Home Gujarat State Governments Compassion Campaign On Uttarayan 2026

ગુજરાતમાં સરકારનું 'કરુણા અભિયાન' : ઉત્તરાયણ દરમિયાન ઘાયલ 14 હજારથી વધુ પક્ષીઓને અપાયું જીવતદાન

ગુજરાતમાં સરકારનું 'કરુણા અભિયાન'
Published by: OBS Bureau
Last Updated: Feb 02, 2026, 06:00 AM IST

પશુ-પક્ષી સહિત સમગ્ર જીવ માત્રના કલ્યાણ સાથે મૃદુ, મક્કમ અને સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે. આ કલ્યાણ મંત્ર સાથે ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓની તાત્કાલિક સારવાર માટે વન વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી દર વર્ષે રાજ્યભરમાં ‘કરુણા અભિયાન’ હાથ ધરવામાં આવે છે. આ વર્ષે તા. 10 થી 20 જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાન-2026 અંતર્ગત રાજ્યમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન કુલ 16,380 ઘાયલ પક્ષીઓને સારવાર અપાઈ હતી. જેમાંથી 14,690 પક્ષીઓને સલામત રીતે બચાવી લેવાયા છે એટલે કે 90 ટકા પક્ષીઓને જીવતદાન મળ્યું છે તેમ, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું.

વન મંત્રી મોઢવાડિયાએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, કરુણા અભિયાન દરમિયાન અમદાવાદમાંથી સૌથી વધુ 7,040 પક્ષીઓને સારવાર અપાઈ હતી જેમાંથી 6,532 પક્ષીઓને બચાવી લેવાયા છે. આ ઉપરાંત મુખ્યત્વે સુરતમાં 4,800 માંથી 4,194 વડોદરામાંથી 722 માંથી 649, રાજકોટમાંથી 676 માંથી 553 તેમજ ગાંધીનગરમાં 329 પક્ષીઓને સારવાર આપી હતી તેમાંથી 313 જેટલા પક્ષીઓને બચાવી લેવામાં આવ્યા છે. આમ રાજ્યના 33 જિલ્લાઓમાં કુલ 14,690 પક્ષીઓને સારવાર આપીને નવું જીવન આપવામાં આવ્યું છે.

આ અભિયાનમાં ઘાયલ પક્ષીઓની વિગતો આપતાં મંત્રી અર્જુનએ જણાવ્યું હતું કે, આ વર્ષે ઘાયલ પક્ષીઓમાં સૌથી વધુ 13,636 કબૂતર, 905 સમડી, 281 કાગડા, 180 ઢાંક, 137 બ્લેક આઈબીસ, 134 ઘુવડ, 121 બગલા અને 110 પોપટ, અન્ય 185 સહિત કુલ 41 વિવિધ જાતિના પક્ષીઓનો સમાવેશ થાય છે.

વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવિણ માળીએ કહ્યું હતું કે, ઉત્તરાયણ પર્વ નિમિતે રાજ્યના વન, કૃષિ સહિત સંલગ્ન વિવિધ વિભાગો તેમજ પક્ષી પ્રેમી સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી સૌ પ્રથમ વર્ષ 2017 માં કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ વર્ષે 2017 માં 7,301 ઘાયલ પક્ષીઓ પૈકી 6,597 ને યોગ્ય સારવાર આપી બચાવી લેવાયા હતા. આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં છેલ્લા 10 વર્ષમાં કુલ 1.29 લાખથી વધુ ઘાયલ પક્ષીઓની સારવાર આપીને તેમાંથી 1.18 લાખથી વધુ પક્ષીઓને બચાવી લેવાયા છે એટલે કે, કુલ 92 ટકાથી વધુ પક્ષીઓને જીવતદાન અપાયું છે જે રાજ્ય સરકારને જીવદયાને સાચા અર્થમાં ઉજાગર કરે છે તેમ, મંત્રીએ ઉમેર્યું હતું.

રાજ્ય મંત્રી માળીએ કહ્યું હતું કે, કરુણા અભિયાન-2026 ને સફળ બનાવવા રાજ્યમાં અંદાજે 450 જેટલા કલેક્શન સેન્ટર, 60 વધુ કંટ્રોલરૂમ તથા 480 થી વધુ સારવાર કેન્દ્રો અબોલ પક્ષીઓની સારવાર માટે શરૂ કરાયા હતા. આ કેન્દ્રો પર અંદાજે 650 થી વધુ વેટરનરી ડોકટર તથા અંદાજે 8,000 થી વધુ કર્મચારીઓ-સ્વયંસેવકો પક્ષીઓના બચાવ-સારવાર માટે ખડે પગે સેવા આપી હતી. ઘાયલ પક્ષીઓને સમયસર સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા વન વિભાગ દ્વારા જિલ્લાવાર નોડલ અધિકારી તથા નિયંત્રણ અધિકારીની નિયુક્તિ કરવામાં આવી હતી. ઘાયલ પક્ષીઓના બચાવ માટે અને પક્ષીઓને સમયસર સારવાર આપવા 24x7 કાર્યરત રહેતી વન વિભાગની હેલ્પલાઈન 1926 નંબર અને વોટ્સએપ નંબર 83200 02000 જાહેર કરાયો હતો. આ ઉપરાંત રાજ્યભરમાં વર્ષ દરમિયાન કરુણા એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઈન નંબર 1962 ડાયલ કરવાથી ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર કરાવી શકાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now