ઉત્તર પ્રદેશના બરેલીમાં થયેલી હિંસાના સંદર્ભમાં પોલીસે ઇત્તેહાદ-એ-મિલ્લત કાઉન્સિલ (IMC) ના વડા મૌલાના તૌકીર રઝાની ધરપકડ કરી છે. એક દિવસ પહેલા, શુક્રવારની નમાજ પછી ભારે બબાલ થઈ હતી. મુસ્લિમ સમુદાયના કેટલાક સભ્યો બરેલીમાં અલ હઝરત દરગાહ પાસે એકઠા થયા હતા, તેમની પાસે "આઈ લવ મોહમ્મદ" લખેલા પોસ્ટરો હતા. આ વિરોધ ઝડપથી હિંસક અથડામણમાં ફેરવાઈ ગયો. વિરોધીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો, જેના કારણે લાઠીચાર્જ કરવામાં આવ્યો.
પોલીસે મૌલાના તૌકીર રઝાની ધરપકડ કરી છે અને તેમને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. મૌલાના તૌકીર રઝા સહિત આઠ અન્ય લોકોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. હિંસાના સંદર્ભમાં સતત FIR દાખલ કરવામાં આવી રહી છે.
બરેલીના SP એ જણાવ્યું હતું કે હિંસાના સંદર્ભમાં કુલ 10 FIR નોંધવામાં આવી હતી, જેમાં કોતવાલી પોલીસ સ્ટેશનમાં પાંચ, બરાદલીમાં બે, પ્રેમનગરમાં એક અને કેન્ટમાં એકનો સમાવેશ થાય છે. પોલીસે અત્યાર સુધીમાં આઠ લોકોની ધરપકડ કરી છે અને કુલ 39 લોકોની અટકાયત કરી છે. મૌલાના તૌકીર રઝા વિરુદ્ધ સાત FIR દાખલ કરવામાં આવી છે. બરેલી હિંસામાં કુલ 22 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા.
શું મામલો હતો?
ઇત્તેહાદ-એ-મિલ્લત કાઉન્સિલના વડા મૌલાના તૌકીર રઝા ખાને "આઈ લવ મોહમ્મદ" અભિયાનના સમર્થનમાં વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી હતી. જોકે, વહીવટી પરમીશનના અભાવે, તેમણે છેલ્લી ઘડીએ વિરોધ પ્રદર્શન મુલતવી રાખ્યું. જ્યારે લોકોને વિરોધ પ્રદર્શન રદ થયાની જાણ થઈ, ત્યારે તેઓ ગુસ્સે ભરાયા અને મસ્જિદની નજીક અને રઝાના ઘરની બહાર ભેગા થયા, અને મુલતવી રાખવા પર નારાજગી વ્યક્ત કરી.
અફવાઓ પર ધ્યાન ન આપો: બરેલી ડીએમ
સમાચાર એજન્સી અનુસાર, જિલ્લા મેજિસ્ટ્રેટ અવિનાશ સિંહે જણાવ્યું હતું કે પોલીસે ઘટનાસ્થળે કડક કાર્યવાહી કરી હતી અને પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં આવી ગઈ છે. તેમણે જનતાને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી હતી. ઉત્તર પ્રદેશ સરકારે પણ એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે બરેલી હિંસા પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ઉદ્યોગ અને રોકાણને અસર કરવાના હેતુથી રચવામાં આવેલા ષડયંત્રનો ભાગ હતી.
વીડિયો અને ફોટોસને આધારે થશે ઓળખ
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ નમાજ પહેલા ધાર્મિક નેતાઓના સંપર્કમાં હતા અને મોટાભાગના વિસ્તારોમાં શુક્રવારની નમાજ શાંતિપૂર્ણ રહી હતી. જોકે, કેટલાક તોફાની તત્વોએ પથ્થરમારો કર્યો હતો અને વાહનો અને દુકાનોને નુકસાન પહોંચાડ્યું હતું. ડીઆઈજી અજય કુમાર સાહનીએ જણાવ્યું હતું કે આ ઘટનામાં સામેલ લોકોની ઓળખ વીડિયો અને ફોટોગ્રાફ્સ દ્વારા કરવામાં આવશે.