અવકાશયાત્રી શુભાંશુ શુક્લા એક્સિઓમ-૪ મિશન હેઠળ આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની ઐતિહાસિક મુલાકાત બાદ ભારત પરત ફર્યા છે. દિલ્હી એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા, ઈસરોના વડા ડૉ. વી. નારાયણન તેમજ શુક્લાનો પરિવાર એરપોર્ટ પર હાજર હતો. શુક્લાનું ઢોલના નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.
શુભાંશુ શુક્લાના સ્વાગતના ઘણા વીડિયો સામે આવ્યા છે. એક વીડિયોમાં જોવા મળ્યું કે જ્યારે તેઓ એરપોર્ટ પર પહોંચ્યા અને બહાર જઈ રહ્યા હતા, ત્યારે તેમનો પુત્ર તેમની સામે આવ્યો. અચાનક તેમના પુત્રને પોતાની સામે જોઈને શુભાંશુ શુક્લાનો ચહેરો ચમકી ગયો. તેમણે તેમના પુત્રને ગળે લગાવ્યો અને પછી અન્ય લોકોને મળ્યા.
કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી જીતેન્દ્ર સિંહે X પર એક પોસ્ટમાં લખ્યું. "ભારત માટે ગર્વની ક્ષણ! ઇસરો માટે ગર્વની ક્ષણ! પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ શક્ય બનાવનાર સિસ્ટમ પ્રત્યે કૃતજ્ઞતાની ક્ષણ. ભારતનું અવકાશ ગૌરવ ભારતીય ભૂમિને સ્પર્શે છે કારણ કે ભારત માતાના પ્રતિષ્ઠિત પુત્ર, ગગન્યાત્રી શુભાંશુ શુક્લા આજે સવારે દિલ્હીમાં ઉતર્યા છે,"
તેમણે આગળ લખ્યું કે આ સાથે ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયરનું પણ સ્વાગત કરવામાં આવ્યું, જેઓ ભારતના પ્રથમ માનવ મિશન 'ગગનયાન' માટે પસંદ કરાયેલા અવકાશયાત્રીઓમાંના એક છે અને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) મિશન માટે ભારતના નિયુક્ત બેકઅપ હતા. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા, ISROના અધ્યક્ષ ડૉ. વી. નારાયણન અને બાદમાં વિદ્યાર્થીઓના એક જૂથ દ્વારા નવી દિલ્હી એરપોર્ટ પર સ્વાગત કરીને મને ખૂબ આનંદ થયો.
શુભાંશુ શુક્લા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા જઈ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે આ પછી તેઓ તેમના પરિવારને મળવા લખનૌ જશે. તમને જણાવી દઈએ કે શુક્લા નાસાના એક્સિઓમ-4 અવકાશ મિશનનો ભાગ હતા, જે 25 જૂને અમેરિકાના ફ્લોરિડા સ્થિત નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી રવાના થયા હતા અને 15 જુલાઈએ કેલિફોર્નિયાના કિનારે ઉતર્યા હતા. તેઓ 41 વર્ષમાં અવકાશમાં મુસાફરી કરનાર પ્રથમ ભારતીય બન્યા છે.






