ભારતના રેલવે ઈતિહાસમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિયાણાના જીંદ રેલવે સ્ટેશન પરથી દેશની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેનને લીલી ઝંડી બતાવીને રવાના કરી છે. જીંદથી સોનીપત વચ્ચે દોડનારી આ ટ્રેન માત્ર નવી સેવા નથી, પરંતુ સ્વચ્છ ઊર્જા અને પર્યાવરણમૈત્રી પરિવહન તરફ ભારતના મોટા પગલાનું પ્રતિક માનવામાં આવી રહી છે. આ સાથે ભારત હવે જર્મની, જાપાન, ચીન અને અમેરિકા જેવા દેશોની યાદીમાં સામેલ થયું છે, જ્યાં હાઇડ્રોજન ટ્રેનોનું સંચાલન થઈ રહ્યું છે.
આ ટ્રેન સંપૂર્ણપણે સ્વદેશી ટેક્નોલોજીથી ડિઝાઇન અને વિકસાવવામાં આવી છે. ભારતીય ઇજનેરો દ્વારા તૈયાર કરાયેલા આ પ્રોજેક્ટને દેશની આધુનિક રેલવે ક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે. હાઇડ્રોજન ટ્રેનના સંચાલન સાથે ભારતે હરિત ઊર્જા આધારિત પરિવહન ક્ષેત્રમાં નવી દિશા તરફ આગળ વધવાનો સંકલ્પ વધુ મજબૂત કર્યો છે.
હાઈડ્રોજન ટ્રેન કેવી રીતે કાર્ય કરે છે?
દેખાવમાં આ ટ્રેન સામાન્ય ડીઝલ અથવા ઇલેક્ટ્રિક ટ્રેન જેવી જ લાગે છે, પરંતુ તેની કાર્યપદ્ધતિ સંપૂર્ણપણે અલગ છે. આ ટ્રેનમાં ડીઝલનો ઉપયોગ થતો નથી. તેના બદલે ટ્રેનમાં વિશેષ હાઇ-પ્રેશર ટેન્કોમાં હાઇડ્રોજન ગેસ સંગ્રહિત કરવામાં આવે છે. આ ગેસ સીધો બળતો નથી, પરંતુ ફ્યુઅલ સેલ ટેક્નોલોજી દ્વારા વીજળી ઉત્પન્ન કરવા માટે ઉપયોગમાં લેવાય છે. હાઈડ્રોજન ફ્યુઅલ સેલમાં હાઇડ્રોજન અને હવામાં રહેલા ઓક્સિજન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયાથી વીજળી ઉત્પન્ન થાય છે અને તે વીજળી ઇલેક્ટ્રિક મોટરને ચલાવે છે. એટલે કે ટ્રેનનો એન્જિન સીધો હાઇડ્રોજનથી નહીં પરંતુ હાઇડ્રોજનથી ઉત્પન્ન થયેલી વીજળીથી કાર્ય કરે છે.
ધુમાડો નહીં થાય
આ ટ્રેનની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાંથી કાર્બન ઉત્સર્જન થતું નથી. ડીઝલ એન્જિનની જેમ ધુમાડો કે પ્રદૂષિત વાયુઓ બહાર આવતાં નથી. ફ્યુઅલ સેલની પ્રક્રિયા બાદ માત્ર પાણી અને જળવાષ્પ (વોટર વેપર) જ બહાર નીકળે છે. આ કારણે હાઇડ્રોજન ટ્રેનને પર્યાવરણ માટે અત્યંત અનુકૂળ અને ગ્રીન ટેક્નોલોજી તરીકે જોવામાં આવે છે. વિશ્વભરમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે અનેક દેશો હાઇડ્રોજન આધારિત પરિવહન વ્યવસ્થા તરફ આગળ વધી રહ્યા છે. ભારતે પણ આ દિશામાં મહત્વપૂર્ણ શરૂઆત કરી છે, જે ભવિષ્યમાં રેલવે ક્ષેત્રમાં મોટો બદલાવ લાવી શકે છે.
આ પણ વાંચો: RBI લાવશે પ્લાસ્ટિકની ચલણી નોટો! : 10 અને 20 રૂપિયાથી થશે શરૂઆત, જાણો તમારા હાલના નોટનું શું થશે?
હાઇડ્રોજન ભરવાની પ્રક્રિયા કેવી હોય છે?
હાઇડ્રોજન ટ્રેનમાં ઇંધણ ભરવાની પ્રક્રિયા સામાન્ય ડીઝલ ટ્રેનથી અલગ હોય છે. તેના માટે વિશેષ હાઇડ્રોજન રિફ્યુઅલિંગ સ્ટેશન બનાવવામાં આવે છે. અહીં હાઇ-પ્રેશર પાઇપલાઇન દ્વારા ખૂબ જ સુરક્ષિત રીતે હાઇડ્રોજન ગેસ ટ્રેનના ટેન્કોમાં ભરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા કમ્પ્યુટર આધારિત નિયંત્રણ હેઠળ થાય છે જેથી સલામતીના તમામ ધોરણોનું પાલન થઈ શકે. થોડા જ સમયમાં ટ્રેનના ટેન્ક ભરાઈ જાય છે અને તે ફરી મુસાફરી માટે તૈયાર થઈ જાય છે.
સલામતી માટે અદ્યતન ટેક્નોલોજી
હાઇડ્રોજન જ્વલનશીલ ગેસ હોવાથી સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. ટ્રેનમાં અનેક આધુનિક સેન્સર લગાવવામાં આવ્યા છે, જે સતત ગેસનું દબાણ, તાપમાન અને સંભવિત લીકેજ પર નજર રાખે છે. જો કોઈ પણ પ્રકારની અસામાન્ય સ્થિતિ સર્જાય તો સિસ્ટમ તરત જ એલર્ટ આપી દે છે અને જરૂરી સુરક્ષા પ્રક્રિયા શરૂ થઈ જાય છે. લોકો પાયલટના જણાવ્યા અનુસાર, હાઇડ્રોજન ગેસને અત્યંત સુરક્ષિત રીતે હાઇ-પ્રેશર ટેન્કોમાં સંગ્રહિત કરવામાં આવે છે અને સમગ્ર સિસ્ટમ આંતરરાષ્ટ્રીય સલામતી ધોરણો અનુસાર તૈયાર કરવામાં આવી છે.
ભારતની હાઇડ્રોજન ટ્રેન કેમ છે ખાસ?
ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન અનેક બાબતોમાં વિશ્વસ્તરે અલગ ઓળખ બનાવે છે. અન્ય દેશોમાં સામાન્ય રીતે બે અથવા ત્રણ કોચવાળી હાઇડ્રોજન ટ્રેન ચલાવવામાં આવે છે, જ્યારે ભારતે સીધી 10 કોચવાળી ટ્રેન તૈયાર કરી છે. આ ટ્રેન અંદાજે 2,600 મુસાફરોને લઈ જવાની ક્ષમતા ધરાવે છે, જે વિશ્વની હાઇડ્રોજન ટ્રેનોમાં સૌથી વધુ માનવામાં આવે છે. આ ટ્રેનમાં 3,200 હોર્સપાવરની શક્તિશાળી પ્રોપલ્શન સિસ્ટમ આપવામાં આવી છે, જેના કારણે તે વિશ્વની સૌથી શક્તિશાળી હાઇડ્રોજન સંચાલિત ટ્રેનોમાં સ્થાન મેળવે છે.
આ પણ વાંચો: રામ મંદિર ચઢાવા કેસમાં મોટો ધડાકો! : મુખ્ય આરોપી ટિન્નુ યાદવની પત્નીના નામે નીકળી PWD કંપની, પહેલા જ વર્ષે મળ્યું રૂ.45 લાખનું કામ
ગ્રીન એનર્જી તરફ ભારતનું મહત્વપૂર્ણ પગલું
કેન્દ્ર સરકાર આગામી વર્ષોમાં રેલવેમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને ડીઝલ પરની નિર્ભરતા ઓછી કરવા માટે સતત પ્રયાસ કરી રહી છે. હાઇડ્રોજન ટ્રેન આ દિશામાં મહત્વપૂર્ણ પહેલ છે. ભવિષ્યમાં દેશના અન્ય રૂટ પર પણ આવી ટ્રેનો દોડતી જોવા મળી શકે છે. જીંદ ખાતે હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી બતાવવાના કાર્યક્રમ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણા, ચંડીગઢ અને પંજાબમાં હજારો કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કર્યું. પરંતુ દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનનું લોન્ચિંગ સમગ્ર કાર્યક્રમનું સૌથી મોટું આકર્ષણ રહ્યું. ભારત હવે માત્ર પરંપરાગત રેલવે નેટવર્કમાં જ નહીં, પરંતુ ગ્રીન ટેક્નોલોજી અને સ્વચ્છ ઊર્જા આધારિત આધુનિક પરિવહન ક્ષેત્રમાં પણ વિશ્વના અગ્રણી દેશો સાથે ખભેખભા મિલાવીને આગળ વધી રહ્યું છે.