Home Gujarat Serious Accident Involving A Travel Bus On Nh 48 In Vadodara 2

વડોદરામાં NH-48 પર ટ્રાવેલ્સ બસનો ગંભીર અકસ્માત, 2ના મોત : બ્રિજ પર ઉભેલી ટ્રક સાથે બસ અથડાઈ, મુસાફરો લોહીલુહાણ

વડોદરામાં NH-48 પર ટ્રાવેલ્સ બસનો ગંભીર અકસ્માત, 2ના મોત
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 30, 2026, 07:19 AM IST

વડોદરા જિલ્લાના કરજણ નજીક NH-48 પર વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઔરંગાબાદથી અમદાવાદ તરફ જઈ રહેલી જય ખોડિયાર ટ્રાવેલ્સની ખાનગી લક્ઝરી બસ કરજણના ધાવટ ચોકડી પાસે આવેલા બ્રિજ પર સાઇડમાં ઉભેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બસનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો.

ભારે જહેમત બાદ મુસાફરોને બહાર કાઢ્યા

બસમાં સવાર 25થી વધુ મુસાફરો અકસ્માત બાદ અંદર ફસાઈ ગયા હતા, જ્યારે અનેક મુસાફરો લોહીલુહાણ હાલતમાં રોડ પર બેસેલા જોવા મળ્યા હતા. અકસ્માતની જાણ થતા આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. ઘટનાની માહિતી મળતાની સાથે જ કરજણ ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ફાયરના જવાનોએ બસમાં જઈ ભારે જહેમત બાદ મુસાફરોને બહાર કાઢ્યા હતા.

બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા

બસમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવા માટે ફાયર કર્મચારીઓએ સ્ટ્રેચરની લપસણી બનાવી મૃતદેહોને બહાર કાઢ્યા હતા. ફાયર વિભાગની ટીમે દોઢ કલાકની સતત મહેનત બાદ તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢ્યા હતા. આ ગંભીર અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 10 મુસાફરો ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. અકસ્માત બાદ NH-48 પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી. સમગ્ર ઘટના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now