Home Gujarat Vadodara Sokhada Politics Kiransinh Rathod Party Change 48 Hours

સોખડાના રાજકારણમાં પક્ષપલટાની મોસમ : જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્યએ 48 કલાકમાં 2 વાર બદલી પાર્ટી

Sokhada Political Flip-Flop Kiransinh Rathod
Published by: Nirali Gohil
Last Updated: Apr 09, 2026, 07:25 AM IST

Political Flip: ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામતો જાય છે તેમ તેમ નેતાઓના 'રંગ' પણ બદલાતા જોવા મળી રહ્યા છે. સામાન્ય રીતે નેતાઓ ચૂંટણી પહેલા પક્ષ બદલતા હોય છે, પરંતુ સોખડા જિલ્લા પંચાયત બેઠકના પૂર્વ સદસ્ય કિરણસિંહ રાઠોડે તો રેકોર્ડ બ્રેક કામગીરી કરી છે. માત્ર 48 કલાકના ગાળામાં બે વાર પક્ષપલટો કરીને કિરણસિંહે સાબિત કરી દીધું છે કે, રાજકારણમાં વફાદારી જેવો કોઈ શબ્દ નથી, અહીં માત્ર સત્તા અને ટિકિટ જ સર્વોપરી છે. તેમની આ 'ઘરવાપસી-યુ ટર્ન'ની ઘટના હાલમાં સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બની છે. નેતાઓ માટે વિચારધારા હવે ગૌણ બની ગઈ હોય તેમ લાગે છે. કિરણસિંહના આ હાઈ-વોલ્ટેજ ડ્રામાએ રાજકીય આલમમાં રમુજ સાથે ગંભીર સવાલો પણ ઉભા કર્યા છે. મતદારો અત્યારે મુંઝવણમાં છે કે જે નેતા 24 કલાકમાં પોતાની વિચારધારા બદલી નાખે, તે જનતાના પ્રશ્નો માટે કેટલો સ્થિર રહેશે? આ પક્ષપલટા પાછળ ટિકિટ મેળવવા માટેનું દબાણ હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.

મંગળવારે 'કેસરીયો' ઉતારી પંજો પકડ્યો: "ભાજપમાં કામ થતા નથી"

કિરણસિંહ રાઠોડ બે વર્ષ પહેલા ભાજપમાં જોડાયા હતા. પરંતુ મંગળવારે અચાનક જ તેમણે ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો અને કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો. કોંગ્રેસમાં જોડાતી વખતે તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જાહેર મંચ પરથી કહ્યું હતું કે, "ભાજપ સરકાર ભરોસા વગરની છે અને અહીં જનતાના કોઈ કામ થતા નથી, સામાન્ય માણસની સુનાવણી નથી." તે સમયે લાગતું હતું કે હવે તેઓ ભાજપ સામે જંગે ચડશે.

બુધવારે યુ-ટર્ન: "ભાજપ તો ટ્રિપલ એન્જિન સરકાર છે, મારી ભૂલ થઈ ગઈ"

હજુ તો કોંગ્રેસના કાર્યકરો કિરણસિંહના સ્વાગતની તૈયારીઓ પૂરી કરે તે પહેલા જ, બુધવારે ફરી એકવાર મોટો ધડાકો થયો. કોંગ્રેસમાં જોડાયાના 24 કલાકમાં જ કિરણસિંહને 'જ્ઞાન' લાધ્યું અને તેઓ ફરી પાછા ભાજપના શરણે પહોંચી ગયા. આ વખતે તેમનું બહાનું કંઈક અલગ જ હતું. તેમણે કહ્યું કે, "કોંગ્રેસ પોતાનું કમિટમેન્ટ પાળતી નથી, જ્યારે ભાજપ તો ટ્રિપલ એન્જિન સરકાર છે અને વિકાસની ગતિ તેજ છે." તેમણે જાહેરમાં પોતાની ભૂલ સ્વીકારી ફરીથી કેસરીયો ધારણ કરી લીધો.

આ પણ વાંચો: મનપા ચૂંટણી પહેલા પોલીસની ‘સર્જિકલ સ્ટ્રાઈક’ : 331 ગુનેગારો જેલ ભેગા; નાકાબંધીથી ગુનેગારોમાં ફફડાટ

મતદારોમાં રોષ અને સોશિયલ મીડિયા પર રમુજ

નેતાઓના આ પ્રકારના વલણથી પાયાના કાર્યકરોમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો આ ઘટનાને 'કાચિંડાની રાજનીતિ' સાથે સરખાવી રહ્યા છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો ભાજપમાં કામ નહોતા થતા તો 24 કલાકમાં તે 'ટ્રિપલ એન્જિન' કેવી રીતે બની ગઈ? આયાતી નેતાઓ માટે લાલ જાજમ બિછાવવાની પક્ષની નીતિ સામે પણ કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે.

કિરણસિંહના 48 કલાકના 'કરતબ'

સોખડાના રાજકારણમાં કિરણસિંહ રાઠોડના 48 કલાકના ‘કરતબ’ અત્યારે આખા જિલ્લામાં રમુજ અને ચર્ચાનો વિષય બન્યા છે. મંગળવારે જે ભાજપને તેઓ ‘ભરોસા વગરની’ અને ‘કામ ન કરનારી’ સરકાર ગણાવીને કોંગ્રેસમાં જોડાયા હતા, તે જ ભાજપ બુધવાર આવતા સુધીમાં તેમને ‘વિકાસની સરકાર’ લાગવા માંડી અને તેમણે ફરી કેસરીયો ધારણ કરી લીધો. કિરણસિંહનો આ યુ-ટર્ન સ્પષ્ટપણે ટિકિટ મેળવવા માટેનું એક રાજકીય ગતકડું અથવા સત્તાની લાલસા હોવાનું જણાઈ રહ્યું છે. માત્ર 24 કલાકમાં જ વિચારધારા બદલી નાખનારા આ નેતાના વલણથી પાયાના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે સોખડાની જનતા આવા વારંવાર રંગ બદલતા અને ‘કાચિંડા’ જેવી રાજનીતિ કરનારા નેતાઓને આગામી ચૂંટણીમાં કેટલો સ્વીકારે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now