Pakistan Economic Crisis: પાકિસ્તાનની ડગમગતી અર્થવ્યવસ્થાને બચાવવા માટે સાઉદી અરેબિયા અને કતાર ફરી એકવાર 'તારણહાર' બનીને સામે આવ્યા છે. પાકિસ્તાનને આ બંને દેશો તરફથી અંદાજે 5 અબજ ડોલર (આશરે ₹46,500 કરોડ) ની નાણાકીય સહાય મળવાની આશા જાગી છે. આ મદદ એવા સમયે મળી રહી છે જ્યારે પાકિસ્તાન પર સંયુક્ત આરબ અમીરાત (UAE) ના ₹29,000 કરોડ પરત કરવાનું ભારે દબાણ છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે, UAE ની આ લોન ચૂકવવા માટે પાકિસ્તાન પાસે હવે માત્ર 11 દિવસનો સમય બાકી છે. જો આ સમયગાળામાં પેમેન્ટ નહીં થાય, તો પાકિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ડિફોલ્ટ થવાનું જોખમ વધી શકે છે. સાઉદી અને કતારની આ મદદ પાકિસ્તાનના વિદેશી મુદ્રા ભંડારને ટેકો આપવા અને આર્થિક ડૂબતી નૌકાને કિનારે લાવવા માટે અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે.
11 દિવસમાં ₹29,000 કરોડની ચૂકવણી: પાકિસ્તાન પર ભારે દબાણ
UAE એ તાજેતરમાં તેની લોન રોલઓવર (લોન લંબાવવાની) નીતિમાં ફેરફાર કર્યો છે. અગાઉ UAE પાકિસ્તાનની લોન ચૂકવવાની મુદત વારંવાર લંબાવતું હતું, પરંતુ હવે તેમણે શોર્ટ-ટર્મ એક્સટેન્શન આપવાનું શરૂ કર્યું છે. આથી પાકિસ્તાને એપ્રિલ મહિનાના અંત સુધીમાં 3.5 અબજ ડોલર (₹29,000 કરોડ) ચૂકવવા પડે તેમ છે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ, 11, 17 અને 23 એપ્રિલે અલગ-અલગ હપ્તામાં આ રકમ પરત કરવાની છે. 23 એપ્રિલ એ છેલ્લી તારીખ છે, જે હવે ખૂબ જ નજીક છે.
IMF ની કડક શરત: દેણદારોએ 3 વર્ષ સુધી પૈસા રોકી રાખવા પડશે
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ પાકિસ્તાનને 7 અબજ ડોલરના બેલઆઉટ પેકેજ માટે એક કડક શરત મૂકી છે. IMF ઈચ્છે છે કે પાકિસ્તાનના મુખ્ય દેણદારો — ચીન, સાઉદી અરેબિયા અને UAE — આગામી 3 વર્ષ સુધી પાકિસ્તાન પાસેથી પોતાનું દેવું પાછું ન માંગે અને તે રકમ પાકિસ્તાનમાં જ જાળવી રાખે. અહેવાલો મુજબ, ભવિષ્યમાં આ સમીકરણમાં UAE ની જગ્યાએ કતાર મુખ્ય ભૂમિકા ભજવી શકે છે, જે પાકિસ્તાનને સ્થિરતા આપવા મદદ કરશે.
આ પણ વાંચો: અમદાવાદથી સુરત સુધી, ગુજરાતમાં આજે શું છે પેટ્રોલના ભાવ? : જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
સાઉદી અરેબિયા સાથેની મિત્રતા અને લશ્કરી સહયોગ
સાઉદી અરેબિયા માત્ર આર્થિક જ નહીં પરંતુ સંરક્ષણ ક્ષેત્રે પણ પાકિસ્તાનને સાથ આપી રહ્યું છે. તાજેતરમાં જ પાકિસ્તાન એરફોર્સના ફાઇટર જેટ્સ અને સ્ટાફ સાઉદીના કિંગ અબ્દુલઅઝીઝ એર બેઝ પર પહોંચ્યા છે. આ એક સંયુક્ત સંરક્ષણ કરારનો ભાગ છે. આર્થિક મોરચે, સાઉદીએ પહેલેથી જ 5 અબજ ડોલરની ડિપોઝિટ પાકિસ્તાનમાં રાખી છે, જે મુશ્કેલ સમયમાં દેશના વિદેશી મુદ્રા ભંડારને ટેકો આપી રહી છે.
નાણા મંત્રી ઔરંગઝેબનો વોશિંગ્ટન પ્રવાસ: 50 થી વધુ બેઠકોનો ટાર્ગેટ
પાકિસ્તાનના નાણા મંત્રી મુહમ્મદ ઔરંગઝેબ હાલમાં વોશિંગ્ટનમાં છે. તેઓ 13 થી 18 એપ્રિલ દરમિયાન IMF અને વર્લ્ડ બેંકની મહત્વની બેઠકોમાં ભાગ લેશે. આ પ્રવાસ દરમિયાન તેઓ ચીન, સાઉદી, UAE અને બ્રિટન સહિતના દેશોના પ્રતિનિધિઓ સાથે 50 થી વધુ ઉચ્ચ સ્તરીય બેઠકો કરશે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય વધુ રોકાણકારોને આકર્ષવાનો અને પાકિસ્તાન માટે નવી લોન અથવા રાહત મેળવવાનો છે.





