Second Hand Car Tips: બદલાતા સમયની સાથે પરિસ્થિતિઓ પણ બદલાઈ ગઈ છે. AIના યુગમાં દરેક વ્યક્તિને સુખ-સુવિધાઓ જોઈએ છે. એવામાં દરેક મીડલ ક્લાસ વ્યક્તિનું સપનું હોય છેકે, તેની પાસે પણ એક સરસ મજાની કાર હોય. જેમાં તે પોતાના પરિવારને લઈને હરવા-ફરવા લઈ જઈ શકે. પરંતુ નવી કારની કિંમતો વધારે હોવાથી દરેક વ્યક્તિ તેને ખરીદી નથી શકતું. ત્યારે સેકન્ડ હેન્ડ કાર મીડલ ક્લાસ માટે બેસ્ટ ઓપ્શન બની ગઈ છે.
લાખો લોકો એવા હશે જેમણે તેમના જીવનની સૌથી પહેલીવાર સેકન્ડ હેન્ડ કાર જ ખરીદી હશે. અને એમાં કંઈ ખોટું પણ નથી. જો ઓછી કિંમતમાં સારી કંડીશનમાં ગાડી મળતી હોય તો વધારે રૂપિયા ખર્ચવાની ક્યાં જરૂર છે. શું તમે પણ સેકન્ડ હેન્ડ કાર ખરીદવાનું વિચારી રહ્યાં છો? જો તમારો જવાબ હાં હોય તો તમારે બે મિનિટનો સમય કાઢીને આ આર્ટિકલ વાંચવો જ જોઈએ. કારણકે, જો સેક્ન્ડ હેન્ડ કાર એટલે કે, જૂની ગાડી ખરીદતી વખતે તમે નીચે દર્શાવેલી 10 બાબતો પ્રોપર રીતે નહીં ચકાસો તો તમારા લાખો રૂપિયા પાણીમાં પડી જશે. લાખો રૂપિયાના નુકસાનથી બચવું હોય તો એકવાર જરૂર વાંચી લેજો આ ખાસ માહિતી.
ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સેકન્ડ હેન્ડ કાર માર્કેટ ઝડપથી વધ્યું છે. નવા વાહનોની વધતી કિંમતો અને ઝડપી ડિપ્રેશિયેશનને કારણે ઘણા લોકો હવે પ્રી-ઓન્ડ કાર તરફ વળી રહ્યા છે. પરંતુ ઓછા ખર્ચે કાર ખરીદવાનો આ નિર્ણય જો યોગ્ય તપાસ વિના લેવાય તો તે ભારે નુકસાનનું કારણ બની શકે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, સેકન્ડ હેન્ડ કાર ખરીદવી માત્ર સસ્તું વિકલ્પ નથી, પરંતુ તે માટે યોગ્ય તપાસ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન અનિવાર્ય છે.
આ પણ ખાસ વાંચોઃ દુનિયામાં પહેલાં મરઘી આવી કે ઇંડું? વર્ષો જૂનો કોયડો ઉકેલાયો : પૂરાવા સાથે મળી ગયો છે સાચો જવાબ, જાણીને તમારું ચકરાઈ જશે મગજ
સૌથી મહત્ત્વની બાબતોઃ
વાહન બજારમાં આવી રહેલા ઠગાઈના કેસોને ધ્યાનમાં રાખીએ તો, ખરીદદારે માત્ર કારની બહારની હાલત જોઈને નિર્ણય લેવો જોખમી બની શકે છે. કારનું મિકેનિકલ સ્ટેટસ, લીગલ ડોક્યુમેન્ટ્સ, સર્વિસ હિસ્ટ્રી અને માલિકી સંબંધિત વિગતોની સંપૂર્ણ તપાસ કરવી જરૂરી છે.
ડોક્યુમેન્ટ ચેકઃ
સેકન્ડ હેન્ડ કાર ખરીદતી વખતે સૌથી પહેલા કારના મૂળ ડોક્યુમેન્ટ્સ ચકાસવા જોઈએ. તેમાં મુખ્યત્વે રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC), ઈન્સ્યોરન્સ પેપર, પોલ્યુશન અંડર કંટ્રોલ (PUC) સર્ટિફિકેટ અને રોડ ટેક્સની રસીદનો સમાવેશ થાય છે. RCમાં દર્શાવેલ એન્જિન નંબર અને ચેસિસ નંબર કાર સાથે મેળ ખાતા હોવા જોઈએ.
લીગલ વેરિફિકેશનઃ
માત્ર ડોક્યુમેન્ટ્સ હોવા પૂરતા નથી, પરંતુ તે લીગલ રીતે ક્લીન છે કે નહીં તે પણ ચકાસવું જરૂરી છે. ઘણીવાર વાહન પર લોન બાકી હોય છે, જેના કારણે ખરીદદારે આગળ જઈને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તેથી બેંકનો NOC (No Objection Certificate) લેવો અનિવાર્ય છે.
કારની હાલત બહારથી નહીં, અંદરથી તપાસોઃ
કારની બોડી, પેઇન્ટ અને રસ્ટની સ્થિતિ તેની વાસ્તવિક હાલત બતાવે છે. જો કારમાં મોટા રસ્ટ પેચ અથવા રિપેરના નિશાન હોય તો તે અકસ્માતગ્રસ્ત હોઈ શકે છે. આ ઉપરાંત, એન્જિન બેય તપાસવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે. એન્જિનમાં ઓઇલ લીકેજ, અસામાન્ય અવાજ અથવા વધારે વાયબ્રેશન હોય તો તે ગંભીર ખામીનું સંકેત છે. ઓડોમીટર રીડિંગ અને સર્વિસ રેકોર્ડ પણ મહત્વપૂર્ણ છે. ઘણીવાર ઓડોમીટર સાથે ચેડાં કરાય છે, તેથી સર્વિસ હિસ્ટ્રી સાથે ક્રોસ ચેક કરવું જરૂરી બને છે.
આ પણ વાંચોઃ સરકારની નવી યોજનાથી ઘટશે ફ્યુઅલનો ખર્ચ! : જાણો ફ્લેક્સ ફ્યુઅલ તમારી કાર માટે કેટલું યોગ્ય છે
ટેસ્ટ ડ્રાઇવઃ
ટેસ્ટ ડ્રાઇવ વિના સેકન્ડ હેન્ડ કાર ખરીદવી સૌથી મોટી ભૂલ ગણાય છે. ઓછામાં ઓછા 5 કિલોમીટર સુધી વિવિધ રસ્તાઓ પર કાર ચલાવી તેની સ્ટીયરિંગ, બ્રેકિંગ, સસ્પેન્શન અને એન્જિન પર્ફોર્મન્સ ચકાસવું જોઈએ. જો ડ્રાઇવિંગ દરમિયાન અજીબ અવાજ, વાઇબ્રેશન અથવા બ્રેકમાં સમસ્યા જણાય તો તે કાર ખરીદવી ટાળવી જોઈએ. નિષ્ણાતો અનુસાર, ટેસ્ટ ડ્રાઇવ કારની વાસ્તવિક હાલત વિશે સૌથી સ્પષ્ટ માહિતી આપે છે.
ટોટલ ઓનરશિપ કોસ્ટઃ
ઘણા લોકો માત્ર કારની ખરીદી કિંમત જ જુએ છે, પરંતુ હકીકતમાં ખર્ચ અહીંથી શરૂ થાય છે. ઈન્સ્યોરન્સ, સર્વિસિંગ, ફ્યુઅલ અને સ્પેર પાર્ટ્સ બધું મળીને કારના વાર્ષિક ખર્ચને અસર કરે છે. મિડલ ક્લાસ માટે આ લાંબા ગાળાનો ખર્ચ સમજવો જરૂરી છે.ઉદાહરણ તરીકે, જૂની ડીઝલ કાર સસ્તી લાગી શકે છે, પરંતુ તેની મેન્ટેનન્સ અને સર્વિસિંગ ખર્ચ વધુ હોઈ શકે છે. જ્યારે પેટ્રોલ કાર સામાન્ય રીતે ઓછી જાળવણી માંગે છે. એટલે ખરીદી પહેલા કારનો “ટોટલ ઓનરશિપ કોસ્ટ” ગણવો ખૂબ જરૂરી બને છે.
બજેટ ચેક કરવુંઃ
સેકન્ડ હેન્ડ કાર ખરીદતા પહેલા પોતાની જરૂરિયાત અને બજેટ નક્કી કરવું સૌથી પ્રથમ પગલું છે.બને ત્યાં સુધી મધ્યમ બજેટની જ કાર પસંદ કરવી. જેને કારણે સાવ સસ્તી પણ ના લાગે અને તમને વધારે મોંઘી પણ ના પડે. મીડલ રેન્જમાં તમારી મનપસંદ કાર મળી શકે.
ઠગાઈથી બચવા માટે શું ધ્યાન રાખવું?
ઓનલાઇન માર્કેટમાં વધતા ફ્રોડ કેસોને ધ્યાનમાં રાખીને, ખરીદદારે ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. કોઈ અજાણ્યા વેચનારને એડવાન્સ પૈસા આપવાથી બચવું જોઈએ અને કારની ફિઝિકલ તપાસ કર્યા વિના કોઈ ડીલ ફાઇનલ ન કરવી જોઈએ. આ ઉપરાંત, કારનો ઈતિહાસ (Accident history, ownership history) જાણવા માટે સરકારી પોર્ટલ અથવા વિશ્વસનીય એપ્લિકેશનનો ઉપયોગ કરવો જોઈએ. આથી વાહન સંબંધિત છુપાયેલી માહિતી બહાર આવી શકે છે. કોઈ અજાણ્યા પાસેથી લેવા કરતા કોઈ જાણીતી અને વિશ્વાસુ વ્યક્તિ પાસેથી કાર ખરીદવી વધુ હિતાવહ બની શકે.
આ પણ વાંચોઃ પેટ્રોલ-ડીઝલ નહીં, હવે ‘દારૂ’ થી ચાલશે કાર? : ‘E85’ માસ્ટરપ્લાન તૈયાર; જાણો-તમારા ખિસ્સા પર શું થશે અસર
ઓનલાઇન ડીલથી સાવધાનઃ
આજકાલ OLX, Facebook Marketplace જેવી પ્લેટફોર્મ પર ઘણી સસ્તી ડીલ જોવા મળે છે. પરંતુ ઘણી વખત આ ડીલ પાછળ ઠગાઈ છુપાયેલી હોય છે. કોઈ અજાણ્યા વ્યક્તિને એડવાન્સ પેમેન્ટ કરવું સૌથી મોટો જોખમ છે. ખરીદદારે હંમેશા કારને ફિઝિકલી જોઈને અને ડોક્યુમેન્ટ્સ ચકાસીને જ ડીલ ફાઇનલ કરવી જોઈએ. શક્ય હોય તો વિશ્વસનીય મિકેનિક અથવા જાણકાર વ્યક્તિ સાથે લઈ જવું વધુ સુરક્ષિત રહે છે.
મિડલ ક્લાસ માટે સ્માર્ટ પસંદગી કેવી હોવી જોઈએ?
મિડલ ક્લાસ માટે સેકન્ડ હેન્ડ કાર ખરીદતી વખતે બ્રાન્ડ કરતાં કન્ડિશન વધારે મહત્વપૂર્ણ છે. ઓછું ચલાવેલી, સિંગલ ઓનર કાર હંમેશા વધુ સારી માનવામાં આવે છે. ઉપરાંત, જાણીતા બ્રાન્ડની કારમાં સ્પેર પાર્ટ્સ સરળતાથી મળે છે અને મેન્ટેનન્સ ખર્ચ ઓછો રહે છે.નાની હેચબેક કાર સામાન્ય રીતે મિડલ ક્લાસ માટે બેસ્ટ વિકલ્પ છે, કારણ કે તે ફ્યુઅલ ઈફિશિયન્ટ અને સસ્તી જાળવણી ધરાવે છે. SUV અથવા મોટી કાર સસ્તી મળતી હોય તો પણ તેનો મેન્ટેનન્સ ખર્ચ ધ્યાનમાં લેવો જરૂરી છે.
કારનો ઉપયોગઃ
એ સવાલનો જવાબ પણ તમારા મનમાં એટલો જ ક્લિયર હોવો જોઈએ કે ગાડી લીધાં પછી તેનો ઉપયોગ કોણ અને કઈ રીતે કરવાનું છે. શું તમે ગાડી ખાલી શોખ માટે ખરીદી રહ્યાં છો? શું તમે ગાડી પરિવારને હરવા ફરવા માટે ખરીદી રહ્યાં છો? કે પછી તમે કારમાં રોજ ઓફિસ અપડાઉન કરવાના છો? કારનો ઉપયોગ શહેરમાં કરવો છે કે હાઇવે માટે, પેટ્રોલ કે ડીઝલ મોડેલ પસંદ કરવો, મેન્ટેનન્સ ખર્ચ કેટલો હશે, આ બધા મુદ્દા ધ્યાનમાં લેવાની જરૂર છે. સાચી યોજના વિના ખરીદેલી કાર પછી ભારે ખર્ચ અને અસંતોષનું કારણ બની શકે છે. તેથી ખરીદી પહેલાં સંશોધન અને તુલનાત્મક વિશ્લેષણ કરવું મહત્વપૂર્ણ છે.
સેકન્ડ હેન્ડ કાર ખરીદવી આર્થિક રીતે ફાયદાકારક હોઈ શકે છે, પરંતુ તે માટે યોગ્ય તપાસ અને સાવચેતી અનિવાર્ય છે. ડોક્યુમેન્ટ્સથી લઈને કારની હાલત અને ટેસ્ટ ડ્રાઇવ સુધી દરેક સ્ટેપ મહત્વપૂર્ણ છે. એક નાની ભૂલ તમને લાખોનું નુકસાન કરાવી શકે છે. કાર હંમેશા તમારી જરૂરિયાત મુજબ ખરીદવી જોઈએ. સાથે જ જો ઓછી કિંમતમાં સારી કંડિશનવાળી ગાડી મળતી હોય તો સેકન્ડ હેન્ડ કાર બેસ્ટ ઓપ્શન બની શકે છે.





