RBI Plastic Notes: ભારતમાં ચલણી નોટોને વધુ ટકાઉ, સુરક્ષિત અને આધુનિક બનાવવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) એક મહત્વપૂર્ણ પગલું ભરવાની તૈયારીમાં છે. આગામી સમયમાં દેશમાં કાગળની સાથે પ્લાસ્ટિક એટલે કે પોલિમર નોટો પણ ચલણમાં જોવા મળી શકે છે. આ માટે આરબીઆઈ પ્રારંભિક તબક્કામાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવાની તૈયારી કરી રહ્યું હોવાનું સત્તાવાર સૂત્રોના હવાલાથી માહિતી સામે આવી છે. વિશ્વના અનેક દેશોમાં પહેલાથી જ પોલિમર નોટો સફળતાપૂર્વક ઉપયોગમાં લેવામાં આવી રહી છે. હવે ભારત પણ આ દિશામાં આગળ વધી રહ્યું છે. જો પાયલોટ પ્રોજેક્ટ સફળ રહેશે તો આગામી વર્ષોમાં દેશભરમાં તબક્કાવાર પ્લાસ્ટિકની નોટો ચલણમાં મૂકવામાં આવશે. જોકે, હાલ આરબીઆઈ તરફથી સમગ્ર દેશમાં અમલીકરણ અંગે કોઈ સત્તાવાર સમયરેખા જાહેર કરવામાં આવી નથી.
10 અને 20 રૂપિયાની નોટથી થશે શરૂઆત
સૂત્રોના જણાવ્યા અનુસાર, પાયલોટ પ્રોજેક્ટ હેઠળ શરૂઆતમાં માત્ર રૂ.10 અને રૂ.20ના પોલિમર નોટો જ રજૂ કરવામાં આવશે. આ તબક્કામાં વિવિધ શહેરો અથવા પસંદ કરાયેલા વિસ્તારોમાં તેનો ઉપયોગ અને કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવશે. જો આ પરીક્ષણ સફળ રહેશે તો ત્યારબાદ અન્ય મૂલ્યની નોટો પણ પોલિમર સામગ્રીમાં છાપવાની યોજના આગળ વધી શકે છે.
શા માટે લાવવામાં આવી રહી છે પ્લાસ્ટિકની નોટો?
પોલિમર નોટો પરંપરાગત કાગળની નોટોની સરખામણીએ વધુ મજબૂત અને લાંબા સમય સુધી ટકી રહે છે. તે પાણી, ભેજ અને સામાન્ય ઘસારા સામે વધુ પ્રતિરોધક હોય છે, જેના કારણે તે ઝડપથી ફાટતી કે ખરાબ થતી નથી. આ ઉપરાંત, પોલિમર નોટોમાં અત્યાધુનિક સુરક્ષા ફીચર્સ ઉમેરવા સરળ હોય છે, જેના કારણે નકલી નોટો બનાવવી વધુ મુશ્કેલ બની જાય છે. આરબીઆઈનો ઉદ્દેશ ચલણી નોટોને વધુ સુરક્ષિત બનાવવાનો અને નકલી ચલણ પર નિયંત્રણ મેળવવાનો છે.
હાલની કાગળની નોટો બંધ થશે?
પ્લાસ્ટિકની નોટોને લઈને લોકોમાં સૌથી મોટો સવાલ એ છે કે શું હાલની કાગળની નોટો બંધ થઈ જશે? હાલ ઉપલબ્ધ માહિતી અનુસાર તેનો જવાબ ના છે. પોલિમર નોટો આવવાથી હાલમાં ચલણમાં રહેલી કાગળની નોટો અમાન્ય નહીં બને. બંને પ્રકારની નોટો એકસાથે કાનૂની ચલણ (Legal Tender) તરીકે માન્ય રહેશે. અર્થાત્, લોકો પાસે રહેલી હાલની રૂ.10, રૂ.20 સહિતની અન્ય તમામ કાગળની નોટો પહેલાની જેમ જ માન્ય રહેશે અને સામાન્ય વ્યવહારમાં તેનો ઉપયોગ ચાલુ રહેશે.
RBIએ ગ્લોબલ ટેન્ડર બહાર પાડ્યું
આ પ્રોજેક્ટને આગળ વધારવા માટે ભારતીય રિઝર્વ બેંકની નોટ પ્રિન્ટિંગ સંસ્થા દ્વારા પોલિમર સબસ્ટ્રેટ શીટ્સની ખરીદી માટે વૈશ્વિક સ્તરે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ ટેન્ડરનો હેતુ પ્લાસ્ટિકની નોટો બનાવવા માટે જરૂરી વિશેષ સામગ્રી ઉપલબ્ધ કરાવવાનો છે. રસ ધરાવતી આંતરરાષ્ટ્રીય કંપનીઓને નિર્ધારિત સમયમર્યાદામાં પોતાની દરખાસ્ત રજૂ કરવાની તક આપવામાં આવી છે.
વિશ્વના અનેક દેશોમાં પહેલાથી સફળ મોડેલ
ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુકે, ન્યૂઝીલેન્ડ, સિંગાપુર અને અન્ય અનેક દેશોમાં પોલિમર ચલણી નોટો વર્ષોથી સફળતાપૂર્વક ઉપયોગમાં છે. આ દેશોમાં પ્લાસ્ટિકની નોટો લાંબા સમય સુધી ટકી રહેતી હોવાના કારણે ચલણ છાપવાનો ખર્ચ પણ લાંબા ગાળે ઘટ્યો હોવાનું માનવામાં આવે છે. ભારત પણ હવે તે જ મોડલને ધ્યાનમાં રાખીને પોતાના ચલણમાં આધુનિક ટેક્નોલોજી અપનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
આગળ શું થશે?
હાલ આરબીઆઈ પાયલોટ પ્રોજેક્ટની તૈયારી કરી રહ્યું છે. પરીક્ષણ દરમિયાન મળતા પરિણામોના આધારે નક્કી કરવામાં આવશે કે પોલિમર નોટોનો વ્યાપક ઉપયોગ ક્યારે અને કેવી રીતે શરૂ કરવો. ત્યાં સુધી દેશના તમામ કાગળના નોટો પહેલાની જેમ જ માન્ય રહેશે અને લોકોને કોઈ પણ પ્રકારની ગભરાવાની જરૂર નથી.





