વધુ એટલે કે કુલ 72% થી વધારે જથ્થો ડેમોમાં છે, જેથી જનતાએ ચિંતા કરવાની જરૂર નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now