અમદાવાદમાં મોડી રાત્રે નવા નરોડા વિસ્તારમાં 27 ઓગસ્ટના રોજ ગણેશ સ્થાપના દરમ્યાન દુર્ઘટના બની હતી. બાપા સીતારામ ચોક પાસે પંચમુખી હનુમાન ગ્રુપ દ્વારા ભગવાન ગણેશની વિશાળ મૂર્તિની સ્થાપના કરવામાં આવી રહી હતી. તે સમયે અચાનક જ એક કોમ્પ્લેક્સનો સ્લેબ ધરાશાયી થતા ત્રણ બાળકો અને મહિલાઓ સહિત 10થી વધુ લોકો ભોંયરામાં પટકાયા હતા.
ઘટના સમયે મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન કરવા માટે એકત્ર થયા હતા. સ્લેબ તૂટી પડતાં ચીસો-પોકાર વચ્ચે મહિલાઓએ પોતાના બાળકોને બચાવવા બુમરાણ કરી હતી. સ્થાનિક લોકોએ એકબીજાની મદદથી કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો.
ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવી
માહિતી મળતાં જ નિકોલ ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને એક વ્યક્તિને કાટમાળમાંથી સુરક્ષિત બહાર કાઢ્યો હતો. ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પરંતુ મોટી સંખ્યામાં ભીડ ભેગી થતા પોલીસે હળવો લાઠીચાર્જ કરી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.
ઇજાગ્રસ્તોની સંખ્યા ઓછી, મોટી દુર્ઘટના ટળી
ફાયર વિભાગના સ્ટેશન ઓફિસર સ્વરૂપદાન ગઢવીએ જણાવ્યું કે, “સ્થળ પર પહોંચી ત્યારે બે થી ત્રણ લોકોને સ્થાનિક લોકોએ બહાર કાઢ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે પણ એક વ્યક્તિને સુરક્ષિત બહાર કાઢ્યો.”
ઘટનામાં બે થી ત્રણ લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી, જ્યારે કેટલાક લોકોને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.






