Home Gujarat Sarpanch Family Launches Deadly Attack On Youth Who Accused Him Of Corruption

CM ને ભ્રષ્ટાચારની ફરિયાદ કરતાં ખેડૂતને જીવતો સળગાવ્યો : આંકલાવના અંબાવ ગામના સરપંચ સહિત પાંચ લોકો સામે હત્યાના પ્રયાસની ફરિયાદ

CM ને ભ્રષ્ટાચારની ફરિયાદ કરતાં ખેડૂતને જીવતો સળગાવ્યો
Published by: OBS Bureau
Last Updated: Jan 05, 2026, 08:24 AM IST

આણંદમાંથી હચમચાવી દે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. આંકલાવ તાલુકાના અંબાવ ગામના મહિલા સરપંચ અને તેમના પરિવાર વિરુદ્ધ CM સમક્ષ ફરિયાદ કરનાર ખેડૂતને જીવતો સલગાવવાનો પ્રયત્ન કર્યો છે. ગંભીર રીતે દાઝેલા ખેડૂતને સારવાર માટે હાલ વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે પોલીસે અંબાવ ગામના મહિલા સરપંચ સહિત 5 લોકો વિરુદ્ધ હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

સરપંચ અને તેના પરિવારજનોએ મારા પર પેટ્રોલ છાંટી સળગાવ્યો- ભરત પઢિયાર

સયાજી હોસ્પિટલમાંથી ખેડૂત ભરતભાઈ પઢિયારે જણાવ્યું હતું કે, અમારા ગામમાં પંચાયતમાં ભ્રષ્ટાચાર થયેલો એટલે મેં આઠ-દસ દિવસ પહેલા જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, વિકાસ કમિશનર અને મુખ્યમંત્રીને અરજી કરી હતી. આટલી બધી જગ્યાએ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ન્યાય ન મળ્યો, તેથી અમે મીડિયામાં આ અંગેનું નિવેદન આપ્યું હતું.

જે દિવસે નિવેદન આપ્યું, તે જ દિવસે સરપંચના પતિ તરફથી મને ધમકી મળી. બીજા દિવસે પણ અન્ય લોકો દ્વારા ધમકીઓ અને સંદેશા મોકલાવવામાં આવ્યા કે 'તમને જીવતા નહીં છોડીએ', તેના પછીના દિવસે મારે ઘરે ભજનનો કાર્યક્રમ હતો, એટલે હું દળણું દળાવવા માટે ગયો હતો. ત્યાં અચાનક સરપંચ કોકિલાબેન, તેમના પતિ દિનેશભાઈ, પુત્ર નિલેશભાઈ, રાજેશભાઈ અને તેમનો એક ભત્રીજો ઈકો ગાડી લઈને આવ્યા હતા. તેમણે મને માર માર્યો.

માર મારતા મારતા તેઓ મને ગામની વચ્ચે લઈ ગયા. ત્યાં કોકિલાબેને મને પકડી રાખ્યો, નિલેશભાઈએ મારા પર પેટ્રોલ છાંટ્યું અને રાજેશભાઈએ દિવાસળી ચાંપી દીધી હતી. દિનેશભાઈએ મને લાત મારીને પાડી દીધો અને પછી મને આગ લગાડીને તેઓ ત્યાંથી ભાગી ગયા હતા.

ગંભીર રીતે દાઝી ગયેલા ભરત પઢીયારને વડોદરા સારવાર માટે ખસેડાયા

દાઝેલી હાલતમાં ભરતભાઈને આંકલાવની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, ત્યાંથી વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

ભરતભાઈની સ્થિતિ હાલ નાજુક છે. આ મામલે આંકલાવ પોલીસે સરપંચ સહિત કુલ પાંચ વિરૂદ્ધ મારામારી, હત્યાના પ્રયાસની ક્લમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

કારમાં ભાગી રહેલા લોકો વીડિયોમાં બોલે છે કે વીડિયો ચાલુ કર, એની જાતે કર્યું છે. આપણે કશું કર્યું નથી, એ જાતે સળગ્યો છે આખું ગામ જોતું નથી? આટલું બોલ્યા પછી કાર ભગાવે છે. જોકે કારની પાછળ કેટલાક લોકો દોડે છે. કારમાં બેઠેલા લોકો ગ્રામજનો સાથે ગાળાગાળી પણ કરે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now