Home Gujarat Vadodara Savli Nagarpalika Evm Issue Vadodara Election

સાવલી નગરપાલિકા ચૂંટણીમાં ગરમાવો : વોર્ડ નં. 2 માં EVM માં ક્ષતિ સર્જાતા ભાજપનો હોબાળો, મતદાન અટવાયું!

Savli Election
Published by: Aryan Shah
Last Updated: Apr 26, 2026, 08:05 AM IST

Vadodara : વડોદરા જિલ્લાની સાવલી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આજે યોજાઈ રહેલા મતદાન દરમિયાન વોર્ડ નંબર 2 માં ભારે હોબાળો મચ્યો હતો. મતદાન મથક પર રાખવામાં આવેલા ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) માં ટેકનિકલ ખામી સર્જાતા અને ચોક્કસ ક્રમનું બટન ન દબાતા ભાજપના કાર્યકરોએ ઉગ્ર વિરોધ નોંધાવી મતદાન પ્રક્રિયા અટકાવી દીધી હતી.

શું છે સમગ્ર વિવાદ?

સાવલી નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે શરૂ થઈ હતી, પરંતુ થોડા સમય બાદ મતદારો અને એજન્ટોના ધ્યાને આવ્યું કે, EVM માં ત્રણ નંબરનું બટન દબાઈ રહ્યું નથી. આ બાબતની જાણ થતાં જ સાવલી ભાજપના સ્થાનિક કાર્યકરો અને આગેવાનો તાત્કાલિક મતદાન મથક પર એકઠા થઈ ગયા હતા. કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે, મશીનમાં ક્ષતિ હોવાને કારણે મતદારો પોતાના મનપસંદ ઉમેદવારને મત આપી શકતા નથી, જે લોકશાહીના પર્વમાં મોટી બેદરકારી છે.

આ પણ ખાસ વાંચો : Live Updates Gujarat Local Body Election 2026 : પહેલા મતદાન, પછી લગ્ન! ગુજરાત ચૂંટણીમાં જોવા મળ્યા અનોખા દ્રશ્યો

ધારાસભ્ય કેતન ઈનામદાર મેદાનમાં

ઘટનાની ગંભીરતા જોતાં સાવલીના લોકપ્રિય ધારાસભ્ય કેતન ઈનામદાર પણ તાત્કાલિક મતદાન મથક પર પહોંચી ગયા હતા. તેમણે સ્થિતિનો તાગ મેળવી તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી. ધારાસભ્યએ સ્થળ પર હાજર ચૂંટણી અધિકારીઓ અને પ્રાંત અધિકારીને આ બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી. તેમણે માંગ કરી હતી કે, જ્યાં સુધી ક્ષતિરહિત નવું મશીન મૂકવામાં ન આવે ત્યાં સુધી મતદાન પ્રક્રિયા આગળ વધારવી જોઈએ નહીં.

આ પણ ખાસ વાંચો : મતદાન કર્યા વગર જ પરત ફર્યા નિરાશ મતદારો! : વડોદરાના માંજલપુરની અંબે સ્કૂલમાં EVM ખોટકાયું, કલાકો સુધી મતદાન અટકતા મતદારોનો તંત્ર સામે આક્રોશ

હાલ પૂરતું મતદાન સ્થગિત

ભાજપના કાર્યકરો અને ધારાસભ્યની રજૂઆત બાદ, તંત્ર દ્વારા વોર્ડ નંબર 2 માં હાલ પૂરતું મતદાન બંધ કરી દેવામાં આવ્યું છે. આ અચાનક ઉભી થયેલી પરિસ્થિતિને કારણે મતદાન મથકની બહાર મતદારોની લાંબી લાઈનો જોવા મળી હતી અને વાતાવરણમાં ઉત્તેજના વ્યાપી ગઈ હતી.

આ પણ ખાસ વાંચો : વડોદરામાં દેખાયો લોકશાહીનો સાચો ઉત્સવ : ખાખીમાં માનવતાના દર્શન, અશક્ત મતદારો માટે દેવદૂત બની પોલીસ

વહીવટી તંત્રની દોડધામ

પ્રાંત અધિકારીએ આ મામલે ટેકનિકલ ટીમની મદદ લીધી છે અને નવું EVM મશીન ફાળવવાની તજવીજ હાથ ધરી છે. તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે, ખામી દૂર થયા બાદ જ મતદાન ફરી શરૂ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સાવલીમાં સવારથી જ ઉત્સાહપૂર્વક મતદાન થઈ રહ્યું હતું, પરંતુ વોર્ડ નંબર 2 ની આ ઘટનાએ વહીવટી તંત્રની તૈયારીઓ સામે પ્રશ્નાર્થ ચિહ્ન ઊભા કર્યા છે. હવે જોવાનું એ રહે છે કે, મતદાન ફરી ક્યારે શરૂ થાય છે અને ખોરવાયેલા સમયની ભરપાઈ કેવી રીતે કરવામાં આવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now