પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રવિવારે "મન કી બાત" કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રને સંબોધન કર્યું. કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે, "નવરાત્રિના આ સમય દરમિયાન, આપણે શક્તિની પૂજા કરીએ છીએ. આપણે મહિલા શક્તિનો ઉત્સવ ઉજવીએ છીએ. વ્યવસાયથી રમતગમત સુધી, શિક્ષણથી વિજ્ઞાન સુધી, કોઈપણ ક્ષેત્રમાં, દેશની દીકરીઓ દરેક જગ્યાએ ઉંચી ઉડાન ભરી રહી છે. આજે, તેઓ એવા પડકારોનો સામનો કરી રહી છે જેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે."
"2 ઓક્ટોબરે ખાદી ખરીદો અને ગર્વથી કહો સ્વદેશી"
PM મોદીએ કહ્યું, "2 ઓક્ટોબર ગાંધી જયંતિ છે. ગાંધીજી હંમેશા સ્વદેશી અપનાવવા પર ભાર મૂકતા હતા, અને ખાદી તેમાં સૌથી આગળ હતી. કમનસીબે, આઝાદી પછી ખાદીનો મહિમા ઓછો થઈ રહ્યો હતો, પરંતુ છેલ્લા 11 વર્ષોમાં, ખાદી પ્રત્યેનું આકર્ષણ નોંધપાત્ર રીતે વધ્યું છે. હું દરેકને વિનંતી કરું છું કે 2 ઓક્ટોબરે ખાદીના ઉત્પાદનો ખરીદો અને ગર્વથી જાહેર કરો કે તે સ્વદેશી છે."
PM મોદીએ છઠ પૂજાનો પણ ઉલ્લેખ કર્યો
પ્રધાનમંત્રી મોદીએ પોતાના મન કી બાત કાર્યક્રમમાં કહ્યું, "છઠ પૂજા એ દિવાળી પછી આવતો પવિત્ર તહેવાર છે. આ દરમિયાન આપણે અસ્ત થતા સૂર્યને પ્રાર્થના પણ કરીએ છીએ અને તેની પૂજા પણ કરીએ છીએ. આજે, તે એક વૈશ્વિક ઉજવણી બની રહી છે. ભારત સરકાર છઠ પૂજાને યુનેસ્કો અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરવા માટે પ્રયાસ કરી રહી છે. એકવાર છઠ પૂજાને યુનેસ્કોની યાદીમાં સામેલ કરવામાં આવશે, તો વિશ્વના દરેક ખૂણાના લોકો તેની ભવ્યતા અને દિવ્યતાનો અનુભવ કરી શકશે."
PM મોદીએ લતા મંગેશકરને યાદ કર્યા
PM મોદીએ કહ્યું કે, "આજે લતા મંગેશકરની જન્મજયંતિ પણ છે. ભારતીય સંસ્કૃતિ અને સંગીતમાં રસ ધરાવનાર કોઈપણ વ્યક્તિ તેમના ગીતોથી પ્રભાવિત થયા વિના રહી શકતું નથી. તેમના ગીતોમાં માનવ લાગણીઓને ઉત્તેજિત કરતી દરેક વસ્તુ છે. તેમણે ગાયેલા દેશભક્તિના ગીતોએ લોકોને ખૂબ પ્રેરણા આપી. તેમનો ભારતીય સંસ્કૃતિ સાથે પણ ઊંડો સંબંધ હતો. હું લતા દીદીને મારી હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું."
"અમર શહીદ ભગતસિંહ યુવાનો માટે પ્રેરણા છે."
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, અમર શહીદ ભગતસિંહ દરેક ભારતીય માટે ખાસ કરીને દેશના યુવાનો માટે પ્રેરણા છે. તેમના સ્વભાવમાં નિર્ભયતા ઊંડે સુધી સ્થાયી થઈ ગઈ હતી. તેમણે કહ્યું કે, "ભગત સિંહ લોકોના દુઃખ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ હતા અને તેમને મદદ કરવામાં હંમેશા આગળ રહેતા હતા. હું શહીદ ભગત સિંહને મારી આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું."