Surat Pollution Story : સુરત શહેરમાં સતત વધી રહેલા વાયુ પ્રદૂષણના કારણે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. છેલ્લા એક અઠવાડિયાથી શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 200થી ઉપર નોંધાઈ રહ્યો છે, જે પ્રદૂષણ નિયંત્રણના નિયમોને અનુસરી ખૂબ જ નબળી કેટેગરી તરફ ઈશારો કરે છે. આ સ્થિતિ નાગરિકો ખાસ કરીને અસ્થમા સહિત શ્વાસની બીમારી ધરાવતા દર્દીઓ માટે ગંભીર જોખમરૂપ બની રહી છે. શહેરમાં શરદી, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ વધી રહી હોવાનું નોંધાઈ રહ્યું છે.
મંત્રી અર્જુન મોઢવાડિયાને પત્ર લખીને રજૂઆત કરી
આ વધતા પ્રદૂષણને લઈને ગુજરાત કોંગ્રેસ પ્રદેશના મહામંત્રી દર્શન નાયકે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાને પત્ર લખીને રજૂઆત કરી છે. પત્રમાં તેમણે હજીરા, પાંડેસરા સહિતના વિસ્તારોમાં આવેલા ઔદ્યોગિક એકમો પર નીતિ-નિયમોના ઉલ્લંઘનના આક્ષેપ લગાવ્યા છે. સાથે જ હવા પ્રદૂષણ બાબતે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશો, સરકારી ઠરાવો અને બંધારણીય ફરજોનું ઉલ્લંઘન થતું હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે.
'લાખો નાગરિકોના આરોગ્ય પર સીધી અસર પડી રહી છે'
દર્શન નાયકે કહ્યું છે કે, શાસક પક્ષની બેદરકારીના કારણે શહેરના લાખો નાગરિકોના આરોગ્ય પર સીધી અસર પડી રહી છે. હાલ હવામાં સલ્ફર ડાયોક્સાઈડ, નાઈટ્રોજન ડાયોક્સાઈડ, કાર્બન મોનોકસાઈડ અને એમોનિયા જેવા હાનિકારક રાસાયણિક ઘટકોનું પ્રમાણ ગંભીર સ્તરે પહોંચી ગયું છે, જે લાંબા ગાળે નાગરિકોના સ્વાસ્થ્ય માટે ખતરો બની શકે છે. નાયકે તાત્કાલિક પ્રજાહિતમાં પગલાં લેવા, પ્રદૂષણ માટે જવાબદાર વિભાગો અને ઔદ્યોગિક એકમો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.






