જંગલેશ્વર વિસ્તારમાં ચાલી રહેલું મેગા ડિમોલિશન ઓપરેશન બીજા દિવસે વધુ તેજ બન્યું છે. દોઢ મહિનાની પૂર્વ તૈયારી બાદ હાથ ધરાયેલું ઓપરેશન જંગલેશ્વર હવે અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. તંત્ર દ્વારા કુલ અંદાજે 300 પ્રોપર્ટી તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.
જંગલેશ્વરમાં ડિમોલિશનનો બીજો દિવસ
નદીના પટ્ટામાં ગેરકાયદેસર રીતે બનાવાયેલા ત્રણથી ચાર માળના પાકા મકાનો લોડ બેરિંગથી બનાવાયેલા હોવાથી માત્ર જેસીબીથી તોડી શકાય તેમ નહોતાં. તેથી ભારે મશીનરી તરીકે હિટાચી મશીનની મદદ લેવામાં આવી હતી. ધણધણતી શેરીઓમાં જેસીબી અને હિટાચીના ગર્જતા અવાજ વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી સતત ચાલી રહી છે.
140 પીએસઆઇ,1000 પોલીસ જવાન ખડેપગે
ડિમોલિશન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિશાળ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. 4 ડીસીપી, 17 એસીપી, 35 પીઆઇ, 140 પીએસઆઇ અને આશરે 1000 પોલીસ જવાનો ખડેપગે તૈનાત રાખવામાં આવ્યા છે. ઉપરાંત એસઆરપી અને એસએએફની 11 ટીમો, 3 ક્યુઆરટી તેમજ 22 પ્રિઝન યુનિટ પણ સ્થળ પર મુકવામાં આવી છે. SAF જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર કામગીરી પર નજર રાખવા માટે ત્રણ ડ્રોન ટીમોની મદદ લેવામાં આવી રહી છે.
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મહેશ જાનીએ જણાવ્યું હતું કે દબાણો દૂર કરી ખુલ્લી કરાયેલી આશરે 87,000 ચોરસ મીટર સરકારી જમીન પર તાત્કાલિક અસરથી નવો રોડ અને પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે.
આ મેગા ડિમોલિશનને લઈને વિસ્તારમાં ભારે ચર્ચા છે. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે નદીના પટ્ટામાં થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરી જાહેર હિતમાં વિકાસ કામો હાથ ધરવામાં આવશે.




















