Home Gujarat Social Media War Over Dumkhals Parrot Innarmada Villagers Protest Against Elements Defaming The Village

નર્મદાનું ડુમખલ ગામ રાજકીય 'પોપટબાજી'ને કારણે વિવાદોના વંટોળમાં! : રાજકીય નેતાઓના આક્ષેપ-પ્રતિઆક્ષેપ અને 'ગંદી' પોસ્ટ્સને કારણે બન્યું ચર્ચાનું કેન્દ્ર

નર્મદાનું ડુમખલ ગામ રાજકીય 'પોપટબાજી'ને કારણે વિવાદોના વંટોળમાં!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 13, 2026, 01:26 PM IST

ડેડિયાપાડા: નર્મદા જિલ્લાનું શાંત ગણાતું ડુમખલ ગામ અત્યારે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી એક રાજકીય 'પોપટબાજી'ને કારણે વિવાદોના વંટોળમાં ફસાયું છે. ઐતિહાસિક રીતે બોલતા પોપટ માટે જાણીતું ડુમખલ ગામ અત્યારે કોઈ પક્ષીને કારણે નહીં, પરંતુ રાજકીય નેતાઓ વચ્ચેના આક્ષેપ-પ્રતિઆક્ષેપ અને 'ગંદી' પોસ્ટ્સને કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

શું છે સમગ્ર વિવાદ?

છેલ્લા કેટલાક દિવસોથી (૫ માર્ચ થી ૮ માર્ચ ૨૦૨૬ દરમિયાન) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને વોટ્સએપ પર ડુમખલ ગામ અને 'પોપટ' શબ્દનો ઉપયોગ કરીને કેટલીક વાંધાજનક પોસ્ટ અને રીલ્સ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં કોઈનું સીધું નામ લીધા વગર "ડુમખલના પોપટ", "પીળા કંઠ વાળો", અને "તેતર" જેવા શબ્દો વાપરીને ગંભીર નૈતિક આક્ષેપો કરવામાં આવ્યા છે. પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ડુમખલના એક 'પોપટ'ને 60 લાખની કિંમત ચૂકવવી પડી છે અને એક કથિત પ્રેમ પ્રકરણમાં લાખો રૂપિયા આપી મામલો સગેવગે કરવામાં આવ્યો છે. આ આડકતરી ટિપ્પણીઓ જિલ્લાના એક કદાવર નેતા તરફ ઈશારો કરતી હોવાનું મનાય છે.

ગામની ગરિમા જોખમાતા ગ્રામજનો મેદાને

પોતાના ગામના નામનો ઉપયોગ કરીને કરવામાં આવી રહેલી આવી અભદ્ર ટિપ્પણીઓથી ડુમખલના ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે, રાજકીય લડાઈમાં ગામનું નામ બદનામ કરવામાં આવી રહ્યું છે. આ મામલે અનિરૂધ વસાવા, માનસિંગ વસાવા અને નિમજી વસાવા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ડેડિયાપાડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે લેખિત રજૂઆત કરી નીચે મુજબના શખ્સો સામે ગુનો નોંધવાની માંગ કરી છે. જેમાં રાજેશ વસાવા (ભરૂચ), આનંદ વસાવા (અણદું, ડેડિયાપાડા), 'વોઇસ ઓફ ટ્રાઇબલ' ફેસબુક આઈડી, વિપુલ માછી (રાજપીપળા) અને અન્ય અજાણ્યા ઈસમોનો સમાવેશ થાય છે.

રાજકીય ગરમાવો: પ્રફુલ વસાવા મેદાને

આ વિવાદમાં ત્યારે વળાંક આવ્યો જ્યારે બીટીપીમાંથી ભાજપમાં જોડાયેલા નેતા પ્રફુલ વસાવાએ પણ ઝંપલાવ્યું. તેમણે માંગ કરી છે કે આ નેતાના 'કારસ્તાન' બહાર આવવા જોઈએ. બીજી તરફ, ગ્રામજનોએ ચીમકી આપી છે કે જો બે દિવસમાં આ પોસ્ટ મુકનારાઓ સામે કાર્યવાહી નહીં થાય, તો તેઓ પોલીસ સ્ટેશન સામે ગાંધીચીંધ્યા માર્ગે ઉપવાસ પર ઉતરશે.

ઐતિહાસિક સંદર્ભ: કાયદો અને કુદરત

એક સમયે શૂલપાણેશ્વર મહાદેવના મેળામાં ડુમખલના બોલતા પોપટ આકર્ષણનું કેન્દ્ર હતા. જોકે, વન્યજીવ સંરક્ષણ ધારાના કડક અમલ બાદ હવે ન તો કોઈ પોપટ પાળે છે, ન તો વેચે છે. જંગલમાં પણ હવે આ પોપટ ભાગ્યે જ જોવા મળે છે. ત્યારે જૂની લોકપ્રિયતાનો સહારો લઈને રાજકીય રોટલા શેકવાની આ રમત હવે પોલીસના ઉંબરે પહોંચી છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા નર્મદા જિલ્લામાં સોશિયલ મીડિયા વોર પરાકાષ્ઠાએ પહોંચી છે. ગ્રામજનોની આક્રમકતા જોતા આગામી દિવસોમાં આ મામલો વધુ ગરમાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now