અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલી ESIC (એમ્પ્લોયી સ્ટેટ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન) જનરલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. દર્દીઓને પીરસવામાં આવતા ભોજનમાંથી જીવાત નીકળવાની ઘટનાએ હોસ્પિટલ વ્યવસ્થાપન સામે પ્રશ્નો ઉભા કર્યા છે અને દર્દીઓમાં ભારે રોષ ફેલાયો છે.
ખીચડીમાંથી જીવાત નીકળતા મચ્યો હંગામો
મળતી માહિતી મુજબ, 320 બેડની આ હોસ્પિટલમાં રોજબરોજ સરેરાશ 180 થી 200 દર્દીઓ દાખલ રહે છે. દરરોજની જેમ દર્દીઓને પાલકની ભાજી, ખીચડી અને રોટી પીરસવામાં આવી હતી. પરંતુ ખીચડીમાં જીવાત (ઇયળો) જોવા મળતા દર્દીઓ ગભરાઈ ગયા અને તેમણે જમવાનું લેવાનું ઇનકાર કરી દીધું. બાબુભાઈ પરમાર (ગોમતીપુર), વિજયાબેન દવે (નિકોલ) અને અશોકભાઈ જાદવ (મેમકો) સહિતના દર્દીઓના ભોજનમાં જીવાત જોવા મળ્યાનું સામે આવ્યું છે.
આ ઘટનાની જાણ થતાં ગોમતીપુર વોર્ડના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ઈકબાલ શેખ હોસ્પિટલ પહોંચ્યા હતા અને CMO તથા નાઈટ સુપરિન્ટેન્ડન્ટને મૌખિક ફરિયાદ કરી હતી. ઉપરાંત, તેમણે કેન્દ્રના શ્રમ મંત્રી મનસુખ માંડવીયા, મેડિકલ કમિશનર (વેસ્ટ ઝોન) અને ESICના રિજનલ ડાયરેક્ટરને લેખિતમાં ફરિયાદ પણ કરી છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અમદાવાદ બાપુનગર વિસ્તારમાં આવેલી ESIC હોસ્પિટલમાં ખાદ્ય સામગ્રી કોન્ટ્રાક્ટર દ્વારા સપ્લાય કરવામાં આવે છે અને કિચનની જવાબદારી નિર્ધારિત અધિકારી પાસે છે. તેમ છતાં, બેદરકારી સામે કડક કાર્યવાહી ન થતી હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે.
આ મામલે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી, કિચન વ્યવસ્થામાં પારદર્શિતા અને નિયમિત ચકાસણી જેવી માંગણીઓ ઉઠી છે. દર્દીઓના આરોગ્ય સાથે કોઈપણ બેદરકારી સહન ન કરવામાં આવે તે જરૂરી બન્યું છે.






