Home Gujarat Severe Shortage Of Cooking Gas In Surat Stoves In Homes Are Burnt Workers Migrate To Their Hometowns In Mas

સુરતમાં રાંધણ અને કોમર્શિયલ ગેસની કમઠાણ : ઘરના ચૂલા ઠર્યા, શ્રમિકોનું વતન તરફ સામૂહિક પલાયન

સુરતમાં રાંધણ અને કોમર્શિયલ ગેસની કમઠાણ
Published by: OBS Bureau
Last Updated: Mar 16, 2026, 01:26 PM IST

Surat News: 'સોનાની મુરત' ગણાતા સુરત શહેરમાં હાલમાં રાંધણ અને કોમર્શિયલ ગેસની ભારે કમઠાણ જોવા મળી રહી છે. ગેસના બાટલાઓની તીવ્ર અછતને કારણે શહેરના શ્રમજીવી પરિવારોની હાલત કફોડી બની છે. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે હજારો શ્રમિકોએ હવે સુરત છોડીને પોતાના વતન તરફ પલાયન કરવાનું શરૂ કરી દીધું છે.

કાળાબજારનો ભરડો: ચાર ગણા ભાવ છતાં ગેસ અદ્રશ્ય

બજારમાં ગેસની અછતનો ફાયદો ઉઠાવી કાળાબજારિયાઓ સક્રિય થયા છે. મળતી માહિતી મુજબ, કાળાબજારમાં ગેસના ભાવ ચાર ગણા વસૂલવામાં આવી રહ્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે, આટલો ઊંચો ભાવ ચૂકવવા તૈયાર હોવા છતાં પણ લોકોને સમયસર ગેસનો બાટલો મળી રહ્યો નથી. સામાન્ય શ્રમજીવી જેની રોજની કમાણી મર્યાદિત છે, તેના માટે આટલો મોંઘો ગેસ ખરીદવો અશક્ય બની ગયો છે.

ઘરનો ચૂલો બંધ થતાં ખાવાના ફાંફા

ગેસ ન મળવાને કારણે અનેક શ્રમિકોના ઘરમાં રસોઈ બનતી બંધ થઈ ગઈ છે. વતન તરફ જઈ રહેલા શ્રમિકોએ પોતાનું દર્દ ઠાલવતા જણાવ્યું હતું કે બહારથી તૈયાર જમવાનું લાવવું આર્થિક રીતે પોષાય તેમ નથી. જે શ્રમિકો ભાડાના મકાનમાં રહે છે, તેમને મકાન માલિકો લાકડાનો ચૂલો સળગાવવાની મંજૂરી આપતા નથી, જેના કારણે તેમની પાસે ભૂખ્યા રહેવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. એક પલાયન કરી રહેલો શ્રમિકે જણાવ્યું હતું કે ગેસ વગર રસોઈ કેવી રીતે કરવી? હોટલનું ખાવાનું મોંઘું પડે છે અને મકાન માલિક ધુમાડાના બીકે ચૂલો સળગાવવા દેતા નથી. અંતે ભૂખે મરવા કરતા વતન જવું જ બહેતર છે."

ઝારખંડ અને બિહાર તરફ માનવ મહેરામણ ઉમટ્યો

સુરતના ઉધના, પાંડેસરા અને લિંબાયત જેવા શ્રમિક બહુલ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઝારખંડ, બિહાર અને ઉત્તર પ્રદેશ તરફ રવાના થઈ રહ્યા છે. રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર પરપ્રાંતીય શ્રમિકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ લોકોએ ભારે હૈયે સુરત છોડવાનો નિર્ણય લીધો છે કારણ કે શહેરના 'મોંઘા' ગેસ સામે તેમની મજૂરી ટૂંકી પડી રહી છે.

ઔદ્યોગિક એકમો પર સંકટના વાદળો

શ્રમિકોના આ મોટા પાયે થઈ રહેલા પલાયનને કારણે સુરતના ટેક્સટાઈલ અને ડાઈંગ-પ્રિન્ટિંગ ઉદ્યોગોમાં ચિંતા વ્યાપી ગઈ છે. જો આ જ રીતે કારીગરો પલાયન કરતા રહેશે, તો આગામી દિવસોમાં ઉદ્યોગોમાં કારીગરોની મોટી અછત સર્જાશે. ઉત્પાદન પ્રક્રિયા પર માઠી અસર પડશે. મોટા ઓર્ડરો સમયસર પૂરા કરવા મુશ્કેલ બનશે. સુરતની અર્થવ્યવસ્થાનો મુખ્ય સ્તંભ ગણાતા શ્રમિકો જો આ રીતે અછતને કારણે શહેર છોડશે, તો તેની લાંબા ગાળાની અસર શહેરના વેપાર પર જોવા મળી શકે છે. તંત્ર દ્વારા ગેસનો પુરવઠો વહેલી તકે રાબેતા મુજબ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now