દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહકો માટે મહત્વપૂર્ણ સૂચના સામે આવી છે. મે મહિનાના અંતમાં બેંકિંગ સેવાઓ પર મોટો પ્રભાવ પડી શકે છે, કારણ કે બેંક કર્મચારી સંઘોએ દેશવ્યાપી હડતાલની જાહેરાત કરી છે. આ હડતાલના કારણે સતત ચાર દિવસ સુધી શાખાઓ બંધ રહેવાની શક્યતા છે, જે ગ્રાહકો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
મળતી માહિતી મુજબ, ઓલ ઇન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સ્ટાફ ફેડરેશન દ્વારા 25 અને 26 મેના રોજ રાષ્ટ્રવ્યાપી હડતાલનું આહ્વાન કરવામાં આવ્યું છે. આ પહેલાં 23 મેના રોજ ચોથો શનિવાર અને 24 મેના રોજ રવિવાર હોવાથી બેંક પહેલેથી જ બંધ રહેશે. એટલે કુલ ચાર દિવસ સુધી સતત શાખાઓ બંધ રહેવાની સ્થિતિ સર્જાઈ શકે છે.
New ITR Form: લાગુ થયું નવું ITR ફોર્મ: હવે બે મકાન ધરાવતા માલિકોને મોટી રાહત, પરંતુ રિપોર્ટિંગના નિયમો થયા કડક
ક્યારે બંધ રહેશે બેંક?
મે મહિનાના અંતિમ સપ્તાહમાં બેંક બંધ રહેવાની સ્થિતિ આ પ્રમાણે રહેશે:
23 મે – ચોથો શનિવાર (રજા)
24 મે – રવિવાર (સાપ્તાહિક રજા)
25 મે – હડતાલ
26 મે – હડતાલ
આ રીતે સતત ચાર દિવસ સુધી શાખા સ્તરની સેવાઓ પ્રભાવિત થવાની શક્યતા છે. યુનિયન તરફથી એ પણ સંકેત આપવામાં આવ્યો છે કે જો આ દરમિયાન અન્ય કોઈ સરકારી રજા આવે તો હડતાલ 27 મે સુધી લંબાઈ શકે છે.
કર્મચારીઓની મુખ્ય માંગણીઓ શું?
હડતાલ પાછળ બેંક કર્મચારીઓની 16 મુદ્દાની માંગણીઓ છે. તેમાં મુખ્યત્વે સ્ટાફની અછત, પેન્શન વ્યવસ્થા અને આઉટસોર્સિંગ સામેનો વિરોધ સામેલ છે.
કર્મચારીઓનો દાવો છે કે બેંકમાં મેસેન્જર અને સુરક્ષા ગાર્ડ જેવી સહાયક જગ્યાઓ પર લાંબા સમયથી ભરતી બંધ છે, જેના કારણે કામનો બોજ વધી રહ્યો છે. સાથે જ નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)માં સુધારા અને પેન્શન ગણતરીમાં ભથ્થાઓ ઉમેરવાની માંગ કરવામાં આવી છે.
આ ઉપરાંત બેંકના કામોને ખાનગી એજન્સીઓને સોંપવાના (આઉટસોર્સિંગ) નિર્ણયનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે.
ખેડૂતોને પણ ભેટ: હવે 9,000 થશે PM કિસાન સન્માન નિધિ!: PM મોદીએ બંગાળમાં કરી હતી જાહેરાત
હડતાલ પહેલા દેશભરમાં પ્રદર્શન
યુનિયન દ્વારા હડતાલ પહેલા 5 મેથી 18 મે દરમિયાન દેશભરમાં પ્રદર્શન, સોશિયલ મીડિયા અભિયાન અને ધરણાં યોજવાની યોજના બનાવાઈ છે. ત્યારબાદ 19 મેના રોજ નાણાં મંત્રીને અને 21 મેના રોજ પ્રધાનમંત્રીને માંગણીઓનું મેમોરેન્ડમ સોંપવામાં આવશે.
જો આ દરમ્યાન કોઈ સમાધાન ન આવે તો 25-26 મેની હડતાલ અમલમાં આવશે.





