લદ્દાખના જાણીતા પર્યાવરણવિદ્, શિક્ષણ સુધારક અને સામાજિક કાર્યકર સોનમ વાંગચૂક છેલ્લા કેટલાક દિવસોથી પોતાના આમરણ અનશનને કારણે દેશભરમાં ચર્ચામાં છે. તેમની તબિયત બગડ્યા બાદ તેમને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન એક નામ સતત ચર્ચામાં રહ્યું છે અને તે છે તેમની પત્ની ગીતાંજલી જે. આંગ્મો. અત્યાર સુધી જાહેર જીવનથી દૂર રહેનારી ગીતાંજલી હવે પોતાના પતિના આંદોલનની સૌથી મજબૂત સહયોગી તરીકે સામે આવી છે. સોનમ વાંગચૂકના આરોગ્ય અંગે સતત માહિતી આપવાથી લઈને આંદોલન અંગે લોકો સુધી સચોટ સંદેશ પહોંચાડવાની જવાબદારી ગીતાંજલી આંગ્મોએ સંભાળી છે. જેના કારણે લોકોમાં તેમના વિશે જાણવાની ઉત્સુકતા વધી છે. જોકે ગીતાંજલી માત્ર સોનમ વાંગચૂકની પત્ની જ નહીં પરંતુ શિક્ષણ અને સામાજિક વિકાસ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર એક પ્રતિષ્ઠિત વ્યક્તિ પણ છે.
શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન
ગીતાંજલી જે. આંગ્મો હાલમાં હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ અલ્ટરનેટિવ્સ, લદ્દાખ (HIAL)ની સહ-સ્થાપક, મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) તેમજ ડીન તરીકે કાર્યરત છે. આ સંસ્થા ખાસ કરીને લદ્દાખ જેવા પર્વતીય વિસ્તારો માટે સ્થાનિક જરૂરિયાતોને અનુરૂપ અને વ્યવહારુ શિક્ષણ વ્યવસ્થા વિકસાવવા માટે જાણીતી છે. HIALનું મુખ્ય ધ્યેય વિદ્યાર્થીઓને માત્ર પુસ્તક આધારિત જ્ઞાન નહીં પરંતુ જીવનોપયોગી કૌશલ્ય, સ્થાનિક સંસાધનોનો ઉપયોગ અને નવીનતા આધારિત શિક્ષણ આપવાનું છે. આ સંસ્થાની સ્થાપનામાં ગીતાંજલીનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે અને તેમણે સંસ્થાના વહીવટી તેમજ શૈક્ષણિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે.
ઓડિશાથી લદ્દાખ સુધીની સફર
ગીતાંજલી આંગ્મોનો જન્મ ઓડિશાના બાલાસોરમાં થયો હતો. તેમણે ભૌતિકશાસ્ત્ર (Physics)માં સ્નાતક અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ભુવનેશ્વરની પ્રતિષ્ઠિત ઝેવિયર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (XIMB)માંથી એમબીએ કર્યું હતું.
અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે શરૂઆતમાં કોર્પોરેટ ક્ષેત્રમાં કારકિર્દી બનાવી હતી. જોકે થોડા સમય બાદ તેમણે સામાજિક વિકાસ અને શિક્ષણ ક્ષેત્રે કામ કરવાનો નિર્ણય લીધો. આ દરમિયાન તેમની મુલાકાત સોનમ વાંગચૂક સાથે થઈ અને ત્યારબાદ બંનેએ લદ્દાખમાં શિક્ષણ, નવીનતા, ગ્રામ વિકાસ અને સ્થાનિક સમુદાયોના સશક્તિકરણ માટે અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ પર સાથે મળીને કામ શરૂ કર્યું.
સામાજિક કાર્ય માટે રાષ્ટ્રીય સન્માન
ગીતાંજલી આંગ્મોના શિક્ષણ અને સામાજિક વિકાસ ક્ષેત્રે કરેલા કાર્યને દેશવ્યાપી માન્યતા પણ મળી છે. વર્ષ 2022માં નીતિ આયોગ દ્વારા તેમને 'વુમન ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ એવોર્ડ એવા મહિલાઓને આપવામાં આવે છે જેઓ સમાજમાં નવીનતા, શિક્ષણ, મહિલા સશક્તિકરણ અને સામાજિક પરિવર્તન માટે નોંધપાત્ર યોગદાન આપે છે. ગીતાંજલીનું કાર્ય ખાસ કરીને પર્વતીય અને અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણની નવી દિશા આપવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
અનશન દરમિયાન સતત રહ્યા સાથે
સોનમ વાંગચૂકના આમરણ અનશન દરમિયાન ગીતાંજલી સતત તેમની સાથે રહ્યા હતા. જ્યારે તેમની તબિયત બગડતાં તેમને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે પણ ગીતાંજલીએ ડૉક્ટરો અને પ્રશાસન સમક્ષ સ્પષ્ટ કહ્યું હતું કે દર્દીની ઇચ્છા અને પરિવારની સંમતિ વિના કોઈપણ તબીબી પ્રક્રિયા હાથ ધરવામાં ન આવે. તેમણે મીડિયા મારફતે પણ જણાવ્યું હતું કે સોનમ વાંગચૂકનું આંદોલન હજુ સમાપ્ત થયું નથી અને અગાઉ જાહેર કરાયેલા કાર્યક્રમો યથાવત્ ચાલુ રહેશે. આ નિવેદન બાદ તેઓ આ સમગ્ર આંદોલનનું મહત્વપૂર્ણ જાહેર ચહેરું બની ગયા છે.
હવે માત્ર પત્ની નહીં, આંદોલનની મજબૂત અવાજ
તાજેતરના ઘટનાક્રમ બાદ ગીતાંજલી આંગ્મોની ઓળખ હવે માત્ર સોનમ વાંગચૂકની જીવનસાથી તરીકે મર્યાદિત રહી નથી. તેઓ એક સફળ શિક્ષણવિદ્, સામાજિક ઉદ્યોગસાહસિક અને વિકાસલક્ષી વિચારો ધરાવતી મહિલા તરીકે દેશભરમાં ઓળખ મેળવી રહ્યા છે. તેમણે લદ્દાખમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ વ્યવહારુ અને સ્થાનિક જરૂરિયાતોને અનુરૂપ બનાવવા માટે લાંબા સમયથી કાર્ય કર્યું છે. સાથે જ પર્યાવરણ, ટકાઉ વિકાસ અને સમુદાય આધારિત શિક્ષણના મોડેલને આગળ વધારવામાં પણ તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે.
શિક્ષણ અને સમાજ પરિવર્તનની પ્રેરણા
સોનમ વાંગચૂકના આંદોલન દરમિયાન ગીતાંજલી આંગ્મોએ જે રીતે પરિસ્થિતિને સંભાળી, લોકો સુધી માહિતી પહોંચાડી અને પોતાના વિચારો સ્પષ્ટ રીતે રજૂ કર્યા તેનાથી તેમની નેતૃત્વ ક્ષમતા પણ ઉજાગર થઈ છે. શિક્ષણ, સામાજિક વિકાસ અને જનહિતના મુદ્દાઓ પર વર્ષોથી કાર્યરત રહેલી ગીતાંજલી આજે દેશના યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બની રહી છે.
સોનમ વાંગચૂકના સંઘર્ષની પાછળ ગીતાંજલી આંગ્મોની શાંત પરંતુ મજબૂત ભૂમિકા સ્પષ્ટપણે જોવા મળી રહી છે. શિક્ષણથી લઈને સામાજિક પરિવર્તન સુધીની તેમની સફર દર્શાવે છે કે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે દૃઢ સંકલ્પ, નવીન વિચારસરણી અને સેવા ભાવના સૌથી મોટી શક્તિ બની શકે છે.






