Share Market Crash: ભારતીય શેરબજારમાં આજે જાણે ભૂકંપ આવ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધના ભણકારા અને વૈશ્વિક દબાણને કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં સુનામી જેવો કડાકો જોવા મળ્યો છે. મંગળવારે ટ્રેડિંગના અંતે સેન્સેક્સ અંદાજે 1500 પોઈન્ટ અને નિફ્ટી 400થી વધુ પોઈન્ટ ગગડ્યા છે. આ તેજ વેચવાલીના કારણે રોકાણકારોની સંપત્તિમાં એક જ દિવસમાં 11 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે. માત્ર લાર્જકેપ જ નહીં, પરંતુ મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ ભારે વેચાણ જોવા મળ્યું હતું, જેના કારણે સામાન્ય રોકાણકારોને મોટો ફટકો પડ્યો છે.
વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો, અમેરિકા અને ઈરાન વચ્ચે ફરીથી જંગ શરૂ થવાના સંકેતો અને કાચા તેલના વધતા ભાવે બજારનો મૂડ બગાડ્યો છે. બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈંધણ અને સોનાના વપરાશ અંગે કરેલી અપીલની અસર બીજા દિવસે પણ બજાર પર વર્તાઈ હતી. રુદ્ર સ્વરૂપ ધારણ કરનારા બજારમાં આઈટી (IT) સેક્ટર સૌથી વધુ પટકાયું હતું, જ્યારે રૂપિયો પણ ડોલરની સામે તેના ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચી ગયો છે.
રોકાણકારોના 11 લાખ કરોડ સાફ: માર્કેટ કેપમાં મોટો ઘટાડો
શેરબજારમાં આવેલી આ સુનામીના કારણે BSE (બોમ્બે સ્ટોક એક્સચેન્જ) પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ 467 લાખ કરોડથી ઘટીને 456 લાખ કરોડ રૂપિયા પર આવી ગયું છે. એટલે કે રોકાણકારોના 11 લાખ કરોડ રૂપિયા પળવારમાં સાફ થઈ ગયા. સેન્સેક્સના ટોપ-30 શેરોમાંથી માત્ર 3 શેરો જ માંડ ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા, જ્યારે બાકીના 27 શેરો લાલ નિશાન નીચે પટકાયા હતા. અદાણી પોર્ટ્સ, TCS, ટેક મહિન્દ્રા અને HCL ટેક જેવા દિગ્ગજ શેરોમાં સૌથી વધુ ગાબડા પડ્યા હતા.
બજારમાં કડાકા પાછળના મુખ્ય કારણો
1. કાચા તેલના ભાવમાં ભડકો: બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો ભાવ 2.45% વધીને 106.75 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયો છે. ભારત માટે કાચું તેલ મોંઘું થવું એટલે મોંઘવારી વધવી અને કંપનીઓના પ્રોફિટ માર્જિનમાં ઘટાડો થવો, જે માર્કેટ માટે નેગેટિવ સાબિત થયું.
2. ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન અને યુદ્ધનો ભય: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના યુદ્ધવિરામને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે સ્થિતિ અત્યંત નાજુક છે. જો હોર્મુઝ સ્ટ્રેટ લાંબા સમય સુધી બ્લોક રહેશે તો વૈશ્વિક તેલ સપ્લાય ખોરવાઈ શકે છે, જેની બીકે રોકાણકારોએ પ્રોફિટ બુકિંગ શરૂ કર્યું.
3. IT સેક્ટરમાં ઓપન-એઆઈ (OpenAI) નો ફાળકો: આઈટી ઈન્ડેક્સમાં 3.70% નો ઘટાડો નોંધાયો છે. OpenAI એ એઆઈ (AI) ડેપ્લોયમેન્ટ માટે નવી કંપની શરૂ કરવાની જાહેરાત કરી છે, જેના કારણે પરંપરાગત આઈટી કંપનીઓના બિઝનેસ મોડલ સામે જોખમ ઊભું થવાની બીકે આઈટી શેરોમાં હેવી સેલિંગ થયું.
4. પીએમ મોદીની અપીલની અસર: વડાપ્રધાન મોદીએ ભારતીયોને આગામી એક વર્ષ માટે સોનાની ખરીદી ન કરવા અને ઘરેથી કામ (Work from Home) કરવા વિનંતી કરી છે. આ અપીલને કારણે જ્વેલરી શેરો અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં સતત બીજા દિવસે વેચવાલી જોવા મળી હતી.
આ પણ વાંચો: Gold Silver Price Today : PM ની અપીલ બાદ સોના-ચાંદીના માર્કેટમાં સતત કડાકો, જાણો આજનો લેટેસ્ટ દર
રૂપિયો 95.63ના રેકોર્ડ સ્તરે પટકાયો
શેરબજારના કડાકાની સાથે ચલણ બજારમાં પણ હાહાકાર મચ્યો છે. ડોલર સામે રૂપિયો 35 પૈસા તૂટીને 95.63 ના ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચી ગયો છે. કાચા તેલના વધતા ભાવ અને વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય બજારમાંથી નાણાં ખેંચવાને કારણે રૂપિયા પર ભારે દબાણ જોવા મળી રહ્યું છે.





