Home Gujarat Serious Negligence Of The Electricity Department In Vadodara

વડોદરામાં વીજ વિભાગની ગંભીર બેદરકારી! : કરંટ લાગતાં વીજકર્મી ગંભીર રીતે ઇજાગ્રસ્ત

વડોદરામાં વીજ વિભાગની ગંભીર બેદરકારી!
Published by: OBS Bureau
Last Updated: Jan 28, 2026, 10:29 AM IST

વડોદરા શહેરમાં વીજ વિભાગની ગંભીર બેદરકારીનો વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અટલાદરા–પાદરા રોડ પર મરામતની કામગીરી દરમિયાન એક વીજકર્મીને ભારે કરંટ લાગતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અને વીજ પોલ પર લટકી પડ્યો હતો. ઘટનાને કારણે વિસ્તારમાં થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

કરંટ લાગતાં વીજકર્મી ગંભીર રીતે ઇજાગ્રસ્ત

મળતી માહિતી અનુસાર, અટલાદરા–પાદરા રોડ પર આવેલા વીજ પોલ પર ટેકનિકલ ખામી દૂર કરવા માટે વીજ વિભાગના કર્મચારીને મોકલવામાં આવ્યો હતો. મરામતની પ્રક્રિયા દરમિયાન કર્મચારી વીજ પોલ પર ચડીને કામ કરી રહ્યો હતો. જોકે, કામગીરી શરૂ કરતા પહેલા લાઇન બંધ કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું હતું, પરંતુ હકીકતમાં વીજ લાઇન ચાલુ હોવાને કારણે અચાનક વીજકર્મીને ભારે કરંટ લાગ્યો હતો. કરંટ લાગતાની સાથે જ વીજકર્મી પોલ પરથી લટકી ગયો હતો. આસપાસના લોકો અને સહકર્મચારીઓએ તાત્કાલિક દોડધામ કરીને તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર હાલતમાં વીજકર્મીને નીચે ઉતારી તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ તેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે અને ડોક્ટરોની ટીમ દ્વારા સતત સારવાર આપવામાં આવી રહી છે.

કાર્યપ્રણાલી અને સુરક્ષા વ્યવસ્થાઓ પર પ્રશ્નચિહ્ન

આ ઘટનાએ ફરી એકવાર વીજ વિભાગની કાર્યપ્રણાલી અને સુરક્ષા વ્યવસ્થાઓ પર પ્રશ્નચિહ્ન ઉભું કર્યું છે. મરામત જેવી જોખમી કામગીરી દરમિયાન લાઇન બંધ કરવાની મૂળભૂત પ્રક્રિયાનું પાલન ન થવું ગંભીર બેદરકારી ગણાઈ રહી છે. સ્થાનિક રહીશો અને કર્મચારી સંઘ દ્વારા પણ આ મામલે ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે વીજ વિભાગ દ્વારા ઘણીવાર યોગ્ય સુરક્ષા સાધનો વિના કર્મચારીઓને કામ પર ઉતારવામાં આવે છે, જેના કારણે આવા અકસ્માતો બનતા રહે છે. અગાઉ પણ વડોદરા શહેરમાં વીજકર્મીઓને કરંટ લાગવાના બનાવો સામે આવી ચૂક્યા છે, છતાં વિભાગ દ્વારા કોઈ કડક પગલાં લેવામાં આવતા નથી. આ ઘટના બાદ વીજ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસના આદેશ આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જો તપાસમાં બેદરકારી સાબિત થશે તો જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now