Senior journalist Sameer Shukla reports from America
કેન્સાસ સિટી (યુ.એસ.): ગત 25 એપ્રિલ, 2026ના રોજ કેન્સાસ સિટીમાં એક એવી સાંજ સર્જાઈ જે વર્ષો સુધી અહીંના સંગીતપ્રેમીઓના હૃદયમાં અંકિત રહેશે. ભારતીય સંગીત જગતની સુપ્રસિદ્ધ ત્રિપુટી શંકર અહેસાન લોય એ પોતાની ઇલેક્ટ્રિફાઇંગ પર્ફોર્મન્સથી કેન્સાસ સિટીને મંત્રમુગ્ધ કરી દીધું હતું. 3000 થી વધુ પ્રેક્ષકોની જનમેદની વચ્ચે આ શો સંપૂર્ણપણે 'હાઉસફુલ' રહ્યો હતો.
ભક્તિ અને સંગીતનો અદભૂત સંગમ
કાર્યક્રમની શરૂઆત અત્યંત પવિત્ર વાતાવરણમાં થઈ હતી. શંકર મહાદેવનના શક્તિશાળી અવાજમાં જ્યારે 'ગણેશ વંદના' અને ત્યારબાદ શિવ તાંડવ સ્તોત્રમ'ગુંજી ઉઠ્યું, ત્યારે આખું ઓડિટોરિયમ ભક્તિમય બની ગયું હતું.
શાસ્ત્રીય સંગીત અને આધુનિક લયના મિશ્રણે શ્રોતાઓને ખુરશી પરથી ઉભા થઈ ઝૂમવા મજબૂર કર્યા હતા.
બોલિવૂડ હિટ્સની રમઝટ
શાસ્ત્રીય પ્રસ્તુતિ બાદ, આ ત્રિપુટીએ તેમના સુપરહિટ બોલિવૂડ ગીતોની હારમાળા સર્જી હતી. 'કલ્ હો ના હો', 'દિલ ચાહતા હૈ' થી લઈને લેટેસ્ટ હિટ્સ સુધીના ગીતોએ યુવાઓથી લઈને વડીલો સુધી સૌને ડોલાવ્યા હતા. તેમની એનર્જી જોઈને એવું લાગતું જ નહોતું કે તેઓ સતત 12 શહેરોમાં ટૂર કરી રહ્યા છે.
કલાકારોની સાદગી અને નમ્રતા
આ કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા એ હતી કે વૈશ્વિક સ્તરે આટલી મોટી નામના ધરાવવા છતાં, શંકર, અહેસાન અને લોય અત્યંત ડાઉન-ટુ-અર્થ જોવા મળ્યા હતા. તેમણે પ્રેક્ષકો સાથે સીધો સંવાદ સાધ્યો અને કેન્સાસ સિટીના ઉત્સાહના ભારોભાર વખાણ કર્યા હતા.
આ પણ વાંચો: વોશિંગ્ટન હિલ્ટન હોટલનો ઇતિહાસ : વ્હાઇટ હાઉસ ડિનર અને 1981ની તે ભયાનક ઘટના
આ મ્યુઝિકલ શોનું આયોજન જીગર બારોટે કર્યુ હતું જેમણે RK entertainment ના બેનર હેઠળ તેનું સફળતાપૂર્વક સંચાલન કર્યું. ખાસ બાબત એ રહી કે શોમાં માત્ર ભારતીયો જ નહીં, પરંતુ સ્થાનિક અમેરિકન સંગીતપ્રેમીઓ પણ ભારતીય શાસ્ત્રીય સંગીત અને ફ્યુઝનનો આનંદ લેતા જોવા મળ્યા હતા.
આ સાંજ માત્ર એક કોન્સર્ટ નહોતી, પરંતુ ભારતીય કલા અને સંસ્કૃતિનો વિજય ઉત્સવ હતો. કેન્સાસ સિટીના આંગણે ખરેખર એક અનફર્ગેટેબલ મેજિક સર્જાયું!





