Home Gujarat Somnath Amrutparv 2026 Kumbhabhishek Airshow Modi

સોમનાથના ઈતિહાસમાં પહેલી વખત મંદિર પર 11 તીર્થોના જળથી થશે કુંભાભિષેક : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપશે હાજારી

સોમનાથ મંદિરની છબી
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: May 09, 2026, 12:42 PM IST

સોમનાથના આંગણે ભવ્ય સોમનાથ અમૃતપર્વ 2026 નો અવસર આવી ગયો છે. ત્યારે ફરી એકવાર સોમનાથમાં ઈતિહાસ રચાવાનો છે. 90 મીટર ઊંચી ક્રેનથી વિશાળ કુંભને સોમનાથ મંદિરના શિખર પર 11 તીર્થના જળથી અભિષેક કરાશે, તો સાથે જ વાયુસેનાની ટીમ ફાઇટર જેટ દ્વારા દિલધડક 'સૂર્યકિરણ એર શો' સોમનાથના આકાશમાં બતાવશે. "સોમનાથ અમૃતપર્વ 2026"ના વિશેષ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11મી મેના રોજ સોમનાથની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે સોમનાથ મહાદેવની મહાપૂજા કરશે. આ દરમિયાન મંદિર બહાર ક્રેનથી વિશાળ કુંભ 90 મીટર ઊંચાઈ પર મંદિરના શિખર સુધી લઈ જવાશે. બ્રાહ્મણો પણ આ કુંભની સાથે જ રહેશે. 11 તીર્થોના પવિત્ર જળ ભરેલા આ કુંભથી મંત્રોચ્ચાર સાથે શિખર પર અભિષેક કરવામાં આવશે.

આ અંગે તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજના પ્રમુખ હેમલભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, પુન:નિર્મિત સોમનાથ મંદિરના ઈતિહાસમાં પહેલીવાર શિખર પર કુંભાભિષેક કરવામાં આવશે.

તેમણે ઉમેર્યું હતું કે સામાન્ય રીતે દેશના દક્ષિણના રાજ્યોમાં આ પરંપરા જોવા મળે છે. જ્યાં મોટેભાગે 10-12 વર્ષે મંદિરના શિખર પર અભિષેક કરીને શુદ્ધિકરણ કરવામાં આવે છે. પરંતુ સોમનાથમાં આવું પ્રથમવાર થઈ રહ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સોમનાથ ખાતે ભવ્ય ‘અમૃત મહોત્સવ' યોજાવામાં આવશે. સોમનાથના આધુનિકરણના 75 વર્ષની વિકાસયાત્રામા છેલ્લા બે દાયકામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સોમનાથ મંદિર “સુવર્ણ યુગ”માં પ્રવેશ્યું છે. તેઓ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા ત્યારથી સોમનાથના વિકાસમાં એક નવો અધ્યાય શરૂ થયો છે.

અહીં આવતા દર્શનાર્થીઓને રહેવા જમવા માટે ઉત્તમ સુવિધા માટે સોમનાથ ટ્રસ્ટે સાગર દર્શન, અન્ય ભવનો તેમજ આધુનિક સર્કિટ હાઉસમાં રહેવાની ઉત્તમ વ્યવસ્થા કરી છે.

આ પણ વાંચો: અંબાલાલ પટેલની નવી આગાહી : ગુજરાતમાં 9 મે બાદ આભમાંથી વરસેશે અગનજ્વાળા, પારો 45 ડિગ્રીને પાર જવાની વકી

સોમનાથ યાત્રાધામના મુખ્ય આકર્ષણ

સમુદ્ર દર્શન પથ પાસે હનુમાનજીની 16 ફૂટ ઊંચી પ્રતિમા, તેમજ સમુદ્ર દર્શન પથ પર 202 મારુતિ હાટ ઉભી કરવામાં આવી છે. મહાદેવ સમક્ષ ગંગાજળનો જળાભિષેક અર્પણ કરાતા ગંગાજળને રિફાઇન કરી સોમગંગા અભિષેક જલ ભાવિકોને પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવે છે.

સોમનાથ મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે લાઈટ એન્ડ સાઉન્ડ શૉ અને ઉત્સવોનું આકર્ષણ પણ રહ્યું છે. છેલ્લા 3 વર્ષમાં 10 લાખથી વધુ લોકોએ સોમનાથની ગાથા વર્ણવતો લાઈટ એન્ડ સાઉન્ડ શૉ નિહાળ્યો છે.

આ પણ વાંચો: જામનગરમાં વડાપ્રધાન મોદીના પ્રવાસને લઈ ટ્રાફિક પ્રતિબંધ : આ મુખ્ય માર્ગો પર 10 મે સુધી વાહન વ્યવહાર બંધ, વિકલ્પ રૂટ જાહેર

સોમનાથ પહોંચવા આવાગમનની સુવિધા

સોમનાથની યાત્રા ભક્તો માટે વધુ સરળ અને આરામદાયક બને તે હેતુથી 828 કરોડના ખર્ચે જેતપુર–સોમનાથ ફોર લેન હાઈવેના કારણે યાત્રિકોને એક્સપ્રેસવેની સુવિધા મળી છે. સાબરમતી–વેરાવળ વંદે ભારત એક્સપ્રેસના કારણે અમદાવાદથી સોમનાથની યાત્રા હવે વધુ ઝડપી અને સુલભ બની છે. આ ઉપરાંત કેશોદ ઍરપોર્ટ અને રાજકોટ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટના નિર્માણ બાદ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે સોમનાથ પહોંચવું સુલભ બન્યું છે.

આ પણ વાંચો: જામનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 2 દિવસીય પ્રવાસ : રાત્રિ રોકાણ સાથે વિશેષ કાર્યક્રમોની તૈયારી

આઇકોનિક સોમનાથની વેસ્ટમાંથી બેસ્ટ પહેલ

વર્ષ 2018 માં ‘સ્વચ્છ આઈકોનિક પ્લેસ’ તરીકે માન્યતા પ્રાપ્ત કરનાર સોમનાથ આજે ટકાઉ વિકાસ અને નવીનતાનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે. વેસ્ટ સેગ્રિગેશન કેન્દ્રોમાં હવે મંદિરના ફૂલોને વર્મીકમ્પોસ્ટમાં રૂપાંતરિત કરીને તેનો ઉપયોગ 1700 બિલ્વ વૃક્ષોના સંવર્ધનમાં થાય છે. મિશન LiFE પહેલ હેઠળ પ્લાસ્ટિક કચરામાંથી દર મહિને પેવર બ્લોક્સ તૈયાર કરવામાં આવે છે. અહીં દર મહિને લગભગ 4700 પ્લાસ્ટિક-ફ્લાય ઍશ બ્લોક્સનું ઉત્પાદન કરવામાં આવશે.

ડિજિટલ માધ્યમથી દર્શન, પ્રસાદ, પૂજા-વિધિ બની સરળ

સોમનાથ ટ્રસ્ટ દ્વારા ડિજિટલ પ્લેટફોર્મના ઉપયોગથી દેશ વિદેશના શ્રદ્ધાળુઓને લાઈવ દર્શન કરવા માટે અધતન ટેકનોલોજીના માધ્યમથી વ્યવસ્થા ગોઠવી છે. યાત્રિકો ઘરે બેઠા પૂજા વિધિનું રજીસ્ટ્રેશન, અતિથિ ગૃહ રૂમનું બુકિંગ, ડોનેશન, સોમેશ્વર મહાપૂજા, ધ્વજા પૂજા, રુદ્રાભિષેક વિગેરે પૂજા વિધિ ઓનલાઈન બુકીંગ કરાવી શકશે. સોમનાથની પ્રસાદી તેમજ સોમનાથ મંદિરમાં પૂજા કરાયેલ ચાંદીના સિક્કા, પાર્વતીમાતાને ચડાવેલ સાડી, મહાદેવને શૃંગાર તથા મંદિર પર ધ્વજા રોહણ કરાયેલ ધ્વજા પણ પ્રસાદી રૂપે ઓનલાઇન મંગાવી શકશે. લાઈવ દર્શન, આરતી તેમજ સાઈટ સીન, પ્રવાસન સ્થળો, હેરીટેજ વોક, ટેમ્પલ વોકની પણ માહિતી પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.

સોમનાથ માત્ર તેની દિવ્યતા, પવિત્રતા, આધ્યાત્મિકતા અને સંસ્કૃતિની વિરાસતથી ઉપર ઉઠી આજે વૈશ્વિક પ્રવાસનધામ તરીકે આગવી ઓળખ ઉભી કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now