Home Business Stock Market Today 22 June 2026 Sensex Rises 350 Points Nifty Crosses 24100 Market Rally

ભારતીય શેરબજાર આજે લીલુંછમ : સેન્સેક્સમાં 350 પોઈન્ટના ઉછાળા સાથે ઓપનિંગ, IT અને રિલાયન્સના શેર ઘોડાની જેમ દોડ્યા

Stock Market Today
Published by: Nirali Gohil
Last Updated: Jun 22, 2026, 04:31 AM IST

Stock Market Update: ભારતીય શેરબજારે સપ્તાહની શરૂઆત મજબૂત નોંધ સાથે કરી છે. વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ ચર્ચાઓમાં પ્રગતિના સંકેતો મળતા રોકાણકારોની ભાવના મજબૂત બની છે, જેના પરિણામે સોમવારના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંનેએ સકારાત્મક શરૂઆત કરી હતી. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 350 પોઈન્ટથી વધુ ઉછળ્યો હતો જ્યારે નિફ્ટી 24,100ના મહત્વના સ્તરથી ઉપર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. બજારમાં વ્યાપક ખરીદી જોવા મળી હતી. નિફ્ટી મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ લગભગ 0.5 ટકાનો વધારો નોંધાયો હતો. રોકાણકારો દ્વારા ખાસ કરીને IT, બેન્કિંગ, ઓઈલ અને ગેસ તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રના શેરોમાં રસ દાખવાતા મોટાભાગના સેક્ટર ગ્રીન ઝોનમાં જોવા મળ્યા હતા.

IT અને ઓઈલ-ગેસ સેક્ટર બન્યા બજારના સ્ટાર

દિવસના પ્રારંભિક કારોબારમાં IT ઈન્ડેક્સમાં લગભગ 1 ટકાનો વધારો નોંધાયો હતો. ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા અને HCL ટેક્નોલોજીઝ જેવા શેરોમાં મજબૂત ખરીદી જોવા મળી હતી. બીજી તરફ BSE ઓઈલ અને ગેસ ઈન્ડેક્સમાં પણ નોંધપાત્ર તેજી જોવા મળી હતી, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, BPCL, GAIL અને IOC જેવા શેરોએ વધારો નોંધાવ્યો હતો. બ્રોકરેજ ફર્મ Jefferiesએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર 'Buy' રેટિંગ યથાવત રાખીને રૂ. 1,675નો ટાર્ગેટ આપ્યો છે. કંપનીના AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિટેલ અને ન્યૂ એનર્જી બિઝનેસ અંગેના સકારાત્મક દૃષ્ટિકોણને કારણે શેરમાં ખરીદી જોવા મળી હતી.

Jio IPO, Sun Pharma ડીલ અને મોટા ઓર્ડર્સે ખેંચ્યું ધ્યાન

કારોબાર દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સહાયક કંપની Jio Platforms દ્વારા SEBI સમક્ષ IPO માટે DRHP દાખલ કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી હતી. IPO દ્વારા એક્વિટી શેરોના ફ્રેશ ઈશ્યૂ મારફતે

ફંડ એકત્ર કરવાની યોજના છે. ફાર્મા સેક્ટરમાં Sun Pharmaએ Innovcare Lifesciencesના 100 ટકા શેર રૂ. 271.2 કરોડમાં ખરીદવાની જાહેરાત કરી હતી. આ સમાચાર બાદ રોકાણકારોની નજર ફાર્મા શેરો પર પણ રહી હતી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં Rail Vikas Nigam Limited (RVNL)ને રૂ. 2,977 કરોડનો મોટો ઓર્ડર મળ્યો છે, જ્યારે Power Mech Projectsને રૂ. 1,008.9 કરોડનો પ્રોજેક્ટ મળ્યો હોવાનું જાહેર થયું હતું. આ વિકાસોએ સંબંધિત શેરોમાં તેજી લાવી હતી.

આ પણ વાંચો: EPFO 3.0થી PF ઉપાડવું બનશે વધુ સરળ : એક ભૂલ થઈ તો લાગી શકે ભારે ટેક્સનો ફટકો, જાણો નવા નિયમો

બેન્કિંગ શેરોમાં પણ ખરીદી

નિફ્ટી બેન્ક ઇન્ડેક્સમાં પણ વધારો નોંધાયો હતો. HDFC Bank, ICICI Bank, Canara Bank અને SBI જેવા બેન્કિંગ શેરોમાં રોકાણકારોએ ખરીદી કરી હતી. બેન્કિંગ ક્ષેત્રની મજબૂતી બજારને સપોર્ટ આપતી જોવા મળી હતી. વિશ્લેષકોના મતે, નિફ્ટી માટે 24,000નું સ્તર ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ઇન્ડેક્સ આ સ્તર જાળવી રાખશે તો આગામી દિવસોમાં 24,200થી 24,500 સુધીનો ઉછાળો જોવા મળી શકે છે. જોકે 24,000ની નીચે સરકવાથી બજારમાં નફાવસૂલીનો દબાણ વધી શકે છે.

રોકાણકારો માટે શું મહત્વનું?

વૈશ્વિક રાજકીય પરિસ્થિતિમાં સુધારો, સ્થાનિક કોર્પોરેટ જાહેરાતો અને મજબૂત સેક્ટરલ ખરીદીના કારણે ભારતીય શેરબજારમાં સકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે. આગામી દિવસોમાં અમેરિકા-ઈરાન ચર્ચાઓ, વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવ અને કંપનીઓના કોર્પોરેટ અપડેટ્સ બજારની દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now