Home Gujarat Shri Somnath Mahadev In Gir Somnath Lit Up With Tricolor Lights

ગીર સોમનાથમાં શ્રી સોમનાથ મહાદેવ ત્રિરંગા રોશનીથી ઝળહળી ઉઠ્યું : શિવભક્તિ સાથે દેશભક્તિનો અનોખો સંગમ

ગીર સોમનાથમાં શ્રી સોમનાથ મહાદેવ ત્રિરંગા રોશનીથી ઝળહળી ઉઠ્યું
Published by: OBS Bureau
Last Updated: Jan 26, 2026, 07:05 AM IST

ગીર સોમનાથ જિલ્લામાં પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ પ્રથમ જ્યોર્તિલિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. શિવભક્તિ સાથે દેશભક્તિનો અનોખો સંગમ સોમનાથમાં જોવા મળ્યો હતો અને સમગ્ર મંદિર પરિસર દેશપ્રેમના રંગે રંગાઈ ગયું હતું.

શિવભક્તિ સાથે દેશભક્તિનો અનોખો સંગમ

પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે શ્રી સોમનાથ મહાદેવ મંદિર તથા આસપાસનો સમગ્ર વિસ્તાર ત્રિરંગા લાઇટિંગથી શોભાયમાન બનાવવામાં આવ્યો હતો. મંદિરના શિખરથી લઈ પરિસર સુધી ત્રિરંગા રોશનીનો અદભુત ઝળહળાટ જોવા મળ્યો હતો, જેને કારણે ભક્તોમાં વિશેષ ઉત્સાહ અને ગૌરવની લાગણી પ્રસરી હતી. દિગ્વિજય દ્વાર નજીક કેસરી ધજા તેમજ ત્રિરંગા ધ્વજનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો, જે સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

સમગ્ર વાતાવરણને દેશભક્તિમય

મંદિર પરિસરમાં દર્શન માટે આવેલા ભક્તોએ ‘જય સોમનાથ’ સાથે ‘ભારત માતા કી જય’થી સમગ્ર વાતાવરણને દેશભક્તિમય બનાવી દીધું હતું. આ પ્રજાસત્તાક દિનની ઉજવણી દરમિયાન સોમનાથમાં ધાર્મિક આસ્થા સાથે રાષ્ટ્રીય ગૌરવનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો. શ્રદ્ધા, સંસ્કૃતિ અને રાષ્ટ્રપ્રેમના આ સંગમથી સોમનાથનું પવિત્ર ધામ ભક્તો અને પ્રવાસીઓ માટે યાદગાર બની રહ્યું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now