સાણંદ તાલુકાના જુવાલ ગામ નજીક આજે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. જેમાં બાઈક ચાલકનું ડમ્પર નીચે આવી જતા ઘટનાસ્થળે જ દુઃખદ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર, જુવાલથી માણકોલ જવાના માર્ગ પર આ દુર્ઘટના બની હતી, જ્યારે જુવાલ ગામના ભીમાભાઈ કોળી-પટેલ પોતાની બાઈક લઈને નવરાત્રિની આઠમ નિમિત્તે મઢે દીવો કરવા જઇ રહ્યા હતા ત્યારે એક બેફામ ગતિએ આવતાં ડમ્પરે તેમને અડફેટે લઈ કચડી નાંખ્યા હતાં.
બાળક ચાલક પર ડમ્પર ફરી વળ્યું!
જોરદાર ટક્કરથી ભીમાભાઈનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. દુર્ઘટનાની જાણ થતાં આસપાસના લોકોના ટોળા-ટોળા એકઠા થઈ ગયા હતા. સમગ્ર ઘટનાના પગલે પોલીસ તપાસ હાથ ધરી છે.
પરિવારમાં શોક
ભીમાભાઈના મૃત્યુથી પરિવાર તથા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ધાર્મિક પ્રસંગ દરમિયાન આવી દુર્ઘટના બનતા લોકોએ ભાવુક્તા જોવા મળી છે. બેફામ ડમ્પરો હંકારતા ચાલકો પર કાર્યવાહીની પણ માંગ કરી છે.