Home Gujarat Sog Attacks On Gas Black Market In Vadodara

વડોદરામાં ગેસના કાળા બજારનો ભાંડો ફૂટ્યો : 20થી વધુ ગેસ સિલિન્ડર જપ્ત, SOG ટીમની મોટી કાર્યવાહી

વડોદરામાં ગેસના કાળા બજારનો ભાંડો ફૂટ્યો
Published by: OBS Bureau
Last Updated: Mar 14, 2026, 01:27 PM IST

Gas black market in Vadodara: વડોદરા શહેરમાં રાંધણ ગેસ (LPG) સિલિન્ડરની અછતને કારણે કાળા બજારનો ધંધો ધમધમી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં વૈશ્વિક તણાવ ખાસ કરીને પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિને કારણે ગેસના પુરવઠામાં વિક્ષેપ આવતાં શહેરમાં ઘરગથ્થુ અને કોમર્શિયલ બંને પ્રકારના સિલિન્ડરની માંગ અચાનક વધી ગઈ છે. આ અછતનો લાભ લઈને કેટલાક અસામાજિક તત્વો કાળા બજારમાં મોંઘા ભાવે બોટલ વેચી રહ્યા છે, જેનાથી સામાન્ય નાગરિકો અને વેપારીઓ ભારે પરેશાની અનુભવી રહ્યા છે.

શંકાસ્પદ સ્થળ પર તપાસ હાથ ધરી

આ સંજોગોમાં વડોદરા પોલીસની SOG (Special Operations Group) ટીમે ત્વરિત કાર્યવાહી કરી છે. મળેલી બાતમીના આધારે SOG ટીમે ન્યુ VIP રોડ વિસ્તારમાં શંકાસ્પદ સ્થળ પર તપાસ હાથ ધરી. તપાસ દરમિયાન 20થી વધુ રાંધણ ગેસના બોટલ મળી આવ્યા, જે કાળા બજારમાં વેચાણ માટે રાખવામાં આવ્યા હતા. પોલીસે તાત્કાલિક DSO (District Supply Officer)ને જાણ કરી અને તમામ જપ્ત કરાયેલા સિલિન્ડરો પર કબજો કર્યો. આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને તપાસ હાલ ચાલુ છે. તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો સામે આવશે.

કાળા બજાર અથવા અનિયમિત વેચાણની માહિતી

આ ઘટના દર્શાવે છે કે વહીવટ અને પોલીસ વિભાગ કાળા બજારીઓ અને સંગ્રહખોરો સામે સખ્તાઈથી કાર્યવાહી કરી રહ્યા છે. નાગરિકોને અપીલ છે કે જો કોઈ કાળા બજાર અથવા અનિયમિત વેચાણની માહિતી હોય તો તાત્કાલિક પોલીસ અથવા સંબંધિત અધિકારીઓને જાણ કરે. શહેરમાં ગેસની અછતને લઈને લોકોમાં પેનિક ફેલાયેલું છે, પરંતુ અધિકારીઓનું કહેવું છે કે ઘરગથ્થુ ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને સ્થિતિ નિયંત્રણમાં છે. તેમ છતાં, કાળા બજાર પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now