Home Gujarat Shocking Incident In Surat 21 Year Old Girl Chases Away 17 Year Old Minorboy

પ્રેમ આંધળો હોય છે! : સુરતમાં ફરી એકવાર ચોંકાવનારો કિસ્સો: 21 વર્ષની યુવતી 17 વર્ષના સગીરને ભગાડી લાવી

પ્રેમ આંધળો હોય છે!
Published by: OBS Bureau
Last Updated: Mar 10, 2026, 01:29 PM IST

Surat News: કહેવાય છે કે 'પ્રેમ આંધળો હોય છે', પરંતુ જ્યારે આ પ્રેમ કાયદાની મર્યાદાઓ ઓળંગે ત્યારે તે ગંભીર વળાંક લે છે. સુરતમાં ફરી એકવાર આવી જ એક ઘટના સામે આવી છે જેણે સમાજ અને કાયદાકીય તંત્રને વિચારતા કરી દીધા છે. ઇન્સ્ટાગ્રામ પર પાંગરેલા પ્રેમે એક 21 વર્ષની યુવતીને એટલી ઘેલી કરી કે તે મધ્યપ્રદેશથી ગુજરાતના વીરપુરના એક 17 વર્ષના સગીરને ભગાડીને સુરત લઈ આવી.

ઇન્સ્ટાગ્રામ પર શરૂ થઈ હતી પ્રેમકહાની

આ સમગ્ર કિસ્સાના મૂળમાં સોશિયલ મીડિયા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, અંદાજે દોઢ વર્ષ પહેલા મધ્યપ્રદેશની 21 વર્ષીય યુવતી અને રાજકોટના વીરપુરના 17 વર્ષીય સગીર વચ્ચે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્ક થયો હતો. ધીમે-ધીમે આ વાતચીત પ્રેમમાં પરિણમી અને બંનેએ સાથે જીવવા-મરવાના કસમ ખાધા હતા.

લગ્ન નક્કી થઈ જતાં ઘર છોડ્યું

યુવતીના પરિવારે તેના લગ્ન અન્ય જગ્યાએ નક્કી કરી દેતા, તેણે પ્રેમી સાથે ભાગવાનો નિર્ણય કર્યો. બીજી તરફ, 6 માર્ચના રોજ સગીર પણ પોતાના ઘરે કોઈને કહ્યા વગર નીકળી ગયો હતો. સગીરના ગાયબ થવાથી તેના પરિવારે અપહરણની ફરિયાદ નોંધાવી હતી, પરંતુ જ્યારે હકીકત સામે આવી ત્યારે સૌ કોઈ સ્તબ્ધ રહી ગયા હતા.

સુરત રેલવે સ્ટેશન પર શી-ટીમની સતર્કતા

મુંબઈથી સુરત પહોંચેલા આ પ્રેમી પંખીડા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પર જનરલ વેઇટિંગ રૂમમાં બેઠા હતા. સુરત રેલવે પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.બી. મીઠાપરાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ કરી રહેલા વુમન એ.એસ.આઈ. મનિષા મધુકર અને તેમની શી-ટીમ (SHE Team)ની નજર આ બંને પર પડી. બંને ખૂબ જ ગભરાયેલી હાલતમાં જણાતા હતા. પોલીસને શંકા જતાં પૂછપરછ કરવામાં આવી અને અંતે સત્ય બહાર આવ્યું કે યુવતી સગીરને ભગાડીને લાવી હતી."

સુરતનો જૂનો કિસ્સો તાજો થયો...

આ ઘટનાએ ગત વર્ષના એ ચકચારી કિસ્સાની યાદ તાજી કરાવી દીધી છે, જેમાં સુરતની એક 23 વર્ષની મહિલા શિક્ષિકા પોતાના જ 11 વર્ષના વિદ્યાર્થીને ભગાડીને વડોદરા લઈ ગઈ હતી. તે કિસ્સામાં પણ ગંભીર ખુલાસા થયા હતા.શિક્ષિકા અને વિદ્યાર્થી વડોદરાના ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા.શિક્ષિકા સગીર વિદ્યાર્થી સાથે શારીરિક સંબંધ બાંધવા બદલ દોષિત ઠરી હતી. મેડિકલ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે શિક્ષિકા 5 માસની ગર્ભવતી હતી.

આવી ઘટનાઓ વારંવાર લાલબત્તી સમાન સાબિત થઈ રહી છે. ખાસ કરીને સગીર વયના બાળકોમાં સોશિયલ મીડિયાના વધતા પ્રભાવ અને કાયદાકીય જાણકારીના અભાવે આવા ગંભીર કિસ્સાઓ વધી રહ્યા છે. હાલમાં રેલવે પોલીસે બંનેને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now