રાજકોટ: શહેરમાં આગની ઘટનાઓનો સિલસિલો યથાવત હોય તેમ આજે સાધુ વાસવાણી રોડ પર એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં સાધુ વાસવાણી સ્કૂલની સામે આવેલા ‘ધ ગાર્ડન’ નામના કોમર્શિયલ કોમ્પ્લેક્સના બીજા માળે આવેલી એક ખાનગી ઓફિસમાં એકાએક આગ લાગી હતી. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતા જ રાજકોટ મહાનગરપાલિકા (RMC) ના ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
ઓફિસમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
પ્રાપ્ત વિગતો અનુસાર, કોમ્પ્લેક્સના બીજા માળે આવેલી ‘પરિશ્રમ અર્થ મૂવર્સ’ નામની ઓફિસમાં આગ લાગી હતી. આ ઓફિસમાં જેસીબી અને ક્રેન ભાડે આપવાનું કામકાજ ચાલે છે. આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે જોતજોતામાં ઓફિસમાં રહેલો તમામ માલસામાન, ફર્નિચર અને અન્ય દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા હતા. ફાયર વિભાગે 4 જેટલા ફાયર ફાઈટરની મદદથી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
8 લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ: ફાયર વિભાગની સતર્કતા
જ્યારે બીજા માળે આગ લાગી ત્યારે ધુમાડો ઉપરના માળ સુધી પહોંચી ગયો હતો, જેના કારણે ત્રીજા અને ચોથા માળે કામ કરતા 7 થી 8 જેટલા વ્યક્તિઓ ત્યાં ફસાઈ ગયા હતા. આગનું સ્વરૂપ જોતા આ લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. જોકે, ફાયર વિભાગના જવાનોએ જીવના જોખમે આ તમામ લોકોને સહીસલામત રીતે નીચે ઉતારી તેમનું રેસ્ક્યુ કર્યું હતું. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી.
આ પણ વાંચો: સુરત કોંગ્રેસમાં આંતરિક વિસ્ફોટ : ઉમેદવારનું ફોર્મ રદ થતા પ્રમુખ પર ‘પૈસા ખાઈને ભાજપને જીતાડવાના’ આક્ષેપ
AC માં બ્લાસ્ટ થવાને કારણે આગ લાગી હોવાનું અનુમાન
ચીફ ફાયર ઓફિસર અમિત દવેના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે લોબીના ભાગમાં એસી (AC) ના બ્લોઅર મૂકવામાં આવ્યા હતા. એસીમાં બ્લાસ્ટ અથવા શોર્ટ સર્કિટ થવાને કારણે આ આગ લાગી હોવાનું અનુમાન છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે એફએસએલ (FSL) ની ટીમને પણ બોલાવવામાં આવી છે. એફએસએલના રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે કે આગ પાછળનું મુખ્ય કારણ શું હતું.
સ્થળ પર પોલીસનો કાફલો અને તપાસ તેજ
આગની ઘટના બાદ સ્થાનિક પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ટ્રાફિક તેમજ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સંભાળી હતી. હાલમાં આગ સંપૂર્ણપણે કાબૂમાં છે અને કુલિંગની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. કોમ્પ્લેક્સમાં ફાયર સેફ્ટીના સાધનો કાર્યરત હતા કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.





