Home Gujarat Shoot Space Digital Gandhinagar Fraud Remand Case

ગાંધીનગરના ‘શૂટ સ્પેસ ડિજિટલ’ કૌભાંડમાં 400 કરોડ સુધીના ફ્રોડની આશંકા : બન્ને આરોપીઓનાં 10 દિવસના રિમાન્ડ મંજૂર

આરોપીઓની છબી
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: May 23, 2026, 01:54 PM IST

ગાંધીનગર સ્થિત Shoot Space Digital Private Limited સામે નોંધાયેલા કરોડોના કૌભાંડ કેસમાં તપાસ વધુ તેજ બની છે. ડભોડા પોલીસ સ્ટેશનમાં GPID કાયદા હેઠળ નોંધાયેલા ગુનામાં અત્યાર સુધી બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં પોલીસે કંપનીના ડાયરેક્ટર અરુણ પટેલઅને ઝોનલ મેનેજર સચિન પટેલને જજના નિવાસસ્થાને રજૂ કર્યા હતા. પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, જોકે કોર્ટે બંને આરોપીઓના 2 જૂન બપોરે 4 વાગ્યા સુધીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

‘પેરાબાઈટ સ્પેસ’ના નામે રોકાણ યોજનાઓ

પોલીસ તપાસ અનુસાર કંપની દ્વારા ડેટા સેન્ટર અને “પેરાબાઈટ સ્પેસ”ના નામે રોકાણકારોને ઊંચા વળતરનું પ્રલોભન આપવામાં આવતું હતું. કંપનીના પ્રતિનિધિઓ અને એજન્ટો લોકો પાસે રોકાણ કરાવી નિયમિત નફો અને ભાડા જેવી આવક મળવાની ખાતરી આપતા હતા. તપાસકર્તાઓનું માનવું છે કે આ મોડેલ પોન્ઝી સ્કીમ જેવી પદ્ધતિ પર કાર્યરત હોઈ શકે છે. હાલ સુધીના પ્રાથમિક અંદાજ મુજબ સમગ્ર કૌભાંડનો આંકડો ₹400 કરોડ સુધી પહોંચી શકે તેવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મુખ્ય આરોપી ઉત્પલ પટેલ ફરાર

આ સમગ્ર કેસમાં ઉત્પલ પટેલ મુખ્ય સૂત્રધાર તરીકે સામે આવ્યા છે. પોલીસને શંકા છે કે તેઓ દેશ છોડીને વિદેશ ભાગી ગયા હોઈ શકે છે. હાલ તેમની કોલ ડિટેલ રેકોર્ડ, નાણાકીય વ્યવહારો અને સંપર્કોની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે કોર્ટમાં રજૂઆત દરમિયાન જણાવ્યું હતું કે રાજ્ય બહાર પણ તપાસનો વ્યાપ વધારવાની જરૂર છે. આરોપીઓના નેટવર્ક અને અન્ય સંડોવાયેલા લોકો સુધી પહોંચવા માટે રિમાન્ડ જરૂરી હોવાનું તપાસ એજન્સીએ રજૂ કર્યું હતું.

આ પણ વાંચો: 'અનામત આંદોલન નીતિન પટેલે ઉભુ કર્યું' : 'મેં તેમનું પિકચર પૂરૂ કર્યું', મહેસાણા ભાજપના કોર્પોરેટરનાં બફાટ પર ગરમાયું રાજકારણ

18 મુદ્દાઓના આધારે રિમાન્ડની માંગ

પોલીસે કોર્ટ સમક્ષ કુલ 18 મુદ્દાઓ રજૂ કરીને આરોપીઓની કસ્ટોડિયલ પૂછપરછની જરૂરિયાત દર્શાવી હતી. તેમાં મુખ્યત્વે બેંકિંગ વ્યવહારો, રોકાણકારોની વિગતો, કમિશન પેમેન્ટ, એજન્ટ નેટવર્ક અને નાણાકીય હિસાબોની તપાસનો સમાવેશ થાય છે.

તપાસ દરમિયાન કંપનીના સેલરી લેઝર એકાઉન્ટ, કર્મચારીઓને ચૂકવાયેલા પગાર, એજન્ટોને અપાયેલા કમિશન અને રોકાણકારોને આપવામાં આવેલા નફાની વિગતો પણ ચકાસવામાં આવી રહી છે. પોલીસ હવે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની મદદથી આરોપીઓના બેંક એકાઉન્ટ અને ટ્રાન્ઝેક્શનનું વિશ્લેષણ કરશે.

આ પણ વાંચો: સાણંદ નજીક LCBની મોટી કાર્યવાહી : ફોરચ્યુનરમાંથી ₹23.74 લાખનો વિદેશી દારૂ જપ્ત

RBI અને નાણાકીય નિયમન અંગે પણ તપાસ

તપાસમાં એક મહત્વનો મુદ્દો એ પણ સામે આવ્યો છે કે કંપની રાષ્ટ્રીયકૃત બેંકો અને ઔદ્યોગિક એકમો કરતાં વધુ વળતર આપતી હતી. હવે પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે શું આવી યોજનાઓ અંગે RBI અથવા અન્ય નાણાકીય નિયમનકારી સંસ્થાઓને કોઈ માહિતી હતી કે નહીં. આરોપીઓ દ્વારા આપવામાં આવતા ઊંચા રિટર્નના વચનો અને રોકાણ મોડલ કાયદેસર નાણાકીય વ્યવસ્થા હેઠળ આવતા હતા કે નહીં તે અંગે પણ તપાસ ચાલી રહી છે.

ઉદયપુરમાં યોજાતા વાર્ષિક સમારોહથી રોકાણકારોને લલચાવાતા

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કંપની દ્વારા રાજસ્થાનના ઉદયપુરમાં વાર્ષિક સમારોહ યોજવામાં આવતા હતા. આ કાર્યક્રમોમાં રોકાણકારોને મોટા નફા અને ઊંચા વળતરની રજૂઆતો કરીને નવા રોકાણ માટે પ્રોત્સાહિત કરવામાં આવતા હતા. તપાસકર્તાઓનું માનવું છે કે આવા કાર્યક્રમો દ્વારા રાજ્ય બહારથી પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હોઈ શકે છે. હવે અન્ય રાજ્યોમાં પણ ફરિયાદો અથવા રોકાણકારોની વિગતો બહાર આવવાની શક્યતા છે.

આ પણ વાંચો: અમદાવાદ LCB ની મોટી કાર્યવાહી : 12 પશુચોરી કેસનો આરોપી ઝડપાયો

વધુ ધરપકડ અને મોટી તપાસની શક્યતા

હાલ કુલ આરોપીઓમાંથી માત્ર બે લોકોની જ ધરપકડ થઈ છે. પોલીસ માને છે કે આ કેસમાં હજુ અન્ય એજન્ટો, નાણાકીય સહયોગીઓ અને કંપની સાથે જોડાયેલા લોકોની સંડોવણી બહાર આવી શકે છે. પોલીસે કોર્ટમાં જણાવ્યું હતું કે હાલ પકડાયેલા આરોપીઓની હાજરી અન્ય ફરાર આરોપીઓને શોધવા માટે જરૂરી છે. આરોપીઓના સંપર્કો અને પરિચિતોના આધારે વધુ દરોડા અને પૂછપરછ કરવામાં આવી શકે છે.

રોકાણકારોને સાવચેત રહેવાની અપીલ

આ કેસ બાદ ફરી એકવાર ઊંચા વળતર આપતી ખાનગી રોકાણ યોજનાઓ અંગે સવાલો ઊભા થયા છે. નાણાકીય નિષ્ણાતો લોકોને કોઈપણ રોકાણ કરતા પહેલા કંપનીની કાયદેસરતા, RBI અથવા SEBI જેવી સંસ્થાઓની મંજૂરી અને વાસ્તવિક વ્યવસાય મોડલ અંગે તપાસ કરવાની સલાહ આપી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now