Home Gujarat Shock Body Of Young Man Found On Railway Tracks Near Vadodara Head And Body Found 10 Feet Away Police Investigation

ધડ એક તરફ અને માથું 10 ફૂટ દૂર : વડોદરા રેલવે ટ્રેક પર યુવકની ક્ષત-વિક્ષત મૃતદેહ મળતા ચકચાર, હત્યા કે આપઘાત એ રહસ્ય અકબંધ

ધડ એક તરફ અને માથું 10 ફૂટ દૂર
Published by: OBS Bureau
Last Updated: Feb 28, 2026, 09:38 AM IST

નંદેસરી રેલવે લાઈન પર ગુરુવારે રાત્રે એક કમકમાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. સાકરીયાપુરા રેલવે ફાટકથી અંદાજે 300 મીટર દૂર ટ્રેક પર એક યુવકનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ આ મામલો અત્યંત ગંભીર જણાઈ રહ્યો છે, કારણ કે ટ્રેક પર યુવકનું ધડ એક તરફ હતું અને તેનું માથું આશરે 10 ફૂટ જેટલા અંતરે ફેંકાયેલું મળી આવ્યું હતું. આ કરુણ ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.

પોલીસનો કાફલો ઘટનાસ્થળે: ઓળખ મેળવવા કવાયત

ઘટનાની વિગતો મુજબ, 26 ફેબ્રુઆરીની રાત્રે આશરે 8:30 વાગ્યાના સુમારે રેલવે કંટ્રોલ રૂમ દ્વારા નંદેસરી પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ નંદેસરી પોલીસના એએસઆઈ મૂળજીભાઈ આહિર સહિતની ટીમ તાત્કાલિક સાકરીયાપુરા રેલવે ટ્રેક પર પહોંચી ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કરી તપાસ શરૂ કરી હતી, પરંતુ મૃતક યુવક પાસેથી કોઈ ઓળખપત્ર કે એવી વસ્તુ મળી નથી. જેનાથી તેની ઓળખ થઈ શકે. જેથી હાલ પોલીસ આસપાસના ગામો જેવા કે અનગઢ, ફાજલપુર અને સાકરીયાપુરામાં ગુમ થયેલા યુવકોની વિગતો તપાસી રહી છે.

હત્યા, આત્મહત્યા કે અકસ્માત? રહસ્ય અકબંધ

આ ઘટના પાછળનું સાચું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. યુવકે ચાલતી ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી છે કે પછી પાટા ઓળંગતી વખતે તે અકસ્માતનો ભોગ બન્યો છે, તે અંગે અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. જોકે, માથું અને ધડ વચ્ચેનું અંતર જોતા પોલીસ કોઈ પણ શક્યતાને નકારી રહી નથી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વડોદરાની સયાજી હોસ્પિટલ (SSG) ખાતે ખસેડવામાં આવ્યો છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ અને સમય જાણી શકાશે.

અફવાઓથી દૂર રહેવા પોલીસની અપીલ

નંદેસરી પોલીસે સ્થાનિકોને અપીલ કરી છે કે તપાસ ચાલુ હોવાથી સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો પર ફેલાતી અફવાઓ પર વિશ્વાસ ન કરવો. પોલીસ રેલવે કર્મચારીઓ અને આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચકાસી રહી છે જેથી ઘટનાના સમયે કઈ ટ્રેન પસાર થઈ હતી અને યુવક ત્યાં કેવી રીતે પહોંચ્યો તેની કડીઓ મળી શકે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now