logo-img
Sarpanch Naveen Singh Maliwad Of Mota Khanpur In Mahisagar Suspended

મહીસાગરમાં મોટા ખાનપુરના સરપંચ નવીનસિંહ માલીવાડ સસ્પેન્ડ : નૈતિક અધઃપતન મામલે નોંધાયો ગુનો, DDOની કડક કાર્યવાહી

મહીસાગરમાં મોટા ખાનપુરના સરપંચ નવીનસિંહ માલીવાડ સસ્પેન્ડ
Published by: Offbeat Team
| Last Updated: Feb 06, 2026, 07:27 AM IST

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના મોટા ખાનપુર ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ નવીનસિંહ માલીવાડને જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થે સસ્પેન્ડ કરવાનો કડક નિર્ણય લીધો છે. ગુજરાત પંચાયત અધિનિયમ–1993ની કલમ 59(1) મુજબ નૈતિક અધઃપતનના ગુનાના આધાર પર આ કાર્યવાહી કરવામાં આવી છે.

BNS ની વિવિધ કલમો અને પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધાયો હતો ગુનો

સરપંચ નવીનસિંહ માલીવાડ સામે બકોર પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો તેમજ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. આ કેસમાં 26 જાન્યુઆરીથી સરપંચ જેલના સળિયા પાછળ છે અને તેમની સામે ફોજદારી કાર્યવાહી ચાલી રહી છે. થોડા દિવસ અગાઉ મોટા ખાનપુર ગામે સરપંચ નવીનસિંહ માલીવાડ નશાની હાલતમાં કાર ચલાવી રહ્યા હતા, તે દરમિયાન ગંભીર અકસ્માત સર્જાયો હતો.

જિલ્લા વિકાસ અધિકારીએ સરપંચ સામે લાલ આંખ કરી

આ અકસ્માતમાં ચાર નિર્દોષ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી હતી. જાહેર પ્રતિનિધિ તરીકે જવાબદારીભર્યું વર્તન ન અપનાવવાના કારણે અને કાયદાની ગંભીર ઉલ્લંઘન થવાના પગલે જિલ્લા વિકાસ અધિકારીએ સરપંચ સામે લાલ આંખ કરી આ નિર્ણય લીધો છે. સરપંચના સસ્પેન્શનને લઈને પંચાયત તંત્રમાં પણ સ્પષ્ટ સંદેશો ગયો છે કે જાહેર હોદ્દા પર રહેલા વ્યક્તિ દ્વારા કાયદા અને નૈતિકતાના ભંગને કોઈ રીતે ચલાવી લેવામાં આવશે નહીં. આ કાર્યવાહીથી જિલ્લામાં દાખલો બેસાડતો નિર્ણય માનવામાં આવી રહ્યો છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now