Home National Sonam Wangchuk Hunger Strike Day 20 Organ Failure Risk Neet Protest

"કંઈ પણ થાય હું 20 જુલાઈ સુધી તો જીવતો રહીશ જ" : ઓર્ગન ફેલના જોખમ વચ્ચે છેલ્લાં 20 દિવસથી ઉપવાસ પર છે સોનમ વાંગચુક

Sonam Wangchuk
Image Credit: X
Published by: Aryan Shah
Last Updated: Jul 17, 2026, 09:33 AM IST

Sonam Wangchuk : દિલ્હીના જંતર-મંતર પર સામાજિક કાર્યકર અને શિક્ષણ સુધારક સોનમ વાંગચુકની અનિશ્ચિત ભૂખ હડતાળ શુક્રવારે 20મા દિવસે પહોંચી છે. લાંબા સમયથી માત્ર પાણી અને મીઠાના સહારે ઉપવાસ કરી રહેલા વાંગચુકની તબિયતને લઈને ચિંતા વધી રહી છે. ડોક્ટરોએ ચેતવણી આપી છે કે સતત ઉપવાસને કારણે તેમના શરીર પર ગંભીર અસર પડી રહી છે અને જો આ સ્થિતિ યથાવત રહેશે તો શરીરના અગત્યના અંગો પર પણ જોખમ ઊભું થઈ શકે છે. અત્યાર સુધીમાં તેમનું વજન આશરે 9 કિલો જેટલું ઘટી ગયું હોવાનું તબીબી ટીમે જણાવ્યું છે. આ ગંભીર સ્થિતિ વચ્ચે સોનમ વાંગચુકે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેઓ "કોઈપણ ભોગે 20 જુલાઈ સુધી જીવતા રહેવા માંગે છે." તેમણે દેશભરના સમર્થકોને 20 જુલાઈએ યોજાનારી "ચાલો સંસદ" શાંતિપૂર્ણ માર્ચમાં મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરી છે. તેમના જણાવ્યા મુજબ લોકશાહીના મંદિર ગણાતી સંસદ સુધી પહોંચીને દેશના યુવાનોની ચિંતાઓ રજૂ કરવી તેમનો મુખ્ય હેતુ છે.

"બહારથી નબળો છું, અંદરથી મજબૂત છું"

વાંગચુકે પોતાના સંદેશમાં કહ્યું કે લાંબા ઉપવાસના કારણે તેઓ શારીરિક રીતે ખૂબ નબળા થઈ ગયા છે, પરંતુ તેમનું મનોબળ હજુ અડગ છે. તેમણે હળવા અંદાજમાં કહ્યું કે જો 20 જુલાઈની સંસદ માર્ચ સફળ નહીં થાય તો "હું ભૂત બનીને પાછો આવીશ." તેમના આ નિવેદનને સમર્થકોમાં સંઘર્ષ ચાલુ રાખવાના સંદેશ તરીકે જોવામાં આવી રહ્યું છે. વાંગચુક 28 જૂનથી દિલ્હીના જંતર-મંતર ખાતે ચાલી રહેલા આંદોલનમાં જોડાયા છે. આ આંદોલન NEET સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થયેલી ગેરરીતિઓ, પેપર લીક અને પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતાની માંગ સાથે શરૂ થયું હતું. આંદોલનકારીઓ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને પરીક્ષા વ્યવસ્થામાં વ્યાપક સુધારાની માંગ કરી રહ્યા છે.

આ પણ ખાસ વાંચો : Meta AIનું સૌથી મોટું સેફ્ટી અપડેટ! : બાળક સેલ્ફ-હાર્મની વાત કરશે તો તરત જ માતા-પિતાને કરશે એલર્ટ

હાઇકોર્ટની દખલ બાદ રોજિંદી તબીબી દેખરેખ

વાંગચુકના બગડતા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકારને તેમના સ્વાસ્થ્યની દરરોજ સરકારી ડોક્ટરો દ્વારા તપાસ કરાવવાનો અને જરૂર પડે તો તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો તબીબી સ્થિતિ ગંભીર બને તો નિષ્ણાતોની સલાહના આધારે જરૂરી પગલાં લેવામાં આવે. તબીબોના જણાવ્યા મુજબ વાંગચુક હાલમાં સચેત અને વાતચીત કરી શકે તેવી સ્થિતિમાં છે, પરંતુ લાંબા ઉપવાસને કારણે આગામી દિવસો અત્યંત નિર્ણાયક બની શકે છે.

રાજકીય સમર્થન વધ્યું

વાંગચુકના આંદોલનને વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ અને સામાજિક સંગઠનોનું સમર્થન મળી રહ્યું છે. કોંગ્રેસના પવન ખેડા, સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવ અને ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે જંતર-મંતર પહોંચી તેમની મુલાકાત લીધી હતી. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ વાંગચુકના સમર્થનમાં નિવેદન આપ્યું હતું. જોકે કેન્દ્ર સરકાર તરફથી તેમની મુખ્ય માંગણીઓ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સ્વીકાર અથવા ચર્ચાની જાહેરાત કરવામાં આવી નથી.

આ પણ ખાસ વાંચો : હવે QR કોડવાળા રેશન કાર્ડ! : ચહેરો સ્કેન થતાં જ મળશે અનાજ, ઘરે બેઠા જાણી શકશો ઘઉં-ચોખા આવ્યા કે નહીં

સોનમ વાંગચુક કોણ છે?

સોનમ વાંગચુક લદ્દાખના જાણીતા શિક્ષણ સુધારક, એન્જિનિયર અને પર્યાવરણ કાર્યકર છે. તેઓ વૈકલ્પિક શિક્ષણ મોડલ, હિમપ્રદેશ માટેના ટકાઉ વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ માટેના કાર્યને કારણે જાણીતા બન્યા છે. તેમને 2018માં પ્રતિષ્ઠિત રેમન મેગ્સેસે એવોર્ડ સહિત અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સન્માનો મળ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now