VMC Election 2026: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે શહેર પોલીસ અસામાજિક તત્વો સામે કડક હાથે કામ લઈ રહી છે. ચૂંટણી પંચ દ્વારા આદર્શ આચાર સંહિતાની જાહેરાત કરવામાં આવતાની સાથે જ શહેર પોલીસ કમિશનરના આદેશથી સમગ્ર વડોદરામાં પોલીસનું લોખંડી બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યું છે. લોકશાહીના આ પર્વમાં મતદારો ભયમુક્ત વાતાવરણમાં મતદાન કરી શકે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે શહેરના ખૂણે ખૂણે 'ક્લીનઅપ ડ્રાઈવ' શરૂ કરી છે.
છેલ્લા કેટલાક દિવસોથી વડોદરાના માર્ગો પર પોલીસની હાજરી અને સઘન ચેકિંગને કારણે ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ દ્વારા માત્ર કાગળ પર નહીં પણ ગ્રાઉન્ડ લેવલ પર આક્રમક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં લિસ્ટેડ ગુનેગારોથી લઈને દારૂની હેરાફેરી કરનારા બુટલેગરો સુધીના તમામ પર પોલીસની બાજ નજર છે.

અસામાજિક તત્વો પર લગામ: 331 શખ્સોને કરવામાં આવ્યા રાઉન્ડ અપ
ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડી શકે તેવા તત્વોને ડામવા માટે પોલીસે 'પ્રીવેન્ટિવ એક્શન' લીધા છે. શહેરના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અત્યાર સુધીમાં કુલ 331 જેટલા શંકાસ્પદ અને ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્સોની અટકાયત કરવામાં આવી છે. આ 'સર્જિકલ સ્ટ્રાઈક'નો હેતુ ચૂંટણીમાં ધાક-ધમકી કે ડરનું વાતાવરણ ઉભું થતું અટકાવવાનો છે.
આ પણ વાંચો: ભાજપના ગઢમાં ગાબડું : પાલ આંબલિયાનો માસ્ટરસ્ટ્રોક, સતવારા સમાજના કદાવર નેતાએ કેસરીયો ત્યાગી પંજો પકડ્યો
દારૂના વેપલા પર પોલીસનો પ્રહાર: 42 લાખનો મુદ્દામાલ જપ્ત
ચૂંટણીમાં મતદારોને લલચાવવા માટે અવારનવાર દારૂની હેરાફેરી થતી હોય છે. વડોદરા પોલીસે આ મામલે અત્યંત કડક વલણ અપનાવતા અત્યાર સુધીમાં દારૂના 197 કેસ નોંધ્યા છે. આ દરોડાઓમાં ₹42 લાખની કિંમતનો વિદેશી અને દેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ ઉપરાંત, રસ્તા પર અન્ય નાગરિકોની સુરક્ષાને જોખમાવતા 27 'ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ' ના કેસ પણ નોંધવામાં આવ્યા છે.

વાહન ચેકિંગ અને નાકાબંધી: 98 વાહનો કરાયા ડિટેઈન
શહેરના દરેક પ્રવેશદ્વાર પર ફિક્સ પિકેટ્સ અને પોલીસ ચેકપોસ્ટ તૈયાર કરવામાં આવી છે. પોલીસની ટીમોએ અત્યાર સુધીમાં 3,462 જેટલા વાહનોનું ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધર્યું છે. આ દરમિયાન જે વાહનોના દસ્તાવેજોમાં ખામી જણાઈ અથવા જે શંકાસ્પદ જણાયા તેવા 98 વાહનોને પોલીસે કબજે (Detain) લીધા છે. ચૂંટણી પૂર્વે વડોદરાની સુરક્ષા વ્યવસ્થા અત્યારે અભેદ્ય કિલ્લા સમાન બની ગઈ છે.
રાત્રિ પેટ્રોલિંગ અને ફૂટ પેટ્રોલિંગમાં વધારો
પોલીસ કમિશનરની સૂચના મુજબ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. મોડી રાત્રે પણ પોલીસની ગાડીઓ સાયરન સાથે પેટ્રોલિંગ કરી રહી છે જેથી સામાન્ય નાગરિકો સુરક્ષિત અનુભવે અને અસામાજિક તત્વો ભૂગર્ભમાં ઉતરી જાય. આ કામગીરીને પગલે વડોદરાના મતદારોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.





