Delhi Smart PDS: દિલ્હી સરકાર જાહેર વિતરણ પ્રણાલી (PDS)ને વધુ પારદર્શક, આધુનિક અને ટેક્નોલોજી આધારિત બનાવવા માટે મોટું પગલું ભરવા જઈ રહી છે. સરકાર ટૂંક સમયમાં 'સ્માર્ટ-PDS' (Smart Public Distribution System) પ્રોજેક્ટ અમલમાં મૂકવાની તૈયારીમાં છે. આ નવી વ્યવસ્થાથી રેશન કાર્ડથી લઈને અનાજના વિતરણ સુધીની સમગ્ર પ્રક્રિયા ડિજિટલ બની જશે, જેના કારણે લાભાર્થીઓને વધુ સરળ અને ઝડપી સેવા મળશે. નવી સિસ્ટમનો સૌથી મોટો ફાયદો એ રહેશે કે રેશન કાર્ડ ધારકો હવે પોતાના અનાજની માહિતી માટે સરકારી કચેરીઓના ચક્કર નહીં કાપવા પડે. તેઓ ઘરે બેઠા જ જાણી શકશે કે તેમનો ઘઉં કે ચોખાનો જથ્થો ક્યારે મંજૂર થયો, કઈ સરકારી દુકાને પહોંચ્યો અને ક્યારે વિતરણ થશે. સરકારનું માનવું છે કે આ પહેલથી રેશનની કાળાબજારી, ડુપ્લિકેટ કાર્ડ અને ગેરરીતિઓ પર પણ અસરકારક નિયંત્રણ મેળવી શકાશે.
QR કોડવાળા સ્માર્ટ રેશન કાર્ડ મળશે
સ્માર્ટ-PDS હેઠળ દિલ્હીના હાલના રેશન કાર્ડને અપગ્રેડ કરીને તેમાં QR કોડ ઉમેરવામાં આવશે. આ QR કોડ દ્વારા લાભાર્થીઓની ઓળખ અને રેશન સંબંધિત માહિતીનું ડિજિટલ વેરિફિકેશન સરળ બનશે. રેશનની દુકાન પર QR કોડ સ્કેન કરીને લાભાર્થીની વિગતો ઝડપથી ચકાસી શકાશે, જેના કારણે સમગ્ર પ્રક્રિયા વધુ પારદર્શક અને સરળ બનશે.
ફિંગરપ્રિન્ટ નહીં મળે તો ચહેરાથી થશે ઓળખ
નવી વ્યવસ્થામાં ફેશિયલ રિકગ્નિશન (Facial Recognition) ટેક્નોલોજીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ઘણા વૃદ્ધો, મજૂરો અથવા કઠિન પરિશ્રમ કરનારા લોકોના ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક મશીનમાં મેચ થતા નહોતા, જેના કારણે તેમને રેશન મેળવવામાં મુશ્કેલી પડતી હતી. હવે આવી સ્થિતિમાં લાભાર્થીના ચહેરાને સ્કેન કરીને તેમની ઓળખ ચકાસવામાં આવશે અને ત્યારબાદ તેમને રેશન આપવામાં આવશે. સરકારનું માનવું છે કે આ સુવિધાથી હજારો લોકોને સીધો લાભ મળશે.
આ પણ વાંચો: દિલ્હી પોલીસને મળ્યા નવા કમિશનર! : IPS અનુરાગ કુમારને સોંપાઈ કમાન, સતીશ ગોલ્ચાની જગ્યાએ થશે નિયુક્તિ
ઘરે બેઠા જ રેશનની લાઇવ ટ્રેકિંગ કરી શકશો
સ્માર્ટ-PDS સિસ્ટમ હેઠળ રેશન કાર્ડ ધારકોને ઓનલાઈન લાઇવ ટ્રેકિંગની સુવિધા પણ મળશે. લાભાર્થી જાણી શકશે કે, તેમનું રેશન ક્યારે મંજૂર થયું, કઈ ફેર પ્રાઇસ શોપ (સરકારી રેશન દુકાન) પર પહોંચ્યું અને ક્યારે વિતરણ થવાનું છે. આથી અનાજ સમયસર મળવાની માહિતી સરળતાથી ઉપલબ્ધ થશે.
રેશન કાર્ડની તમામ સેવાઓ થશે ઓનલાઈન
નવી સિસ્ટમમાં માત્ર રેશન વિતરણ જ નહીં પરંતુ રેશન કાર્ડ સંબંધિત લગભગ તમામ સેવાઓને ઓનલાઈન કરવામાં આવશે. પરિવારમાં નવા સભ્યનું નામ ઉમેરવું કે દૂર કરવું, જરૂરી દસ્તાવેજ અપલોડ કરવું, નવા રેશન કાર્ડ માટે અરજી કરવી અથવા અરજીની સ્થિતિ તપાસવી જેવી તમામ પ્રક્રિયાઓ હવે ઓનલાઈન ઉપલબ્ધ થશે.
કાળાબજારી અને ગેરરીતિઓ પર લાગશે અંકુશ
દિલ્હી સરકારનો દાવો છે કે, સ્માર્ટ-PDS અમલમાં આવ્યા બાદ નકલી રેશન કાર્ડ, ડુપ્લિકેટ એન્ટ્રી અને અનાજની કાળાબજારી પર મોટાપાયે નિયંત્રણ મેળવી શકાશે. ડિજિટલ વેરિફિકેશન અને ફેશિયલ ઓથેન્ટિકેશનને કારણે માત્ર અધિકૃત લાભાર્થીઓને જ અનાજ મળશે, જેના કારણે સિસ્ટમ વધુ વિશ્વસનીય બનશે.
અમલ પહેલાં નિષ્ણાતોની કમિટી કરશે ચકાસણી
સ્માર્ટ-PDS પ્રોજેક્ટને સંપૂર્ણપણે અમલમાં મૂકતા પહેલાં દિલ્હી સરકારે 16 સભ્યોની User Acceptance Testing (UAT) કમિટીની રચના કરી છે. આ કમિટીમાં દિલ્હીના 13 જિલ્લાઓના સહાયક કમિશનરો, ખાદ્ય અને પુરવઠા વિભાગના અધિકારીઓ તેમજ ટેક્નિકલ નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કમિટી નવા રેશન કાર્ડ મેનેજમેન્ટ સિસ્ટમ એપની કામગીરીનું વિગતવાર મૂલ્યાંકન કરી રહી છે, જેથી સામાન્ય લોકોને સરળ, સુરક્ષિત અને ઝડપી સેવા મળી શકે.
ડિજિટલ રેશન વ્યવસ્થામાં મોટું પરિવર્તન
દિલ્હી સરકારનો આ પ્રોજેક્ટ દેશની જાહેર વિતરણ પ્રણાલીમાં ટેક્નોલોજી આધારિત સૌથી મોટા સુધારાઓમાંનો એક માનવામાં આવી રહ્યો છે. જો આ યોજના સફળ રહેશે તો ભવિષ્યમાં અન્ય રાજ્યો પણ આવી જ સ્માર્ટ રેશન સિસ્ટમ અપનાવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.





