શહેરના નારોલ વિસ્તારમાં જમાઈએ સસરાની હત્યા કરી દીધી હતી. યુવકની પત્ની 10 દિવસથી પિયરમાં ગઈ હતી અને પરત આવતી નહોતી, જેથી યુવક પત્નીને લેવા ગયો હતો. આ દરમિયાન બોલાચાલી થતા જમાઈ ઇબ્રાહિમ મન્સુરીએ બે શખ્સ સાથે મળીને સસરા અજીજ મન્સૂરીની તેમના ઘર આગળ જ હત્યા કરી દીધી હતી. નારોલ પોલીસે ગુનો નોધી આરોપી ઝડપી પાડ્યો છે.
ઇબ્રાહિમ મન્સુરી નામના યુવકના નારોલ વિસ્તારમાં એક યુવતી સાથે લગ્ન થયા હતા. ઈબ્રાહિમની પત્ની છેલ્લા 10 દિવસથી નારોલ પિયરમાં રહેતી હતી. ઈબ્રાહિમની પત્નીના પિયરમાં ભાભી અને માતા બીમાર હોવાથી તેમની સેવા કરવા માટે રોકાઈ હતી. ઘણા દિવસ સુધી પત્ની પરત ન આવતા ઇબ્રાહિમ સાસરીમાં પહોંચ્યો હતો. ઈબ્રાહિમે બુમાબુમ કરતા સસરાએ ટોક્યો ત્યારે ઇબ્રાહિમ ગાળો આપીને ત્યાંથી રવાના થઈ ગયો હતો.
અડધો કલાક બાદ ઇબ્રાહિમ અને તેની સાથે અન્ય બે શખ્સ આવ્યા હતા. ત્રણેય આવીને ઈબ્રાહિમના સસરાને ગાળો બોલવા લાગ્યા હતા. ઝઘડો વધુ ચાલતા ઇબ્રાહિમે તેની પાસે રહેલી છરી સસરાને મારી દીધી હતી. જમ જેવો જમાઈ આટલેથી નહોતો અટક્યો તેણે છરીના ઘા માર્યા બાદ સસરાને નીચે પાડી લાતો પણ મારી હતી. ઇજાગ્રસ્ત સસરાને સારવાર માટે હોસ્પિટલમાં સ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું.




















