સુરત જિલ્લામાં કોસંબા નજીક એક સનસનીખેજ ઘટના સામે આવી છે. હાઈવે કિનારે એક ટ્રોલી બેગમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળતાં ત્યાં ભારે ચકચાર મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ બેગ જોઈને શંકા જણાતા પોલીસને જાણ કરી, ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.
બે ફૂટની નાની ટ્રોલી બેગમાંથી મૃતદેહ મળ્યો
પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે, હત્યારાએ મહિલાના પગ બાંધીને અને તેને બેવડું વાળી માત્ર બે ફૂટની નાની ટ્રોલી બેગમાં મૃતદેહ ભરી દીધો હતો. આ દૃશ્ય જોઈને પોલીસે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. મહિલાના હાથ પર એક ટેટૂ દોરાયેલું હતું, જેના આધારે પોલીસે તેની ઓળખ જાણવા માટે તપાસ શરૂ કરી છે.
મોઢું દબાવી હત્યા કરી હોવાનું અનુમાન
પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ખાચરના જણાવ્યા અનુસાર, મહિલાનું મોઢું દબાવવાથી ગૂંગળામણના કારણે મોત થયું હોવાનું અનુમાન છે. જોકે, મોતનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ (PM રિપોર્ટ) મળ્યા બાદ જ તેની પુષ્ટિ થઈ શકશે.
પોલીસે તપાસ હાથધરી
હાલ પોલીસ ટીમ મહિલાની ઓળખ, હત્યાનું કારણ અને સંભવિત આરોપી સુધી પહોંચવા માટે વિવિધ દિશામાં તપાસ કરી રહી છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઈ મચી છે અને લોકોમાં ભયનું વાતાવરણ છે.






